સ્મરને મન તું, સ્મર શંકરને,
સ્મરને મન તું, સ્મર શંકરને,
સ્મરને મન તું, સ્મર શંકરને, ભજને તું ભવના ભંજનને.
જપને મન તું, જપ શંકરને, ભજને તું ભવના ભંજનને ... સ્મરને મન તું
જેને માથે ચંદ્ર સુહાયે છે, જે જટામાં ગંગા ધારે છે,
જેને સમર્યે મંગલ થાયે છે, જે ભક્તની વ્હારે ધાયે છે.
તે શંકરને જપ શંકરને, તું ભજને ભવના ભંજનને ... સ્મરને મન તું.
જેણે અંગે ભસ્મ લગાવી છે, તૃષ્ણાને દીધી બાળી છે,
જેણે શાંત સમાધિ ધારી છે, જે ભૂતમાત્રના સ્વામી છે,
તે શંકરને જપ શંકરને, તું ભજને ભવના ભંજનને ... સ્મરને મન તું.
જેને અંગે સર્પ સુહાયે છે, જે વેરઝેરને ઠારે છે,
જેને અંગે તેજ પ્રકાશે છે, જે બ્રહ્માંડ મહીં ભાસે છે,
તે શંકરને જપ શંકરને, તું ભજને ભવના ભંજનને ... સ્મરને મન તું.
તું રામ કહી લે, શ્યામ કહે, માતા કે દેવી નામ કહે,
હનુમાન દત્ત નારાયણ કે’, સૌ તત્વરૂપ તે એક જ છે,
તે શંકરને જપ શંકરને, તું ભજને ભવના ભંજનને ... સ્મરને મન તું.
તે બંધન તારા સૌ હરશે, તે દુઃખ બધાંયે દૂર કરશે,
આનંદ થકી તુજને ભરશે, ને મંગલરૂપ તને કરશે.
તે શંકરને જપ શંકરને, તું ભજને ભવના ભંજનને ... સ્મરને મન તું.
તું સંક્ષેપ મહીં સમજી લે, તું પ્રેમ રસ મહીં પલળી લે,
જીવનને તેને અરપી દે, જો તેને જોવા મરજી છે,
આ સર્વ જગતના મંગલ ને, તું ભજને ભવના ભંજનને ... સ્મરને મન તું.