આઝાદી પછી ક્યાં સુધી ?
આઝાદી પછી ક્યાં સુધી ?
નમસ્કાર મિત્રો,
વાત આઝાદીની હોય ત્યારે ખૂબ ગર્વ થાય છે કે ભારત આઝાદ છે. પ્રત્એક વર્ષે ૧૫ મી ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરીએ આપણે એક જ વાતો કરતા આવ્યા છીએ કે મહાત્મા ગાંધીએ આમ કર્યું,જવાહર લાલ નહેરુએ તેમ કર્યું,સરદાર વલ્લભ ભાઈ પટેલે આમ કર્યું પણ મિત્રો આવી વાતો છેલ્લા ૭૫ વર્ષથી સાંભળતા આવ્યા છીએ અને હજુ પણ આપણે સાંભળીશું. એમાં કંઈ ખોટું પણ નથી. પણ આ મહાન વ્યક્તિઓએ તો પોતાના જીવનમાં ખૂબ કષ્ટ વેઠીને ભારતને આઝાદી અપાવી પણ શું આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈ કંઈ કરી શક્યા ? તો મારો જવાબ છે ' ના ' . કેમ કે આપણે માત્ર એક જ દિવસ પૂરતી વાતો કરી. આ ખાસ તહેવારે ત્રિરંગાને સફેદ કપડાં પર પહેરવાથી આપણે રાષ્ટ્ર પ્રેમી છે તેવું સાબિત નહીં થાય. આપણે તો હંમેશ માટે ત્રિરંગાને હૃદય પાસે રાખવો પડશે. અને દેશ માટે કંઈ કરવું પડશે. આપણે હકારાત્મકતા આપણા જીવનમાં લાવવી પડશે. આપણે આપણાં શરીરને દેશની રક્ષા માટે તૈયાર કરવું પડશે. આપણે આપણા મનને તૈયાર કરવું પડશે.
જરૂરી નથી કે બોર્ડર પર જવાથી જ દેશની રક્ષા થાય. એક વખત તમારા વિચાર તો બદલી જોવો તેનાથી પણ દેશની સેવા થશે. કારણ કે કામ કોઈ પણ હોય પણ જો તે દેશના ભલા માટે હોય તો તે ચોક્કસ દેશની સેવા જ થઈ. મિત્રો, વિચારો બદલો દેશ બદલાઈ જશે. મને ચીન દેશની એક યોજના બહુ ગમી કે શ્રીમંતો પાસેથી રૂપિયા લઈને ગરીબોને આપવામાં આવશે જેથી તે ઊંચા આવે અને પોતાનું જીવન સારી રીતે જીવી શકે. પણ હું આપણાં દેશમાં આમ થાય તેમ પણ નથી ઈચ્છતો કારણ કે ભારત " આત્મનિર્ભર " બનવું જોઈએ નહીં કે ચીનની જેમ અમીર પાસેથી બળજબરી રૂપિયા લઈને ગરીબોને આપવા. પણ જો અમીર ગરીબને પોતાની રીતે મદદ કરે તો વાત જુદી છે. એકબીજાનો સહકાર મેળવવો પડશે. જાતિવાદને દૂર કરવો પડશે.
આતો થઈ વાત અમીર - ગરીબની. પણ સાચું કહું તો આજે આપણે વિચારો બદલવાની જરૂર છે. મારો દેશ ડિજિટલ નહીં થાય તો ચાલશે પણ મારા દેશનો પ્રત્યેક વ્યક્તિ ચરિત્રવાન હોવો જોઈએ. કારણ કે આજે કેટલાક ચરિત્રહીન વ્યક્તિઓના લીધે સમાજમાં નાની બાળકીઓ પણ સુરક્ષિત નથી. તેમના જોડે પણ ખૂબ ખોટા કૃત્યો થાય છે. આવી માનસિકતા માંથી આપણે દૂર જવું પડશે. મારી માતા,બહેન, દીકરીઓ રાત્રે ૨ વાગે પણ જાહેરમાં સુરક્ષિત રહે તે જરૂરી છે. જ્યાં જોવો ત્યાં મારફાડ, રેપ, લાંચરૂશ્વત ઘર કરી ગયા છે. આવી નકામી બદીઓ એક આદર્શ વિચારધારાથી જ બદલાશે. દરેકના માટે "રાષ્ટ્રહિત સર્વોપરી" હોવો જોઈએ. બાકી આ કુદરત કોઈને પણ નહીં છોડે. અને એટલે જ કદાચ કોઈ મહાન વ્યક્તિએ કહ્યું છે. " હે, માનવ તું સાચા અર્થમાં માનવ થા નહીં તો કુદરતની થપ્પડમાં તારું ક્યાંય અસ્તિત્વ નહીં રહે"
વધારે નથી કહેતો બસ " આત્મનિર્ભર " સાથે આદર્શ વ્યક્તિ બનવું છે.
આત્મનિર્ભર બનવા માટે ડર છોડવો પડશે. જેમ કે આજે આપણને કોઈ સારું કામ કરવામાં ડર લાગે છે. કેમ કે સારું કામ કરવા જતાં તેમાં મુશ્કેલીઓ તો આવવાની જ. તમે જાણો છો માણસને ડર શેનો લાગે છે ? ચાલો,હું જ જણાવી દવ તમને કે ડર " આપણને બીજા લોકો શું કહેશે" તેનો લાગે છે. પણ મિત્રો,એક વાત યાદ રાખજો. લોકોને તો આદત પડી છે, કોઈ સારું કામ કરે એટલે ગમે તે રીતે રોકવાના. લોકો ઈચ્છે છે કે તમે સફળ થાવ પણ તમે તેમનાથી વધારે સફળ થાવ તેવું તે ઈચ્છતા નથી. નકારાત્મકતા વાળા ઘણા લોકો મળશે પણ આપણે આપણું વલણ હકારાત્મક રાખવું પડશે. કારણ કે આ દુનિયા તો આવી હતી, છે અને રહેશે. પણ આપણે આ બધા વચ્ચે સખત નહીં પણ સતત પ્રયત્ન કરીશું તો જ આપણે ખરા અર્થમાં આપણાં દેશને આગળ લાવી શકીશું.
જય હિન્દ, જય ભારત.
