Amit Chauhan

Others

3  

Amit Chauhan

Others

આકૃતિ - 2

આકૃતિ - 2

5 mins
200


ઘરના મધ્ય ભાગમાં બેઠેલ આકાશની નજર બહાર દોડી ગઈ. તેણે જોયું કે એક ઊંચી આકૃતિ પોતાના હાથમાં એક બાળકને ઊંચકીને પોતાના ઘર તરફ આવી રહી હતી.એ આકૃતિ એટલે બીજું કોઈ નહીં પણ સંકેત. સાંજનો સમય હતો. લગભગ આઠેક વાગ્યા હતા. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. 

આકાશે જોયું કે સંકેતે પોતાની મોટરસાઈકલ ચિમનભાઈના ઘર આગળ ઊભી રાખી હતી. તે પોતાના પુત્ર ઉદયને પોતાના હાથમાં ઊંચકીને ઘર તરફ આવી રહ્યો હતો. એ પૂર્વે તે ચિમનભાઈના ઘરમાં આવન - જાવન કરી રહ્યો હતો. કપડાંના પોટલાં પલળી ન જાય એ માટે તેણે તે પોટલાંને ચિમનભાઈના ઘરમાં મૂકી દીધા હતા. 

થોડીવાર બાદ આકાશની નજર પારુલ ઉપર પડી. તેમણે પોતાના હાથમાં એક બેગ પકડી હતી. આકાશને યાદ આવ્યું કે જ્યારે તેઓ રિસાઈને ચાલ્યા જતા હતા ત્યારે તેમની સાથે બચ્ચું હતું. હવે જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે બચ્ચું એટલે કે ઉદય; સંકેતના હાથમાં હતો. પારુલે દરવાજે મારેલ તાળું ખોલ્યું. સંકેતે ઉદયને નીચે ઉતાર્યો. એ પછી નાનકડો ઉદય પોતાના ઘેર પરત આવ્યાની ખુશીમાં વહેલો વહેલો ઘરમાં દાખલ થઈ ગયો. 

થોડા દિવસો પૂર્વેની વાત. સંકેત જેવો વર્કશોપમાં આવ્યો કે તેની મુખમુદ્રા જોઈ સુપરવાઈઝરને આખી પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. 

"બૈરું નથી કે શું ?" સુપરવાઈઝર પૂછવા લાગ્યા 

" નથી જ સ્તો….ફરીવાર રિહઈને જતી રહી" સંકેતે કહ્યું 

" મારી વાત માન….તેડી લાય એન નહી તો બહુ હેરાન થવાશે" સુપરવાઈઝર કહેવા લાગ્યા 

" તેડી તો લાવવી જ પડશે...છૂટકો નથી." સંકેતે વર્કશોપના કપડાં પહેરતાં કહ્યું. 

એ દિવસે તેને અમુક અમુક સમયના અંતરે પારુલના વિચાર આવતા રહ્યા. નાનકડો ઉદય પણ એને વારંવાર યાદ આવતો રહયો. કેમકે તે જ્યારે જ્યારે બજારમાં મસાલો લેવા જાય ત્યારે ત્યારે નાનકડું બચ્ચું; જોડે આવવાની હઠ પકડે. એ પછી સંકેતે તેને લઈ જ જવો પડતો. 

 આખરે એણે નક્કી કરી લીધું કે પોતે આગામી દિવસે પારુલને તેડી લાવશે. પોતે જે પ્રમાણે નક્કી કર્યુ તે પ્રમાણે તેણે કર્યુ. નક્કી કરેલ દિવસે તેણે જોબ પર રજા મૂકી અને પારુલના પિયરે ઉપડ્યો. જ્યારે તે પારુલના પિયરમાં આવી પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ઉદય તો સોસાયટીના નાના બાળકો સાથે રમતો હતો. ઉદય અને સંકેતની આંખો મળી. પપ્પાને જોતાં જ તે ખુશીનો માર્યો ઘરમાં દોડી ગયો. અને પછી પારુલ પાસે જઈને કહેવા લાગ્યો, " મમ્મી...મમ્મી….પપ્પા…..છે... " 

પારુલને બચ્ચુંની જબાન સમજમાં આવી ગઈ. 

ચહેરા અને આંખો પર એક ચોક્કસ પ્રકારનો ભાવ લાવી તે મનોમન બોલ્યા, " આવવું પડ્યું ને….છૂટકો જ નથી…. " 

એ પછી પારુલના મમ્મીએ સંકેતને આવકાર્યો. ઔપચારિક વાતો થઈ. સંકેતે સ્વયં ફરી આવું નહીં કરે એની બાંહેધરી આપી. એ પછી ચા-નાસ્તો તૈયાર કરવામાં આવ્યા. સહુએ ચા-નાસ્તો કર્યો. ત્યાર બાદ પારુલે ઉદયને નવડાવી દીધો. તૈયાર કર્યો. પોતે પણ તૈયાર થઈ ગયા. થોડીવાર બાદ સંકેતની મોટરસાઈકલ ઊપડી. રસ્તામાં વરસાદ પડવાનો શરૂ થઈ ગયો. ત્રણેય જણ પલળી જવા પામ્યા. 

 ઘેર આવ્યા બાદ પારુલે કપડાં બદલી નાખ્યા સંકેતે પણ કપડાં બદલી નાખ્યા. અને ચડ્ડો પહેરી લીધો. બચ્ચુંના બંડી અને ચડ્ડી પણ પલળી ગયા હોઈ બદલી નાખવામાં આવ્યા. ઉદયે એક બેગ લીધી અને તેની ચેઈન ખોલવા લાગ્યો. તેને જાણ હતી કે પારુલે તેમાં બિસ્કીટનુ પેકેટ મૂક્યું હતું. ચેઈન ખોલતાં ખોલતાં તે "મમમમ…" બોલ્યા કરતો હતો. આખરે એણે બિસ્કીટનુ પેકેટ કાઢ્યું અને બિસ્કીટ ખાવા લાગ્યો. તે ઘરનું બનાવેલું જમવાનું ઓછું ખાતો હતો. ખાસ કરીને બજારમાં મળતાં પડીકાં વધારે ખાતો હતો. 

ખેર, પારુલે ચોખા-દાળ પલાળ્યા અને એ પછી જમવાનું બનાવવાની તૈયારી કરવા માંડી. મોડું થઈ ગયું હોય એમણે સંકેતને પૂછી જોયું કે શાક નહી બનાવે તો ચાલશે કે કેમ. સંકેતે શાક નહીં બનાવવા અંગે લીલી ઝંડી આપી દીધી. ખીચડી તૈયાર થઈ જતાં ત્રણેય જણ જમવા બેઠા. જમ્યા બાદ ઉદય પોઢી ગયો. સંકેતે ટીવી ચાલુ કર્યું. એ પછી પારુલ તિજોરીમાંના પોતાના કપડાં કાઢીને બાથરૂમ તરફ જતા હતા ત્યાં જ સંકેત બોલ્યો, " જલદી આવજે" 

"કેમ ? " પારુલે પ્રશ્ન કર્યો

"કેમ તે તારે કંઈ પૂછવાનું હોય !" સંકેત કહેવા લાગ્યો.

" આટલા દિવસો એકલો ન રહ્યો ! આજે કેમ ઉતાવળ કરવા લાગ્યો ? બૈરીની મેથી મારતા બહું આવડે છે….ખબર પડી ગઈને કે કેવી હાલત થાય છે ! તારે હુઈ જવું હોય તો હુઈ જા. મારે એક કલાક લાગશે. માથું ધોવાનું છે. " પારુલ કહેવા લાગ્યા. 

સંકેતની બોલતી બંધ થઈ ગઈ. એ પછી બાથરૂમમાં ગયા. એક કલાક બાદ તે ઘરમાં પરત આવ્યા. એ પછી તેમણે ધોયેલા કપડાં ધારણ કરી લીધા. પંખો ચાલુ કર્યો અને પોતાના માથાના વાળને રુમાલ થકી ઝાટકવા લાગ્યા. 

"છાંટા ઊડે છે" સંકેત પારુલને ખીજવવા કહેવા લાગ્યો 

"શું થાય છે ? ચૂપ બેસ. જોતો નથી હું શું કરું છું !" પારુલ કહેવા લાગ્યા. 

એ પછી "સ્હેજ આઘો ખસ " કહેતાં તેઓ પલંગ પર આડા પડ્યા. સંકેત ચેનલ સરફીન્ગ કરવા લાગ્યો અને ગીતો પ્રસારિત કરતી ચેનલ પર આવીને અટક્યો. જ્યારે તેણે પારુલની આંખોમાં આંખો પરોવી ત્યારે તેમણે કહ્યું, " પહેલા ટીવી બંધ કર. ચાલુ મહિનાનું બિલ કેટલું આવ્યું છે તે ખબર છે !"

"બિલ કી બાત જાને દો….દિલ કી બાત કરો…." સંકેત કહેવા લાગ્યો. 

"પીધું છે કે શું….હાચ્ચુ કે હો….." પારુલે કહ્યું. 

 "ના" સંકેત કહેવા લાગ્યો. એ પછી એણે ઉમેર્યું, " આ તો હું બહુ ખુશ થઈ જાવ ત્યારે હિન્દીમાં બોલવા લાગું છું " 

" હિન્દીમાં બોલવાનું બહુ ગમે છે તે ભણ્યો હોત તો કેવું સારુ થાત ! અતાર કારખાનામાં મન મારીને જવું પડે છે તે જવું ન પડત !"પારુલ કહેવા લાગ્યા. 

 જોકે એ પછી એમને પોતે કહેલી વાત પર અફસોસ થયો. એમને થયું કે પોતે ભણતરની વાત નહોતી છેડવી જોઈતી. પણ એમ કંઈ ધનુષ્યમાંથી છૂટેલુ તીર અને મોંમાંથી નીકળેલા શબ્દો પાછા થોડા વળે છે ! એ પછી તેમણે સંકેતને ઈશારો કર્યો ને સંકેતે પોતાનો હાથ સ્વિચ બોર્ડ તરફ લંબાવ્યો. 

સંકેતના ઘરની લાઈટ બંધ થઈ ગઈ હોવાની આકાશને જાણ થઈ ગઈ. વહેલી સવારે જ્યારે તે ઊઠ્યો ત્યારે તેને કર્ણપ્રિય ભકિતગીતો ; બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે સાંભળવા મળ્યા. તેને સાંભળવા મળેલ ગીતોમાં " ચિંતા ન કર….." , " યેસુ બુલા રહા…." અને " મુક્તિ દિલાયે યેસુ નામ"નો સમાવેશ થતો હતો. તે મનોમન બોલી ઊઠ્યો, "વાહ" તેણે અનુભવ્યું કે પારુલના આગમનથી મહોલ્લાનુ વાતાવરણ પુન: ધમધમતું થઈ જવા પામ્યું હતું. તેણે એક ફિલ્મી ગીતના શબ્દોમાં થોડા ફેરફાર કરીને ગાવા માંડ્યું: " આપકે આને સે મહોલ્લે મેં કિતની રોનક હૈ…..." 

 રોજબરોજની જિંદગીમાં ઊભી થતી પરિસ્થિતિઓને ; યોગ્ય ફિલ્મી ગીત સાથે સાંકળવાની એને ફાવટ આવી ગઈ હતી. હવે તેની સવાર કર્ણ પ્રિય ભકિતગીત સાંભળવાથી થતી હતી. 

પોતાની સાસરીમાં પરત આવ્યાને બે દિવસ પસાર થઈ ગયા. અને ત્રીજે દિવસે તેઓ આકાશના ઘેર બચ્ચું માટે ખીચડી લેવા આવ્યા. એ દિવસે તેમના ઘેર વઘારેલી ખિચડી બનાવી હતી જે ઉદયને રાસ આવતી નહોતી. એ વેળા આકાશ પાપડ શેકી રહયો હતો. આકાશના મમ્મીએ કુકર ખોલી બચ્ચું માટે થોડી ખિચડી કાઢી. એમણે આકાશને ; પારુલને એક પાપડ આપવા પણ જણાવ્યું. આકાશે પારુલને શેકેલો એક પાપડ આપ્યો. એમની સાથે જવલ્લે જ વાત કરતો આકાશ કહેવા લાગ્યો; " તમે પાછા આવ્યા તે સારું થયું. " 

"કેમ ?" પારુલે પૂછ્યું. 

"તમે નહોતા એટલા દિવસો દરમિયાન ભકિતગીતો સાંભળવા ન્હોતા મળતા. હવે મને પ્રત્યેક સવાર ખુશનુમા લાગે છે. " આકાશ કહેવા લાગ્યો. 

"એમ …" કહેતાં પારુલ શેકેલો એક પાપડ અને ખીચડી ભરેલી થાળી લઈને ચાલ્યા ગયા. 


Rate this content
Log in