થંભી જવુ છે હવે
થંભી જવુ છે હવે
રોજની દોડભાગ
નથી ગમતી હવે
સવારથી સાંજનો આ રઝળપાટ
નથી જીરવાતો હવે
વર્ષો થઇ ગયા જાણે
વહેલી ધૂંધળી સવારે
સૂર્યના પ્રથમ કિરણને જોયાને
ઉડતા, ગાતા ચહેકતા પંખીઓ નીરખવાની
એ નિરાંત હવે નથી રહી
થંભી જવું છે હવે
ઠંડા પવનની લહેરખી વચ્ચે
રસ્તે મોજથી ટહેલતા લોકો અને ક્યાંક
અડધા ઊંઘરેટિયા નાના ટાબરિયાઓને
સ્કૂલે મુકવા ભાગતી ધુમાડા ઓકતી રીક્ષા સ્કૂલબસો
તો ક્યાંક બેબાકળા વાલીઓના દ્રશ્યો
ક્યાંક ચાની લારીએથી આવતી
મઘમઘતી પહેલી ચાની સોડમ
મોડું થવાના ટેંશનમાં ભાગતો છાપાવાળો
અને એને ઓવરટેક કરવા મથતો દૂધવાળો
આ બદ્ધુજ શાંતિથી માણ્યાંને સાચ્ચે જ વર્ષો થઇ ગયા
બસ થંભી જવું છે હવે
પ્રેસ રિપોર્ટિંગ કરતા, સત્ય અસત્યની પાછળ ભાગતા,
મધ્ય રાત્રીએ જ દિવસ ઉગતો હોય ત્યારે
ઢળતા સુરજ સંગાથે
ગરમાગરમ કોફી મનગમતો સાથ અને
હૈયું તરબતર કરતી ગઝલના ધીમા સુર
અહા ! ક્યારેક તો મળશે ને
એ નવરાશ કદાચ
થંભી જવું છે હવે
