Nilang Rindani

Others

4  

Nilang Rindani

Others

આત્મઘાત

આત્મઘાત

9 mins
481


રાત્રીના સુમારે ૮ વાગ્યા હશે. શિયાળાના રાત્રીના ૮ એટલે આમ તો રાત્રીના ૧૦ જેવો સન્નાટો હોય. શહેરે તો ક્યારનીય અંધકાર રૂપી ચાદર ઓઢી લીધી હતી. શિયાળાની ઠંડી શહેરમાં લટાર મારવા નીકળી પડી હતી. બજારમાં પણ હવે ભીડ ઓછી થવા લાગી હતી. વેપારીઓ પોતપોતાની દુકાન વધાવીને બંધ કરવાની તૈયારીમાં હતા. મુખ્ય બજારની એક દવાની દુકાન હજી ખુલ્લી હતી અને આ દુકાન ૨૪ કલાક ખુલ્લી જ રહેતી હતી. શેખર દવે તે દુકાનની સામેની બાજુ એ છેલ્લા અડધા કલાકથી ઊભો હતો. કંઈક ગડમથલમાં હતો. તેના ચહેરાના ભાવ ઉપરથી સ્પષ્ટ થતું હતું કે કોઈક ઉલ્કાપાત તેના મનને ઘમરોળી રહ્યો હતો. શિયાળાની રાતે પણ તેના કપાળ ઉપર પ્રસ્વેદના બિંદુઓ ઉભરી આવ્યા હતા. વારેઘડીએ તે તેની હથેળીઓ મસળી રહ્યો હતો. અને તેને કારણે તેની હથેળીઓ પણ પરસેવાથી ભીની થઈ ગઈ હતી. ત્યાં મૂકેલ બાંકડા ઉપર ક્યારેક બેસી જતો હતો તો ક્યારેક ઊભો થઈને આમથી તેમ આંટા મારતો હતો. અને ત્યાંજ કંઈક મનનો ઉલ્કાપાત બેસી ગયો હોય કે શું, પરંતુ તે ત્યાંથી પોતાના ઘર તરફ પ્રયાણ કરી ગયો.

શેખર દવે, એક બહુરાષ્ટ્રીય કંપનીના આઈ. ટી. વિભાગમાં એક સારા હોદ્દા ઉપર નોકરી કરી રહ્યો હતો. બહુ ઝાઝી ઉમર નહોતી, પણ સહેજે ૩૦-૩૨ વર્ષની ઉંમર નો યુવાન, અપરિણીત અને ૬ આંકડાવાળા પગારની નોકરી હતી એટલે કારકિર્દી અને પૈસાની દૃષ્ટિ એ સફળ વ્યક્તિ હતો. માતા પિતાએ નાની ઉંમરમાં જ અનંતની વાટ પકડી લીધી હતી એટલે આમ પણ શેખર એકલો જ હતો. બીજા કોઈ વ્યસનો પણ નહોતાં, બાકી અત્યારના યુગમાં એકલો રહેતો યુવક જાતજાતના વ્યસનોનો શિકાર હોય છે. 

શેખર પોતાના બે બેડરૂમ હૉલ કિચનવાળા ફ્લેટ ઉપર પહોંચી ગયો હતો. આજે ઓફિસમાં તેના ઉપરી સાથે કોઈક વાત ને લીધે ગરમા ગરમી થઈ ગઈ હતી, એટલે તેનું મગજ થોડું વિચલિત થઈ ગયું હતું. મગજમાં ઘણા વિચારો આવી ગયા હતા અને એટલી હદ સુધી કે તે તેના ઉપરી ને શારીરિક નુકસાન પહોંચાડવાની તૈયારીમાં હતો, પરંતુ મહામહેનતે પોતાની જાત ને રોકી હતી. તેનો ગુસ્સો આખી ઓફિસમાં જાણીતો હતો અને તેના નજીકના ઓફિસના સહ કર્મચારીઓ તેને આ બાબતને લઈને સમજાવતા પણ ખરા. અમુક સમય સુધી બધું શાંત રહેતું, પરંતુ ફરી પાછું કંઈક થાય ત્યારે શેખર પોતાનો પિત્તો ગુમાવી દેતો. થોડું લૂસ લૂસ જમીને શેખર આડો પડ્યો. કેમે કરી ને ઊંઘ નહોતી આવતી. વિચારોનું ઘોડાપૂર ઉમટી આવ્યું હતું. ક્યાંક ક્યાંક મનનાં એક ખૂણે ધરબી રાખેલો ગુસ્સો બહાર આવવાની કોશિશ કરી રહ્યો હતો. અને આ ઘમાસાણમા તેની આંખ ઉપર નિંદ્રા દેવી ક્યારે સવાર થઈ ગયા તે શેખરને ખબર જ ના પડી. 

બીજા દિવસે શેખર પોતાની હ્યુન્ડાઈ આઈ ૧૦માં પોતાની ઓફિસ જવા રવાના થયો. રાતની ઊંઘ પછી કંઈક સારું લાગી રહ્યું હતું. ગઈકાલના બનાવને લઈને તે થોડો ક્ષોભ પણ અનુભવી રહ્યો હતો. મનોમન નક્કી કરી લીધું હતું કે તે તેના ઉપરીની માફી માગી લેશે અને વાતનું સમાધાન લાવી દેશે. ઓફિસ પહોંચીને પોતાની જગ્યા ઉપર થોડો ઠરીઠામ થઈને પોતાના ઉપરીની કેબિનમાં જઈને તેમની માફી પણ માંગી આવ્યો. 

દિવસો પસાર થઈ રહ્યા હતા. એક દિવસ સાંજે ઓફિસથી છૂટીને શેખર પોતાની ગાડીમાં ઘર તરફ આવી રહ્યો હતો. સાંજનાં હિસાબે ટ્રાફિક સાધારણ હતો. ટ્રાફિક સિગ્નલથી ગાડીને આગળ ધપાવી જ હશે ત્યાં એક સાઈકલ સવાર વચ્ચે આવી ગયો અને સાધારણ ટક્કર ગાડી સાથે થઈ ગઈ. શેખર તો તરત જ ગાડી રસ્તા વચ્ચે ઊભી રાખીને પેલા સાઈકલ સવાર સાથે બાથંબાથી ઉપર ઉતરી આવ્યો, અને એટલી હદ સુધી કે પેલો રસ્તા ઉપર પડી ગયો જેને લીધે તેના મોઢાંમાંથી લોહી વહેવા લાગ્યું. બીજા રાહદારીઓ પણ ભેગા થઈ ગયા. સાવ સાધારણ ટક્કર હતી જે શેખર નકારી શક્યો હોત પરંતુ તેણે આ ઘટનાને અતિશય ગંભીરતાથી લઈ લીધી. બીજા બધા વાહનચાલકો પણ શેખરને શાંત પાડીને રસ્તો ખાલી કરવાની વિનંતી કરવા લાગ્યા, પરંતુ શેખરના મગજમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો બીજા બધા રાહદારીઓ વચ્ચે ના પડ્યા હોત તો આજે કંઈક અજુગતું જ થઈ જાત. માંડ માંડ શેખર શાંત થયો અને ગાડીમાં સવાર થઈ ને પોતાના ઘર તરફ હંકારી ગયો. ઘરે પહોંચી ને થોડો ફ્રેશ થયો અને પોતાના ફ્લેટની બાલ્કનીમાં ખુરશી નાખીને બેઠો. કાળા ડીબાંગ આકાશ તરફ આંખ માંડીને શેખર વિચારોના વમળમાં અટવાતો હતો. તેના શાંત મગજમાં અચાનક જ ચમકારો થયો. તેને લાગ્યું કે સાંજે જે થયું તે પોતે ટાળી શક્યો હોત, પરંતુ તેના મગજમાં એવું તે શું થઈ જાય છે કે તે પોતે તેના કાબૂમાં નથી રહેતો. એવું તે શું થયું છે તેની સાથે કે એવી કોઈ ઘટના તેની સાથે ઘટી હોય જેને લીધે તે આવા કોઈ સંજોગો ઉપર પોતાનો કાબૂ નથી રાખી શકતો. બે પળ માટે તો તે હબકી ગયો કે જો બીજા બધા લોકો એ તેને રોક્યો ના હોત તો પેલા સાઈકલ સવારની શું હાલત કરી હોત ? તે સમયે તેનાં મગજ ઉપર શું સવાર થઈ જાય છે જેનો તે પણ સામનો નથી કરી શકતો ? રાત્રિ ના ૧૦ વાગી ગયા હતા. તેના ફ્લેટની બાલ્કનીમાંથી ઊભો થઈ ને પોતાના શયનખંડમાં જઈને પોતાના ખાટલા ઉપર આડો પડ્યો. રસોયણ જમવાનું બનાવી ને ડાઈનિંગ ટેબલ ઉપર ગોઠવીને જતી રહી હતી, પરંતુ આજે તેને કઈં ખાવાની ઈચ્છા નહોતી થતી. રસોડામાં જઈને ફ્રિજમાંથી દૂધની તપેલી કાઢી ને કાચના પ્યાલામાં દૂધ રેડીને પાછો પોતાના શયનખંડમાં જઈને શેખર બેઠો. દૂધ પી ને બત્તી બંધ કરી ને ઊંઘવાની નાકામ કોશિશ કરી. પણ વિચારો આજે તેનો પીછો નહોતા છોડતા. એવું તે શું થઈ જાય છે તેને ? શું તેને હવે એકલતા કોરી ખાય છે ? શું કોઈ સાથીની તેને જરૂર છે ?.......બહાર વાતાવરણ શાંત હતું પરંતુ તેના મનમાં આજે વાવાઝોડું આવ્યું હતું. સો સો મણના હથોડા પડી રહ્યા હતા તેના મગજ ઉપર....તેના માનસપટ ઉપર એક તરફ તેનો ઉપરી, બીજી તરફ પેલો સાઈકલ સવાર જાણે કે અટ્ટહાસ્ય કરી રહ્યા હતા. અસંખ્ય ચહેરાઓ તેના માનસપટ ઉપર તરવરી રહ્યા હતા.....કંઈક કહી રહ્યા હતા, અસ્પષ્ટ શબ્દોમાં...પણ મગજ ઉપર અસંખ્ય હથોડા પડી રહ્યા હતા......કપાળ પરસેવે રેબઝેબ થઈ ગયું હતું....કપાળ ઉપરની નસો તંગ થઈ ગઈ હતી, અને એકદમ સફાળો ઊભો થઈ ગયો શેખર.....પોતાનું માથું બે હાથે પકડી ને બેસી રહ્યો.....કલાક....બે કલાક....સમય વીતતો ચાલ્યો....પરંતુ શેખર બેઠો તે બેઠો જ રહ્યો. વહેલી સવાર ના ૫ વાગ્યે તેની આંખોએ વિરામ લીધો. લગભગ ૮:૩૦ વાગે તેની આંખો ઉઘડી. માથું એકદમ ભારે હતું. તેને થયું કે આજે તેનાથી ઓફિસ નહીં જવાય. તેણે પોતાના ઉપરીને મોબાઈલ ઉપર સંદેશો પાઠવી દીધો. નાહી ધોઈને અખબાર હાથમાં લઈને દેશ દુનિયાની પળોજળમાં મન પરોવવાની કોશિશ કરી. ગઈ રાત્રે નહોતો જમ્યો એટલે તેને થોડી ભૂખ પણ લાગી હતી. રસોડામાં જઈને ચાની તપેલી ગેસના ચૂલા ઉપર ગોઠવીને ફ્રીજમાંથી બ્રેડનું પેકેટ કાઢી અને તેના ઉપર બટર લગાવીને પ્લેટમાં ગોઠવી રહ્યો હતો. ચા અને નાસ્તા ને ન્યાય આપી ને તે દીવાનખંડમાં બેઠો હતો ત્યાં જ ડોરબેલ વાગી. દરવાજો ઉઘાડ્યો તો સામે એપાર્ટમેન્ટ નો ચોકીદાર ઊભો હતો....."શેખર ભાઈ, આ કવર એક ભાઈ આપી ગયા હતા...કદાચ કોઈક કારણસર તમને આપવાનું રહી ગયું છે, આજે હું મારું ટેબલ સાફ કરતો હતો તો મળ્યું, તો તરત જ તમને આપવા માટે આવ્યો....માફ કરશો"..... શેખરે કવર ઉઘાડ્યું તો તેમાંથી કોઈક બિલ ભરવાની તાકીદનો પત્ર હતો અને જેની તારીખ જતી રહી હતી....શેખર અચાનક તેના મગજનો સંયમ ગુમાવી બેઠો..."તમારી ભૂલને લીધે મારે ભોગવવાનું ? આટલી બેદરકારી હોય ? સમજો છો શું તમારા મનમાં ? નોકરી ના થતી હોય તો ના કરો" શેખર બરાબર નો ઉકળી રહ્યો હતો....પેલા ચોકીદાર એ સામે અતિ નરમાઈથી ઉત્તર આપ્યો "શેખર ભાઈ....આ પહેલી વાર થયું છે....માણસ છું...ભૂલ થઈ ગઈ છે....બીજી વખત તકેદારી રાખીશ, પણ એમાં આટલો ગુસ્સો શું કામ કરો છો ? નોકરી કરીએ છીએ, કોઈ ગુલામી નહીં."....અને આ સાંભળી ને શેખરના મસ્તિષ્કમાં જાણે કે ભૂકંપ થયો હોય તેવો મોટેથી બરાડ્યો..."મારી સાથે જીભાજોડી કરે છે ? તારી લાયકાત શું છે મારી સામે ? ઊભો રહે, તારી સાન ઠેકાણે લાવવી પડશે".... આટલું બોલી ને શેખરે તો રીતસર ના પેલા ચોકીદારના કોલર પકડીને તેને ધક્કો જ માર્યો. પેલો ચોકીદાર સહેજે ૫૦ વર્ષની ઉમરનો વ્યક્તિ હતો, અને એક નવયુવાનના ધક્કા ને તે સંભાળી નહીં શક્યો અને ત્યાં જમીન ઉપર ફસડાઈ પડ્યો. આજુબાજુના ફ્લેટના રહેવાસીઓ પણ પોતાના ફ્લેટમાંથી બહાર આવી ગયા અને અમુક લોકો એ પેલા ચોકીદારને ઊભા થવામાં મદદ કરી તો અમુક લોકો શેખરને શાંત કરવાના પ્રયત્ન કરવા લાગ્યા.....માંડ માંડ કલાકે સ્થિતિ થાળે પડી. ફ્લેટ્વાસીઓ પણ પોતપોતાના ફ્લેટમાં જતા રહ્યા. પરંતુ સૌના મગજમાં શેખરની એક બીજી જ આકૃતિ અંકાઈ ગઈ હતી. 

ફ્લેટ્વાસીઓ એ શેખરનું આ રૂપ કોઈ દિવસ નહોતું જોયું. 

શેખર પોતાના ઓરડામાં આવ્યો. સોફા ઉપર બેસીને પોતાના બંને હાથને પોતાના માથા ઉપર ટેકવી ને તે છત તરફ એકીટશે જોઈ રહ્યો હતો.....મગજમાં એકદમ સૂનકાર હતો....સ્મશાનવત શાંતિ પ્રવર્તી રહી હતી....ધીરેથી ઊભો થઈને અરીસા આગળ આવ્યો...અને અચાનક જ અરીસામાં ઉદભવેલી આકૃતિ જોઈને તે છળી ઉઠ્યો.....પોતાની આંખો ને બંને હથેળીથી દબાવીને બંધ કરી દીધી.....હળવેથી પોતાની હથેળીને આંખો ઉપરથી હટાવીને પરત અરીસા સમક્ષ જોયું તો ફરી પાછું તે જ દૃશ્ય હતું......અરીસામાં પોતાનું જ તો પ્રતિબિંબ હતું....જે શેખર બહાર ઊભો હતો તે જ અરીસામાં પણ હતો, પરંતુ તે તો દુનિયાની નજરે....શેખર માટે તો તે એક અતિ ખતરનાક અને ઘૃણાસ્પદ આકૃતિ બની રહી.....તે રીતસરનો ડરી ગયો.....શેખર પોતાનું જ પ્રતિબિંબ જોઈને ડરી ગયો હતો. તે અરીસા સમક્ષ જોઈ નહોતો શક્તો, અને તરત જ ત્યાંથી ખસી ગયો. તેને લાગ્યું કે કદાચ હાલમાં જ જે કઈં ઘટયું તેને લીધે તેના માનસ ઉપર કોઈક ખરાબ અસર પડી ગઈ છે. એટલે ફરી પાછો તે અરીસા સમક્ષ ગયો.....ધીરેથી પોતાનું મોઢું ઊંચું કરીને અરીસા સમક્ષ જોયું તો ફરી પાછો એજ ઘૃણાસ્પદ અને ખતરનાક ચહેરો....તે જાણે અટ્ટહાસ્ય કરી રહ્યો હતો..."શેખર......શેખર" અચાનક એક અવાજ આવ્યો...આમતેમ નજર કરી, કોઈ નજરે ના ચડ્યું..."શેખર....હું છું..." ફરી પાછો અવાજ આવ્યો...શેખરે અરીસા સમક્ષ જોયું તો તે અવાચક થઈ ગયો. એક અતિ નિર્મળ અને હળવા સ્મિત સાથે, મોઢાં ઉપર પારાવાર શાંતિના ભાવ સાથે પોતે જ ઊભો હતો....આ શું થયું ? શેખરના મનમાં સવાલ ઉદભવ્યો. હમણાં થોડી ક્ષણો પહેલાં જે ઘૃણાસ્પદ ચહેરો દેખાતો હતો તેમાંથી આ શાંત ચહેરો ક્યાંથી આવી ગયો ? અને ત્યાં જ ફરી પાછો અવાજ આવ્યો "શેખર, શું થયું છે તને ? કેમ આવું વર્તન કરે છે ? આ તને બિલકુલ શોભા નથી આપતું...." શેખર જોઈ રહ્યો હતો કે અરીસાની ભીતરનો શેખર તેને આ બધું કહી રહ્યો હતો.....અને શેખરથી મોટેથી બોલાય ગયું..."મેં શું કર્યું છે ? હું બરાબર જ છું....મને કઈં જ નથી થયું....અને તું કોણ મને સમજાવવાવાળો ?" શેખર ઉત્તેજિત થઈ ગયો હતો. પરંતુ પેલો અરીસાવાળો શેખર તો એકદમ શાંત હતો. એકદમ નિર્મળ હાસ્ય સાથે "શેખર, તું જ જરાક વિચાર કર...તે દિવસે તારા ઉપરી સાથે ઝઘડ્યો, પેલા સાઈકલ સવાર સાથે બાથંબાંથી ઉપર ઉતરી આવ્યો, અરે આજે તો તેં પેલા ચોકીદારને પણ માર્યો.....તને આ નથી સારું લાગતું....તું તો આવો હતો જ નહીં....તારે મનોમંથનની સખત જરૂર છે અને હું તને મદદ કરીશ"....અને આ સાંભળીને બહારનો શેખર બરાડી ઉઠ્યો "અરે તું છે કોણ મારી મદદ કરવાવાળો ? હું આવો જ છું....તે દિવસે મારા ઉપરીનો જ વાંક હતો, પેલો સાઈકલ સવાર પણ એકદમ જ વચ્ચે આવી ગયો હતો અને પેલો ચોકીદાર બેદરકાર હતો જેને લીધે મારે નુકસાન ગયું....તો મેં શું ખોટું કર્યું છે ? અને બીજું...તું મારી બાબતમાં દખલ ના દઈશ, નહીંતર મારા જેવો કોઈ ખરાબ નહીં થાય.....જા જતો રહે અહીંથી નહીંતર હું તને પણ નહીં છોડુ....જા નીકળ અહીંથી" શેખર રીતસરનો તપી રહ્યો હતો. આંખો લાલઘુમ થઈ ગઈ હતી. તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. ચહેરા ઉપર એક વિકરાળ સ્વરૂપ ઉભરી આવ્યું હતું.... તેણે જોરથી મુઠ્ઠીઓ વાળી દીધી હતી.....ધીરેથી શેખર અરીસાની નજીક આવ્યો, પણ અરીસાની અંદર નો શેખર તો હજી જ્યાં નો ત્યાં જ હતો, એજ નિર્મળ હાસ્ય અને એજ શાંત ચહેરો.....પણ આજે બહાર ના શેખર ને રોકવાવાળુ પણ કોઈ નહોતું...તેને તો આજે છૂટો દોર મળી ગયો હતો......"તો તું નહીં જ સમજે, એમ ને ? તો લે હવે....હું તને પણ નહીં છોડુું" અને શેખર આટલું બોલી ને તો સીધો જ અરીસા તરફ ધસી ગયો અને અરીસા ઉપર પોતાનું માથું બમણા જોરથી અફળાવ્યુ, અને......અરીસો આખો લોહીથી લાલ થઈ ગયો.....શેખર જમીન ઉપર ફસડાઈ પડ્યો હતો....તેનું કપાળ આખું લોહીથી લથપથ હતું....અરીસાના કાચની કરચો તેના માથામાં અંદર સુધી જતી રહી હતી. શેખર ચિત્કાર પાડી ઊઠ્યો.....તેની આંખો પીડાની મારી બંધ હતી.....અરીસાની અંદર નો શેખર તો ક્યારનો રવાના થઈ ચૂક્યો હતો......જમીન ઉપર પડેલા શેખરના શ્વાસ ધીરે ધીરે શાંત થતા જતા હતા.... અરીસો તૂટવાનો અવાજ એટલો જોરદાર હતો કે આજુબાજુ ના ફ્લેટવાળાને પણ તે અવાજ સંભળાયો હતો. કોઈકની મદદથી શેખરના ફ્લેટનો દરવાજો ઉઘાડીને સૌ કોઈ અંદર ધસી ગયા.....અંદર નું દૃશ્ય જોઈ ને દરેકની આંખો આઘાતની મારી ફાટી ગઈ હતી.....તાત્કાલિક ૧૦૮ ને બોલાવવામાં આવી. કોઈકે પોલીસને પણ ફોન કર્યો અને થોડીવારમાં ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસની વાન આવી ગઈ. ૧૦૮ એમ્બ્યુલન્સના ડૉક્ટર એ પ્રાથમિક તપાસ કરી અને તરત જ જાહેર કરી દીધું કે તે મૃત્યુ પામ્યો છે......!

દુનિયાની દૃષ્ટિ એ શેખરે આત્મહત્યા કરી હતી, પરંતુ શેખર જ જાણતો હતો કે તેણે તો તેની અંદરના શેખરને માર્યો છે........હત્યા અને આત્મહત્યાનું વમળ હવે હંમેશ માટે વમળ જ રહી ગયું.....!


Rate this content
Log in