પંખીઓની વિશેષતાઓ
પંખીઓની વિશેષતાઓ


વનમાં સૌ પંખીઓ ભેગા થયા, કરવા પોતાની વાત,
વડલાનાં ઘટાદાર ઝાડે, ભલેને વહી જાય આ રાત.
કાગડો કહેતો સ્વચ્છતા, મારુ કામ ભલે હું કાળો,
કોયલબેને કહ્યું સૌ પંખીઓમાં, મારો કંઠ છે સારો.
સુગરીબેને કહ્યુ માળો ગુંથવા, મારો ના જડે જોટો
મોરતો કેતો રંગબેરંગી પીંછાથી, હું ગુલાબનો ગોટો.
હોલો કે હું ઉઠતા બેસતા લવુ છું, પ્રભુનું સદા નામ
દરજીડો કે દરજી જેવું મારું, પાંદડા સીવવાનુ કામ.
કબૂતર કહે હું છું ભોળુ અને એકમાત્ર શાંતિનું દૂત,
ઘુવડને ચીબરી કહેતા અમે છીએ અંધારાંનાં ભૂત.
ચાતક કહે હું ફક્ત ચાર માસ પીવું વરસાદનું પાણી,
ચકોરી કહે ચંન્દ્ર સાથેની મારી પ્રીતને જગતે જાણી.
ચકલી કહે હું ઘરઆંગણાનું છુ સૌથી પંખી નાનુ,
બૂલબૂલ કહે હું તો હરતાં ફરતાં ગાતું પ્રીતનું ગાણું.
પોપટભાઈ કહે મને ખાવું ગમતું લીલુ મરચુ તીખું,
મરઘો કહેતો હું દોડાદોડ કરી ઊડતાં હજી શીખું.
કાબર કહેતી કલબલ કરતી ઠેકડા ભરીને હું ચાલુ,
લક્કડખોદ કહે મારી ચાંચથી લાકડાને કરું પોલુ.