આવું પણ બને
આવું પણ બને


આ દુનિયામાં કોઈને ગમવું એ સૌથી મોટુ વરદાન છે, પણ કોઈ આપણને બહુ ગમે કે કોઈ આપણને બહુ ગમાડે એ બન્ને ઘટના પવિત્ર છે. પણ ઘણી વખત એક ના પણ કોઈની જિંદગી સમાપ્ત કરી દે છે.
ગુજરાતના એક નાના ગામની વાત છે. આજથી આશરે પાંત્રીસ વર્ષ પહેલાંની વાત છે. આ ગામમાં બધાંજ પ્રકારની વસ્તીના માણસો રહેતા હતા. દરેક નાત પ્રમાણેના દરેક ના અલગ અલગ ફળિયાં હતાં. આવાં જ એક ફળિયામાં રહેતી ભારતી. ભારતી ત્રણ ભાઈઓથી નાની. માતા પિતાની અને દાદાની લાડલી હતી.
ઉનાળામાં વેકેશનમાં બધાંજ સગાંવહાલાં આ ગામમા જ વેકેશન કરવા આવતા અને પછી ખુબજ મોજ મસ્તી કરતા. આખો દિવસ રમત ગમત. સાયકલ લઈને બાજુના ગામમાં ખોડિયાર માતાજીનું મોટું મંદિર હતું ત્યાં જવાનું અને વાવમાં ઉતરવાનું પછી મંદિરમાં બેસી ને ખોડિયાર બાવની લવાની અને પછી પ્રસાદ લઈને પાછાં આવતાં ખેતરમાંથી બોર, ગોરસ આંબલી તોડતા આવવાનું એ મજાજ કરવાની.
ભારતીના કાકા કાકી પણ એજ ફળિયામાં રહેતા હતા, કાકીના ભાઈનો દિકરો ખેડાથી ફોઈ ને ત્યાં દર વેકેશનમાં આવે. ભારતી,નિલુ, ટીનું, કેતન, જયેશ, ઉમેશ, હિના, સોનલ, સ્મિતા, નંદા, રીટા બધાંજ પોતાના સગાંવહાલાંને ત્યાં આવે અને દર વેકેશનમાં હલ્લાબોલ કરે. આમ આ લોકોની એક આખી ટોળકી બની ગઈ હતી. હવે ભારતી અગિયારમાં ધોરણમાં આવી ત્યારે ઉનાળાના વેકેશનમાં બધાં પાછાં ભેગા થયા. ઉમેશે એનાં ફોઈને કહ્યું કે મને ભારતી ખુબ ગમે છે અને હું ભારતીને મનોમન ખુબ પ્રેમ કરું છું તમે મારી માટે વાત કરો. ભારતી કરતાં ઉમેશ એક વર્ષ મોટો હતો. ઉમેશ દેખાવમાં ખુબજ સુંદર હતો પણ એની આંખો એકદમ માંજરી હતી. અને ભારતી ને ખબર નહીં પણ કેમ માંજરી આંખો વાળાથી ચીડ હતી. એટલે રમત રમતા હોય ત્યારે પણ એ એની ટીમમાં ઉમેશને ના રાખે.
ભારતીના કાકી તો ઉમેશની વાત સાંભળી ખુબ ખુશ થઈ ગયા કે ચલો મારા ભાઈ ના ઘરે મારી ભત્રીજીજ જશે તો ભાઈનું ઘર સુખી થશે એમણે રાત્રે કાકાને વાત કરી કે ઉમેશને ભારતી ગમે છે અને પ્રેમ કરે છે તો તમે વાત કરો. કાકા કહે સારું. બીજા દિવસે કાકા, કાકી ભારતીના પપ્પા વિનુભાઈને મળ્યા અને કહ્યું કે ઉમેશને આપણી ભારતી બહું ગમે છે તો આ સંબંધ બંધાઈ જાય તો બન્ને કુટુંબમાં શાંતિ રહેશે અને કોઈ તકલીફ નહીં પડે. અને બીજું કે ઉમેશ ભારતીને પ્રેમ કરે છે એટલે એને સુખીજ રાખશે.
વિનુભાઈ કહે હું ભારતીને પુછીને જવાબ આપું. કાકી કહે એમાં ભારતીને શું પુછવાનું. મારાં ભાઈને ઘેર રાજ કરશે રાજ. તમે તો જાણો છો દિયરજી કે મારાં ભાઈને ઉમેશ એકનો એક દીકરો છે અને ખેડામાં પોતાનું ત્રણ માળનું મકાન છે. મારા ભાઈ વિજયને સરકારી નોકરી છે અને મારી ભાભી ઉષા તો દિલની ખુબ જ ભોળી છે. આવું સારું ઘર ભારતીને નહીં મળે. તમે હા પાડો તો હું મારા ભાઈને ટેલિફોન કરી બોલાવું અને ગોળધાણા ખાઈ લઈએ. લગ્ન પછી ભલે બે વર્ષ રહીને કરીશું.
વિનુભાઈ અને ઉર્મિલાબેન એ કહ્યું કે 'ભાભી તમે સમજો એ લોકો જોડેજ રમે છે દર વેકેશનમાં પણ ભારતી એ ઉમેશ વિશે કોઈ વાત નથી કરી. મારે એકવાર તો ભારતીને પુછવું જ પડે. કાકી ચિડાઈને 'સારું તમારી મરજી. એમ કહી બબડતાં જવા લાગ્યા કે છોકરીની જાતને બહુ મોઢે ચડાવી છે તે પસ્તાવાનો વારો ના આવે તે જોજો.
ભારતી ને બોલાવીને વિનુભાઈએ પુછ્યું કે 'ઉમેશ તને ગમે છે ?' ભારતી બાઘાની જેમ એનાં પપ્પા સામે જોઈ રહી. વિનુભાઈ 'તને ખબર છે બેટા ઉમેશ તને પ્રેમ કરે છે ?'
ભારતી તો આ સાંભળીને ખડખડાટ હસી 'પ્રેમ ? ઉમેશ મને પ્રેમ કરે છે ?'
વિનુભાઈ : 'તને પસંદ હોય તો હું હા પાડું ઉમેશ તારી જોડે લગ્ન કરવા માંગે છે.'
ભારતી ચિડાઈને : 'એ બિલાડાની હિમ્મત કેમ થઈ મને પ્રેમ કરવાની. પપ્પા તમે કાકીને અત્યારેજ જણાવી દો હું એ માંજરી આંખોવાળા ઉમેશીયા જોડે લગ્ન નહીં કરું. બાકી તમે કોઈ પણ સાથે કહેશો હું હા પાડી દઈશ.'
વિનુભાઈ એ સમજાવા કોશિશ કરી પણ ભારતી રડવા લાગી હું ઉમેશ જોડે લગ્ન નહીં કરું મને માંજરી આંખોથી બીક લાગે છે પપ્પા. વિનુભાઈ કહે 'સારું તું રડ નહીં હું ભાભીને વાત કરી આવું.' વિનુભાઈ એ હાથ જોડીને ના કહી કે ભારતી ના પાડે છે. કાકી એ સમજાવ્યા પણ વિનુભાઈ કહે છોકરીને બળજબરીથી હું પરણવા નથી માંગતો.'
ઉમેશ આ બધું સાંભળીને ખૂબ દુઃખી થયો. એ સૂનમૂન થઈને બેસી રહ્યો. કાકી કહે 'બેટા આ ભારતીથી પણ સુંદર લાવીશું તારા માટે વહું તું ચિંતા ના કર.'
બીજા દિવસે રમવા ભેગા થયા ત્યારે ઉમેશે મોકો જોઈને ભારતી ને કહ્યું કે 'ભારતી હું તને પ્રેમ કરું છું મારી સાથે લગ્ન કરીશ. ?' ભારતી ફટ દઈને કહે 'ના હું તને પ્રેમ નથી કરતી અને તું મને નથી ગમતો. મારી ના છે, બરાબર સાંભળી લે મારી ના છે.'
ઉમેશ ઘરે આવ્યો અને કાકીને કહે 'મારે ખેડા જવું છે મમ્મી પપ્પા બહું યાદ આવે છે.' કાકી એ ઉમેશ ને બસમાં બેસાડવા કાકાને મોકલ્યા.
ખેડા પહોંચીને ઉમેશે ઉષાબેનને બધી વાત કરી કે એ ભારતીને પ્રેમ કરે છે પણ એ ના કહે છે. ઉષા બેન કહે સમય આવે સારું થશે તું ચિંતા ના કર. હજુ તારી એવી ઉંમર પણ ક્યાં થઈ છે. ઉમેશે બીજા દિવસે ખેતરમાં નાંખવાની ઝેરી દવા પીને આત્માહત્યા કરી. ભારતીના કાકી એ તો ભારતીને બે લાફા માર્યા કે તારી ના ના લીધે મારો ભત્રીજો જતો રહ્યો. મારાં ભાઈ નું ઘર ઉજજડ થઈ ગયું. ભારતી રડતાં રડતાં વિચારી રહી કે શું મને ના કહેવાનો હક્ક પણ નથી. અને પ્રેમ કંઈ બળજબરીથી ના થાય. ઉમેશે મને પ્રેમ કર્યો એટલે શું મારે પણ એને પ્રેમ કરવો એ જરૂરી તો નથી. પ્રેમ તો દિલની લાગણી છે જે એની જાતેજ મનમાં ઉદભવે છે.