તમારા સુખભર્યા સ્મરણે
તમારા સુખભર્યા સ્મરણે
તમારા સુખભર્યા સ્મરણે હૃદય આનંદશે ક્યારે ?
તમારા પ્રેમના સ્મરણે હૃદય આનંદશે ક્યારે ? તમારા.
જગતની વાસના મૂકી, ચરણમાં સંતના ઝૂકી,
કપટ ને દંભ છોડીને હૃદય આનંદશે ક્યારે ?...તમારા.
ધરમને ધારતાં પ્રેમે, ભજી તમને સદા નેમે,
ચરણના ચારુ ચિંતનથી હૃદય આનંદશે ક્યારે ?...તમારા.
તમારી વર્ષશે કરુણા, વહેશે પ્રેમનાં ઝરણાં,
તમારું રૂપ જોઇને હૃદય આનંદશે ક્યારે ?...તમારા.
રહેશે ભેદભાવ નહીં, ન કોઇ ઉચ્ચ-નીચ અહીં,
વિલોકી વિશ્વમાં તમને હૃદય આનંદશે ક્યારે ?...તમારા.
વહેશે આંસુડાં નયને તમારા સુખમર્યા સ્મરણે,
રસે પુલકિત બની ધ્યાને હૃદય આનંદશે ક્યારે ?...તમારા.
સુશીલતા સુવાસ વળી સ્વભાવ મહીં સદાય ભરી,
બનીને ફૂલ પૂજાનું હૃદય આનંદશે ક્યારે ?...તમારા.
જગતમાં એ જ સુખ સાચે, વિષયમાં ચિત્ત ના રાચે,
થઇને નમ્ર ને નિર્મમ હૃદય આનંદશે ક્યારે ?...તમારા.
તમારી થાય કરુણા તો સમય લાગે નહીં જ કશો,
પછી આ પ્રશ્ન ના રે’શે હૃદય આનંદશે ક્યારે ?...તમારા.
બની ‘પાગલ’ તમારા પ્રેમમાં આનંદવું મારે,
બનીને નાવના જેવા તરે તે અન્યને તારે....તમારા.
