પક્ષીઓ પૂછે આ કોરોના શું છે?
પક્ષીઓ પૂછે આ કોરોના શું છે?


ચકલી પૂછે કાબરને આ
કોરોના શું છે મારા ભાઈ?
આ માનવ જાત આજ
આટલી બધી કેમ ગભરાઈ?
કલકલિયો પૂછે તેતરને
મોઢે બાંધ્યા છે કેમ રૂમાલ?
આ લોકોનાં ચહેરાનાં
આજ કેમ થયા આવા હાલ?
પોપટ કહે મોરલાને
મનુષ્યમાં ચિંતા કેમ ફેલાઈ?
આ માનવ જાત આજે
આટલી બધી કેમ ગભરાઈ?
હોલો પૂછે દરજીડાને
હાથ ધોવે છે કેમ વારંવાર?
કબૂતર કહે બૂલબૂલને
ટેકનોલોજીની થઈ છે હાર
ચીબરી કહે ઘૂવડને
શાળા,મૉલ કેમ બંધ કરાઈ?
આ માનવ જાત આજે
આટલી બધી કેમ ગભરાઈ?
સમડી પૂછે સુગરીને
માનવ મરે છે કેમ ટપટપ?
કોયલ કહે ગીધરાજને
ખોટી મૂક કાચબાની લપલપ
ચતુર કાગડો ત્યાંતો બોલ્યો
જગમાં આની દવા ના શોધાઈ
આ માનવ જાત આજે
આટલી બધી કેમ ગભરાઈ?