આત્મવિશ્વાસુ કીડી
આત્મવિશ્વાસુ કીડી
"મમ્મી, મમ્મી મને વાર્તા કહોને “ નાનકડી જિયાએ મમ્મીને કહ્યું.
મમ્મીએ વાર્તા કહેવાનું શરૂ કર્યું, “જિયા તને ખબર છે ને કીડી કેટલી આત્મવિશ્વાસુ અને મહેનતુ હોય છે ? આજે તને આવી જ એક કીડી અને મંકોડીની વાર્તા સંભળાવું.”
એક ગામમાં કીડી અને મંકોડી રહેતા હતા. બંને મિત્રો ગામમાં, તળાવે, બગીચામાં, નિશાળમાં, રસ્તા ઉપર હાથ પકડી સાથેસાથે જ ફરતા. એક બીજાનો હાથ પકડી બંને મિત્રો સુંદર ગીત ગાતા,
ખાંડ ખાઇએ, ગોળ ખાઈએ,
ખઇએ અમે સાકરજી,
ઘરમાં જુઓ, બહાર જુઓ,
જયાં જુઆે ત્યાં, હાજરજી !
કીડીબેન ખૂબ જ મહેનતુ તથા નીડર હતા પણ મંકોડીબેન ક્યારેક ગભરાઈ જતાં.
એક દિવસ કીડીબેન અને મંકોડીબેન ફરતાં ફરતાં ગામમાં આવેલી એક દુકાને પહોંચી ગયા. ત્યાં સરસ મજાની ચોકલેટો, બિસ્કીટો અને મોટી ખાંડની ગુણો જોઈને કીડીબેનનું મન લલચાયું ! તેમણે કહ્યું,
“મંકોડી, મંકોડી ચાલને ઉજાણી કરવા જઈએ.”
“મંકોડી કહે મને તો ગોળ ભાવે.” બંને બહેનપણીઓ નાનકડું પર્સ ભરાવી મોટી દુકાનમાં કોઈ ના જુએ તેમ ઘૂસી ગયા. તેમને તો સરસ મજાની બિસ્કીટો અને ચોકલેટો જોઈ મોંમાં પાણી આવી ગયું ! ત્યાં ખાંડની ગુણ જોઈને કીડીબેન દબાતે પગલે ગુણમાં ઘૂસી ગયા. મંકોડીબેનને પણ ગોળની ગુણ મળી ગઈ. બંને બહેનપણીઓએ ખાધુંને ત્યાં જ ઊંઘી ગયા.
ચાર-પાંચ કલાક પછી મંકોડીબેનની આંખો ખુલી. તેણે કીડીને કહ્યું, “કીડીબેન જુઓ તો આપણે ક્યાં આવી ગયા ?
કીડીબેને પણ આળસ મરડી આંખો ખોલી તો જોયું કે ઘરડાં દાદાના હાથમાં બે થેલી હતી. જેમાં બંને મિત્રો પુરાઈ ગયા હતા. મંકોડીબેન તો રડવા લાગ્યાં પણ કીડીબેનના આત્મવિશ્વાસથી મંકોડીબેનને થોડી રાહત થઇ.
દાદાજીએ તો ઘરે જઈને થેલી દાદીને આપી અને ગોળ ડબ્બામાં ભરવા તથા ચા બનાવવાનું કહ્યું. મંકોડીબેનનો જીવ તો પડીકે બંધાયો ! કીડીબેને તો બહાર નીકળવાના આત્મવિશ્વાસપૂર્વક પ્રયત્નો કરવા લાગ્યા.
“જિયા કીડી ખૂબ જ મહેનતું હોય છે અને બુદ્ધિશાળી પણ. અથાક મહેનતથી તે થેલીમાંથી બહાર આવી. હવે, મંકોડીબેનનો જીવ બચાવવાનો હતો. કીડીને એક યુકિત સુઝી હોય એમ તે દાદીમા ગોળ સમારતાં હતા ત્યાં પહોંચી. મિત્રના પ્રાણ બચાવવા તેમણે દાદીમાંને ચટકો ભર્યો.
“હાય રે ! કીડી કરડી.”
દાદીમાની મનોમન માફી માંગી કીડીબેને મંકોડીબેનનો જીવ બચાવ્યો. આમ, નાનકડી કીડીએ સમસ્યા આવતા ગભરાઈ જવાને બદલે આત્મવિશ્વાસથી પોતાનો અને મિત્ર મંકોડીબેનનો જીવ બચાવ્યો. કીડી પાસેથી દરેક કાર્ય આત્મવિશ્વાસથી કરવાની શીખ તથા કીડીના જીવનની અવનવી વાતો સાંભળી જિયા પણ ઉંઘી ગઈ.
