આત્મનિર્ભર
આત્મનિર્ભર


અગર જીવન મેં સેવા સ્મરણ સત્સંગ હૈ તો"બસંત" હૈ,
અગર નહીં હૈ તો બસ - અંત હૈ.
ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા અને સંસ્કારને જાળવવા કોઈ એકની પહેલ જરૂરી છે. અર્થ એનો એ નથી કે કંકુ ને ચોખા જ ચડાવાય, કલ્યાણકારી કોઇ પણ કામ દિલથી કરો એ સાચો શિવ અભિષેક છે.
આ વાત છે વીસ વર્ષ પહેલાંની. અમારાં ચેહર માના પ્રાગટ્ય મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલુ હતી તો મંદિરમાં સેવા આપવા ઘણી બધી બહેનો અને છોકરીઓ આવતી હતી એમાં પૌલોમી પટેલ એલ.જી. હોસ્પિટલ પાસેની અર્બુદા સોસાયટીમાં રહેતી એ પણ હતી. હવે અન્નકૂટ ભરવામાં મોડું થઈ ગયું તો હું અને મારા પતિદેવ સ્કુટર પર પૌલોમીને એનાં ઘરે મુકવા જતાં હતાં. તો એલ.જી. કોર્નર પાસેની એક દુકાનમાંથી પૌલોમીને વેફર્સ લેવી હતી તો સ્કૂટર ઊભું રાખ્યું રાજેન્દ્ર કુમારે.
ત્યાં એક દશ વર્ષનો છોકરો આવ્યો. મેલાં ઘેલાં કપડાં ચડ્ડી ને શર્ટ પણ ત્રણ-ચાર જગ્યાએથી ફાટેલું. અને હાથમાં કપડાંની એક થેલી હતી આવીને મને કહે બહું ભૂખ લાગી છે એમ કહીને પેટ પર હાથ ફેરવ્યો એનાં. મેં એની સામે ધ્યાન થી જોયું પછી મેં 'પુછ્યું ક્યાં રહે છે ?'
કહે 'આ ધરતી મારી મા અને આકાશ મારાં પિતા છે હું મણિકર્ણેશ્વર મંદિરની બહાર ફૂટપાથ પર સૂઈ રહું છું.'
મેં કહ્યું 'તારું નામ શું છે ?'
મને કહે 'તમને જે ગમે એ નામ રાખી દો.'
મેં કહ્યું 'તારું કોઈ જ નથી ?'
તો કહે 'ના... અને મને યાદ નથી પણ બે વર્ષ થી હું અહીં જ રહું છું.'
મને એની આંખોમાં સચ્ચાઈ અને એનાં જવાબમાં પણ સચ્ચાઈ લાગી. મેં કહ્યું 'ચાલ તારું નામ આજથી મોહન.'
બાજુમાં જ આવેલી નાગર ફરસાણ માર્ટ. હું એને ત્યાં લઈ ગઈ અને એને એક પ્લેટ કાંદા કચોરી અને સેન્ડવીચ ખવડાવી. પછી મેં એને કહ્યું, 'બેટા આ તારું એક દિવસનું જમવાનું હું આપી શકી પણ રોજ તો હું નહીં આવું ને ? હું પણ નોકરી કરું છું મારા બાળકોનાં ઉજળા ભવિષ્ય માટે તો ત
ારે ભણવું છે ?'
મોહને કહ્યું કે 'ના મેમ.'
મેં કહ્યું કે 'ચલ તો તને તારા આત્મસન્માનથી જીવી શકું એ માટે તને હું એક રસ્તો બતાવું અને વસ્તુઓ લઈ આપું.' પછી મેં એને બે બૂટ પોલીસની ડબ્બીઓ અને બે બ્રસ લઈ આપ્યા અને કહ્યું કે રોજ મંદિર બહાર બેસીને આવતાં જતાંની બૂટ પોલીસ કરી તારી રોજીરોટી મેળવજે. એટલે તારે કોઈ સામે હાથ ના ફેલાવો પડે. અને કાલે હું મારા દિકરા જીનલના બે જોડ કપડાં અને ચંપલ આપી જઈશ.
મોહન મને પગે લાગ્યો. મેં એને આશીર્વાદ આપ્યા. પછી હું બીજા દિવસે નોકરી પરથી છૂટીને એને કપડાં આપવા મણિકર્ણેશ્વર મહાદેવ ગઈ તો. મોહન બધાંને બૂમો પાડી ને બૂટ પોલીસ માટે વિનવતો હતો. હું એન નજીક ગઈ અને મેં એને કપડાં અને ચંપલની થેલી અને ઘરે બનાવેલા થેપલા અને છુંદો આપ્યો.
મેં કહ્યું 'મોહન આજે કેવું રહ્યું ?'
મોહન ખુશી સાથે 'મેમ આજે તો આખા પચ્ચાસ રૂપિયા આવ્યા છે.'
પછી મેં એને સમજાવ્યું કે આમાંથી તારો જમવાનું અને જરૂર પડે બીજી પોલીસની ડબ્બીઓ લે જે અને બચત કરીને બીજું નાનું મોટું કામ કરજે. હું ફરી આવીશ મળવા અને મારું નોકરી અને ચેહર માતાનાં મંદિરનું સરનામું એને આપ્યું.
દશ વર્ષ પહેલાં મોહને ચંપલની લારી કરી અને અલગ-અલગ સોસાયટીમાં ફરીને વેચતો. હું મારા પૂરાં પરિવાર માટે એની પાસેથી જ ચંપલ, સેન્ડલ લેતી. હમણાં બે વર્ષ પહેલાં મોહને ઈસનપુરમાં પોતાની ચંપલ, બૂટની દૂકાન ખોલી અને મારા હાથેજ ઉદ્દઘાટન કરાવ્યું. એણે મને કહ્યું 'મેમ હવે તો મારા તરફથી ગિફ્ટમાં ચંપલ લઈ જાવ.' પણ મેં કહ્યું 'બેટા આ તારી મેહનતની કમાણી છે એને આમ વેડફ નહીં.'
મોહને બહું જીદ કરી ત્યારે મેં એને કહ્યું કે 'વચન આપ કે કોઈ જરૂરિયાત મંદની મદદ કરી એને આત્મનિર્ભર બનાવીને આત્મસન્માનથી જીવતાં શીખવાડીશ. એણે હા કહી. અને મને પગે લાગ્યો. મેં એને આશીર્વાદ આપ્યા કે 'જલ્દી લગ્ન કરને જાનમાં લઈ જજે. એ હસી પડ્યો.