સૂર્યાસ્ત
સૂર્યાસ્ત


સૂર્યાસ્ત તો સાંજે થવાનો હતો,
એ પહેલાં સૂર્ય ધરા પર,
હર્યો, ફર્યો ને મન મૂકી ઘૂમ્યો,
વહેલી સવારે,
ઝાકળ સાથે મસ્તીએ ચડ્યો,
ખુશી ખુશી જંગલમાં ફર્યો,
ચરતાં પશુ, ચણતાં પક્ષી,
જંગલમાં વિહરતાં ગોવાળિયા સાથે,
મન મૂકીને આનંદ કિલ્લોલ કરતો રહ્યો,
ભર બપોરે,
પર્વતનાં પારણેે એક ચિત્તે શાંતિથી પોઢી ગયો,
અધમીચી આંખે, વાયુની પાંખે,
લીલુડી ધરતીની સોડમાં, મધુર નિદ્રામાં,
રાજા મહારાજાની જેમ આરામ ખંડમાં
કેવો શોભે એ સૃષ્ટિ
નો મહારાજા !
શાંત સાંજે,
સાંજે નદીમાં નાય,
જુએ ઘરે જાતી ગાય,
એ મનમાં મુસ્કુરાય,
સાંજ થતાં, પશુ પક્ષી કેવાં શાંત થાય,
સંધ્યા ટાણે,
પશુ, પક્ષી, કીડી ને કુંજર,
દાનવ-માનવ બધા
પોત પોતાને ઘરે જાય,
સૂર્ય, એકલો ક્ષિતિજે મૂંઝાય,
આકાશ લાલ કેસુડા રંગથી સોહાય,
લઈ રાતનો પછેડો, સૂર્યને પણ સૂવું હતું,
ધારણ કરી મૌન, ધરાની રજા લેવા જાય,
કળા સંકેલી સૂર્ય શાંત થઈ, અસ્ત થાય,
શાંત નિશાની સોડમાં સૂર્ય સૂઈ જાય.