આદરણીય શિક્ષક
આદરણીય શિક્ષક


આદરણીય શિક્ષકશ્રી...
આજે મારો પુત્ર આપની શાળામાં પ્રથમવાર પ્રવેશ કરે છે. જેને માટે આજે એક ઉત્સવ છે. થોડો સમય એને અજાણ્યું લાગશે. તમે એને આંગળી પકડીને નવી દિશા બતાવશો અને એને વ્હાલથી બોલાવજો. હું એવી આશા રાખું છું કે તમે પ્રેમથી એને નવી દુનિયા દેખાડશો. ભવિષ્યમાં એણે ઘણી બધી વિકટ સમસ્યાનો સામનો કરવાનો છે. તમે તેને જીવન જીવવા માટેનું પ્રેરકબળ પૂરું પાડજો. તમે એને હાથ પકડીને શીખવજો જે બધુ એણે શીખવાનું છે... અને હા, આ બધું શિક્ષણ એને ખૂબ જ ધીરજથી આપજો. એને એવું શીખવજો કે આ દુનિયામાં મંગળ છે તો અમંગળ પણ છે..અને શુભ તત્વ છે તો અશુભ તત્વો પણ છે જ. દરેક દુષ્ટ માણસોના ટોળામાં એક સજ્જન માણસ પણ હોય છે અને સ્વાર્થથી ભરેલી આ દુનિયામાં કોઈ નિ:સ્વાર્થ વ્યક્તિ પણ શ્વાસ લેતો જ હોય છે..હું જાણું છું કે આ બધું શીખવવા માટે તમારી પાસે સમય નથી. હું એ પણ જાણું છું કે તમારે શૈક્ષણિક કાર્યની સાથે સાથે સરકારના પણ કાર્યો કરવાના હોય છે.. તે છતાં મારી આપને એક નમ્ર વિનંતી છે કે તમારા ફુરસદના સમયમાં પણ મારા બાળકને આવા સંસ્કાર આપજો ..તમે એને સમજાવજો કે અનિતિના પૈસામાંથી મળેલી મીઠાઈ કરતાં નીતિના પૈસામાંથી કમાયેલ રૂપિયો ખૂબ જ કીંમતી હોય છે. અને હા.. આ બધું તમે એને ખૂબ જ ધૈર્ય જાળવીને શીખવજો. અને તેને સ્પર્ધાત્મક યુગમાં હારનું મહત્વ પણ શીખવાડજો એને શીખવાડજો કે રમતમાં હારજે પણ હિંમત નહીં હારતો.
એને એવું જ્ઞાન આપજો કે નિષ્ક્રિયતા કરતા નિષ્ફળતા સારી અને હા એને જીતને પણ પચાવતા શીખવજો અને ઈર્ષ્યાના વમળમાંથી કેમ બહાર નીકળવું તેનું પણ જ્ઞાન આપજો અને એને અન્યાય સામે લડવાની તાકાત આપજો. એને સુંદર જ્ઞાનવર્ધક પુસ્તકોની સફર કરાવવાનું પણ ભૂલતા નહિ. પ્રકૃતિને પ્રેમ કરવાનું પણ શીખવજો આકાશમાં ઉડતા પક્ષીઓ ફૂલોનું રસમાધુર્ય, સૂર્યપ્રકાશમાં સ્નાન કરવાની નિરાંત તો સાથેસાથે વરસાદમાં ભીંજાવાની મજા પણ આપજો. શાળામાં એને શીખવજો કે ચોરી કરીને પાસ થવા કરતાં હિંમતભેર નાપાસ થવું સારું. એને પોતાના વિચારોમાં શ્રદ્ધા રાખવાનું શીખવજો. "સત્યમેવ જયતે" ના ગુણોનું સિંચન કરજો. સમય સાથેના બદલાવનું અનુકુલન સાધવાનું શિક્ષણ આપજો. આજના કળિયુગમાં એ પોતાનો આત્મા ન વેચે એ પણ ઈંગીત કરાવજો. શક્ય હોય તો એ જ્યારે ઉદાસ હોય ત્યારે તો હસાવવાનું પણ ભૂલતા નહીં.
એની સાથેનું વર્તન કોમળ રાખજો. સ્મરણ રહે.. કે એને અતિ લાડ પણ નથી કરવાના કારણકે અગ્નિમાં તપીને જ સોનું શુદ્ધ થાય છે. એને એવો મુઠ્ઠી ઉંચેરો માણસ બનાવો કે તે ઈશ્વરનું તેમજ સમાજનું પ્રિયપાત્ર બની રહે.. અંતે એટલું જ કહીશ કે એના ફૂલગુલાબી જીવતરમાં ગુલાબનો એક નાનકડો છોડ વાવજો ..ડૉ રઈશ મણિયારના શબ્દમાં કહું તો..
ન એને ચવાયેલો ઇતિહાસ આપો,
બધી દિશાઓ ખુલે એવો અજવાસ આપો,
એતો વિસ્મય સભર બાળક છે,
એને તો ઉડવા આકાશ આપો !!!