વનવગડામાં મઢૂલી મારી
વનવગડામાં મઢૂલી મારી
વનવગડામાં મઢૂલી મારી,
ગંગા થોડે દૂર .. હરિ, આવજો !
અષાઢ શ્રાવણની રાતડી,
વાદલડીનું શું રૂપ !
માગો તો સાથે આવશે,
પેલો ચંદરમા મીઠો અનૂપ .. હરિ, આવજો !
લીલી છે છમ્મ બધી ટેકરી,
બધી ફૂલ ભરી છે કુંજ;
મ્હેંકે છે માલતી મંજરી,
મારા પ્રેમી પ્રકાશના પુંજ .. હરિ, આવજો !
બોલે છે કોકિલા મોરલા,
કરે વાયુ બંસી-સૂર.
લાંબી લાંબી મારી રાતડી,
એક લાગી મિલનની ધૂન ... હરિ, આવજો !
પલક પડે ના માહરી,
મારે હૈયે પ્રેમનું પૂર.
આવો તો અવસર છે દોહ્યલો,
મારો પ્રાણ બને ચકચૂર ... હરિ, આવજો !
અવસર આવે, પણ ના આવો તો,
જીવ્યું તમારું ધૂળ ... હરિ, આવજો !
