સમયનું પૈડું
સમયનું પૈડું
સમયનું પૈડું ચાલ્યા કરે છે,
જીવન આગળ ધપ્યા કરે છે,
કંઈક અંશ જીવનનો પાછળ છોડીને,
સમય પકડવા મનુષ્ય દોડ્યા કરે છે,
કંઈક સંબંધો તોડતા જઈને,
નવાં સંબંધો જોડ્યાં કરે છે,
જીવનની એ જ છે રીત અનોખી,
જો ને જીવન આમ ચાલ્યા કરે છે,
જન્મતાંની સાથે બાંધ્યા વિધ વિધ સંબંધો,
મળ્યાં માતા, પિતા, બહેન ભાઈ,
પરિવારની ખુશીઓનું કારણ બન્યા,
ને લાગ્યું, જિંદગી સંપૂર્ણ થઈ,
મોટા થયા ને વળી, કામે લાગ્યા,
આંખે સપનાનાં, મોતી પરોવી,
પરિશ્રમ કરીને કંઈક, પદ ઊંચું પામ્યા,
કરીને ગૌણ, બીજા સૌ કોઈ,
જૂના સંબંધ છોડીને, વસાવ્યું ખુદનું એક ઘર,
ફરી એ જ ઘરગથ્થામાં, ખુદ ને પરોવી,
જુવાન હૈયા ને મસ્તી ભર્યા મન,
સંગ ફરી લાગી, આ જિંદગી અનેરી,
ફરી ભૂલકાઓ સંગ રમ્યા, હોળી ને રંગ,
ને જીવનના આંગણે રંગોળીઓ પૂરી,
વૃદ્ધાવસ્થા સાથે, લાગ્યા સૌ બેરંગી રંગ,
ને આ દુનિયામાં, મારું ના લાગે કોઈ,
સૌની જિંદગીમાં, સૌ કોઈ વ્યસ્ત બનેને,
પણ જલ્દી સમય, ના કાઢી શકે કોઈ,
બસ આવો જ છે, આ જિંદગીનો ક્રમ,
પડે સમજવું એને, ક્યારેક કઠણ થઈ,
જિંદગીની તો બસ, આવી જ રીત છે,
એને લેજો, હસતાં મુખે, જીવી.
