Dina Vachharajani

Children Stories Tragedy

4.6  

Dina Vachharajani

Children Stories Tragedy

આધારસ્તંભ

આધારસ્તંભ

2 mins
857


સુખ દુખ મનમાં ન આણીયે,

ઘટ સાથે રે ઘડીયાં,

ટાળ્યાં તે કોઈના નવ ટળે.......


સવારના શાંત વાતાવરણમાં ગંગામાનો મીઠો અવાજ ઘૂંટાતો હતો. વસ્તીના છેડે એક નાના ઘરમાં એકલા રહી નાનું મોટું કામ કરી આજીવિકા રળતાં ગંગામા અને એ જેની નીચે બેસતાં એ આંગણાનો ઘટાદાર પીપળો સવાર પડે આમ જ ગૂંજતા.


આમ તો ગંગાનો આ આંગણ અને પીપળા સાથે નાનપણનો નાતો. આ જ તો એના માતા પિતાનું ઘર હતું. નાની ગંગા ઘરમાં એકલી કંટાળે ત્યારે મા કહેતી, આ પીપળા સાથે રમ એજ તારું મિત્ર...અને સાચે જ એની ડાળીઓમાં ચઢઉતર કરવામાં, ખિસકોલીઓને ખવડાવવામાં કે એની ઘટામાં કલરવ કરતાં પંખીઓને સાંભળવામાં એનું બાળપણ ખુશી ખુશી વીતી ગયું...યુવાન થતાં લગ્ન થયાં પણ કમનસીબે પતિનું મૃત્યુ થતાં પુત્ર સાથે પાછું આ આંગણને પીપળો જ એના આશ્રયસ્થાન બન્યા.


વીતતા સમયની સાથે ગંગા એ એના માતાપિતા અને વિકટ ભાગ્યે એકના એક પુત્રને જયારે ખોયા ત્યારે આ પીપળાની ડાળીઓએ જ જાણે હાથ લંબાવી એને પંપાળી, શાતા આપેલી.


એમના શહેરનું વિસ્તરણ થઇ રહયું હતું. એમની વસ્તી પાસેથી મોટો રસ્તો નીકળશે. બધાનાં આંગણાની થોડી જગ્યા કપાતમાં જશે પણ બદલામા ખૂબ પૈસા મળશે સાંભળી બધા ખુશ હતાં, એક માત્ર ગંગામા સિવાય. એ લાકડીના ટેકે ટેકે પાલિકાની કચેરીએ ધક્કા ખાતાં રહયાં એ પૂછવા કે એમના ઝાડ પાન તો સલામત રહેશે ને? સૌ એ એમને ધરપત આપી.


એવામાં કોઇ પ્રસંગ આવતાં ગંગામા અઠવાડિયા માટે બહારગામ ગયાં અને પાછાં આવ્યાં ત્યાં આ શું? ગંગા મા આંગણામાં ફસડાઇ પોકે પોકે રડી પડ્યા. આસપાસના લોકો એમને ઘેરી વળી અટકળ કરતા હતા કે પુત્ર ના મરણ પર પણ અડગ રહેલાં ગંગામા આમ સાવ તૂટી કેમ પડયાં?

ગંગામા સૌને કેવી રીતે સમજાવે કે એમણે એમનો મિત્ર, એમનો સાથી એવો પીપળો ખોયો હતો.


કપાતમાં એમનો પ્રિય મિત્ર પીપળો કપાઈ ગયો હતો.એમનો આધારસ્તંભ ધ્વસ્ત થઈ ગયો હતો.



Rate this content
Log in