પ્રેમ વિના પ્રભુજી મળે નહીં
પ્રેમ વિના પ્રભુજી મળે નહીં
કોટી ઉપાય કરે માનવી ભલે દર્શનને કાજ,
રાગ વિના રામજી મળે નહીં જગજીવન જગરાજ ... પ્રેમ વિના.
આસન સાધે, પ્રાણ રોકતાં ભલે ભૂમિમાં દટાય;
વજ્રોલી ખેચરી કર્યા કરે, ભલે જળ પરથી જાય... પ્રેમ વિના.
આકાશમાં ભલે ઊડતાં કરે વાયુનો આહાર;
અષ્ટસિદ્ધિના પતિ ભલે બને જીતી જાય છોને કાય... પ્રેમ વિના.
જ્ઞાનના ગુમાનમાં ભમી રહ્યા, તેનું પૂજન છો થાય,
ધન ને યશમાં ભલે રમી રહ્યા, એવા આવે ને જાય... પ્રેમ વિના.
તીરથવ્રત યજ્ઞ કરે કૈં જનો, વેશ ધરતા અપાર;
તપસી વૈરાગી બની બેસતા, એવા પામ્યા ના પાર... પ્રેમ વિના.
લગની લાગી પ્રભુ પેખવા જેના અંતરની માંહ્ય,
પ્રાણ છે તપેલ જેનો તાપથી તેને મળી જાય છાંય... પ્રેમ વિના.
પૂરણ એક પ્રેમયોગ છે, યોગ બીજા અસાર,
ભગવાન એક ભાવથી મળે, વાત થાય ને રસાળ... પ્રેમ વિના.
