પાદર
પાદર
પાદરે પીપળે ભાભલાઓ આરામ ફરમાવતા
ટીખળી ઉધમા વિઘ્નવી હસ્તકલા અજમાવતા
ભાલ પર હાથનું છજું કરી નયન ને નેણ ખેંચી
આગંતુક ખબર પૂછી પ્રેમથી પરબ જલ વેંચી
ગામને ગોંદરે પાકતી બહુ લીલીપીળી પીલુડી
રંગીન પીલુને મુખ પર શોભે બેનમૂન ટીલુડી
વગડે વવડાવતાં ઘેઘૂરસી લચીલી આમલી
ખાટામીઠા કાતરા ખાતા ભેરુ સૌ ભેગા મલી
સીમમાં ઉભી હોય ઝુંડબંધ કાંટાળી બે બોરડી
વીણતા ચણોઠી લાલ ચટક બોર બહુ રડી રડી
વને આવળિયા બાવળિયા ઊભા હોય થોકબંધ
વડલે ચડી ટેટા ચણતા વિહંગ સંગ ભાઈબંધ
સર્પ ડરથી ઊભરતા ખરખોડી ફૂલની લાલચે
ગ્રીષ્મમાં મહોરથી લીમડા ને આંબે કેરી લચે
છેટે વસ્યા ખીજડા થોર ને કેરડા ઝંઝાવાતી
ભાગોળે પનિહારી નીરના બેડલે ગીત ગાતી
પાદરે પીપળે ભાભલાઓ આરામ ફરમાવતા
મંદિરની આરતી ઝાલરે વહુવારું શરમાવતા.