વાયરા થોડો ધીમો પડ
વાયરા થોડો ધીમો પડ
તારા સુસવાટાથી ઓલા ડરી ગયા પીપળ ને વડ
અલ્યા વાયરા થોડો ધીમો પડ,
અમે તો વન વગડે ઊભા છીએ ઘટાદાર બની ઝાડ
ઘડીક મંદ તો ઘડીક તોફાની બની ના કરીશ લાડ
આજ પીળા પાન ખરી રહ્યા છે બનીને સૂકા ખડ
અલ્યા વાયરા થોડો ધીમો પડ,
આ કયો રોગ લાગ્યો છે પાંદડા ખરવાનો આજ ?
અમારા વૃક્ષોનાં ઓ સમીર તે ઊડાડી દીધા તાજ
ધીમે રહી વાયરો બોલ્યો હે ઝાડ આમ તું ના રડ
અલ્યા વાયરા થોડો ધીમો પડ,
આ તો છે પાનખર ને પછી આવશે વસંતની મજા
થોડા ધીરા પડી સહન કરો બાપુડિયા મીઠી સજા
બીક મૂકી મારા પ્યારા ઝાડ વસંતના વાયરાને.
