આનંદ
આનંદ
ચાર રસ્તાની ટ્રાફિક લાઇટ લાલ થતાં જ બધા વાહનો ઉભા રહી ગયા. એક નાનકડો દસ-બાર વરસનો છોકરો હાથમાં વાંસની ટોપલીઓ લઈને દોડાદોડી કરી રહ્યો હતો. આવતા જતા લોકોને અને ઉભા રહેલા સ્કૂટર અને કારવાળાઓને પોતાની ટોપલીઓ લેવા માટે મનાવી રહ્યો હતો.
દસ વર્ષનો અમોઘ તેની મમ્મી સાથે ઘણા દિવસો બાદ શોપિંગ પર નીકળ્યો હતો.... પપ્પા બિઝનેસ ટૂર પર હતા. તેથી તેણે અને મમ્મીએ પ્રોગ્રામ બનાવ્યો હતો ..અને હવે ડોમિનોઝના પીઝા ખાઈને જ ઘરે જવાનું નક્કી કર્યું. વિક એન્ડની ભીડના કારણે પીઝા ઓર્ડર કરીને અમોઘ વિશાળ કાચ જેમાંથી બહારનો રોડ જોઈ શકાય તેવી જગ્યાએ બેસી ગયો. તેની નજર વારે ઘડીએ એ છોકરા તરફ જતી હતી. ટ્રાફિક શરૂ થતાં જ તે રસ્તાની સામેની બાજુ બેઠેલી એક માંદલી સ્ત્રી તરફ દોડી જતો, અને તેની બાજુમાં બેસી જતો હતો. તે સ્ત્રી ધીમે ધીમે ટોપલીઓ ગુંથતી હતી. લાલ લાઈટ થતાંજ જેવા વાહનો અટકતા કે તે બાળક દોડીને લોકો પાસે પહોંચી જતો અને ટોપલીઓ ખરીદવા માટે આજીજી કરતો રહેતો, કેટલાય લોકો તેની અવગણના કરતાં તિરસ્કાર કરતાં પણ તે ઉત્સાહથી બતાવતો !
ઉઘાડા પગ અને લઘરવઘર શટૅ, ટૂંકી ચડ્ડી પહેરીને દોડી રહેલા બાળકની મહેનત અમોઘ એક નજરે જોઈ રહ્યો. મમ્મી મોબાઇલમાં વ્યસ્ત હોવાથી અમોઘનું પૂરું ધ્યાન આ બાળક ઉપર કેન્દ્રિત હતું .અનેક ટીશર્ટ હોવા છતાં પણ આજે ખરીદેલા કપડાં અને પોતાના નવા બ્રાન્ડેડ શુઝ તરફ તેની નજર ગઈ. કાચની બે બાજુ બે અલગ રીતે જીવાતી જિંદગીના છેડા મેળવવાની તેણે કોશિશ કરી જોઈ, પણ તેને એ મહેનત વ્યર્થ લાગી. તેનું બાળમન આ અસમાનતાને સમજવા અસમર્થ હતું..
તેથીજ ઓર્ડરના પીઝા આવતા જ તેણે ધીરેથી ખાવાનું શરૂ કર્યું ! પણ આજે તેને તેના મનપસંદ પીઝામાં સ્વાદ નહોતો લાગતો. અમોઘ નાનકડા બાળકની સખત મહેનત જોઇને અંદરથી ઉદાસ થઈ ગયો. નજર સામે દોડાદોડી કરી રહેલા પોતાની ઉંમરના બાળક માટે કશું જ કરી શકવા માટે અસમર્થ. તેને ઉદાસ જોઈને મમ્મી એ પૂછ્યું, "શું થયું ? બેટા ,પીઝા બરાબર નથી ? તારા તો ફેવરીટ છે ને ? આજે કેમ ખાતો નથી ?" તેણે ધીરેથી મમ્મીને કહ્યું, "મમ્મી મારે અત્યારે ખાવાની ઈચ્છા નથી, પેક કરાવી લો ! મમ્મીને ખૂબ આશ્ચર્ય થયું. તેણે હા કહ્યું.
અમોઘે પીઝા પેક કરી આપવાનું કહ્યું,તેથી એક તરવરિયો યુવાન આવીને બચેલા પીઝા પેક કરીને આપવા માટે લઈ ગયો. મમ્મીએ તેને ટીપમા આપવા માટે પચાસ રૂપિયા અમોઘને આપ્યા અને સામાન લઈને બહાર નીકળી. અમોઘને પિઝા લઇને આવવા જણાવ્યું. નાનકડા અમોઘના ચહેરા ઉપર નટખટ સ્મિત આવી ગયું. તેણે 50 રૂપિયા ખિસ્સામાં મૂક્યા અને પીઝા પાર્સલ મળતાંજ તે લઈને દોડતો રોડ ક્રોસ કરીને સામે બેઠેલા છોકરા પાસે ગયો. તેને 50 રૂપિયા ધરીને 3 ટોપલીઓ લીધી પછી તેણે બાળકને પીઝાનું પેકેટ ધર્યું ! થોડી આનાકાની સાથે તે બાળકે અમોઘના હાથમાંથી પીઝાનું પેકેટ લઇ લીધું, તેના થાકેલા ચહેરા પર સ્મિત આવ્યું. બેય નાનકડા બાળકોના ચહેરા ખીલી ઉઠ્યા અને ફરીથી ટ્રાફિકની લાઈટ લાલ થઈ ગઈ.
