વતનની મુલાકાત
વતનની મુલાકાત


જોયું વતન જ્યારે વરસો વિત્યે,
બદલાયા ચહેરા બધા આદિત્યે,
માટી હતી એજ જે ચુંથતા નિત્યે.
સાંકડી શેરી બની ગઈ છે પહોળી,
ગાયબ થઇ'તી ત્યાં ભીડ બહોળી,
ટીખળી અશાંતિ નાખી'તી ડહોળી.
વાંકી દિવાલો સીધી સપાટ જોઈ,
આવી દિમાગે ચીડ ન જોઈ કોઈ,
ઓટલે બેઠી નથી નખરાળી ફોઈ,
જોઈને જર્જરિત નિશાળ મેં જયારે,
મનોમંથન કર્યું દ્રશ્ય જોઈને ત્યારે,
ભણ્યા આ શીશુમંદિરે વળી ક્યારે.
ઝાલર વગાડતા છોરા ખોવાયા,
વીજળીથી વાગે ઘંટ ઘોંઘાટીયા,
ક્યાંય રમતા જોયા ના ભોવાયા.
રણકતી ગોધુલી નથી ગર્દ ડમરી,
મદારીનો જંબુરીયો ગયો છે મરી,
ચકલી માળો નથી ઊડતી ભમરી.
સીમમાં નથી રહ્ય
ા એ બળદગાડા,
ખેડૂત પડ્યા આજ આરામથી આડા,
ખીલે નથી બાંધ્યા ગાય ભેંસ પાડા.
પાઘડીના ઓશીકે માથું જમાવી,
ભાભા નહોતા પાદરે શિર નમાવી,
ન કુવા કાંઠે પનિહારી બેડું ઘુમાવી.
કેડિયું ચોરણી વગરના ચાર ડોસા,
રમે મોબાઈલ અને ખાતા સમોસા,
સૂનું પાદર જોઈને નાંખ્યા નિસાસા.
ન્હોતા આંબલી પીપળી કે બાવળ,
પીલુડી વડલો ખાય ગયા તા વળ,
બોરડીમાં બોરની બંધ છે ચળવળ,
ગાડે ટીંગાઈ ગાજર તોડતા છૈયા,
ન દીઠા ખળે કાગ કરે ઠાગાઠૈયા,
ન ભાભી પૂછે ક્યારે આવ્યા ભૈયા.
જોયું વતન જ્યારે વિત્યે વરસો,
શેરી એજ હતી જોઈ જાણે પરસો,
ફોરમ બિન માટી ઉડી ગયા રસો.