નિ:શબ્દતા.
નિ:શબ્દતા.
આ મુજ ભીતરે સંચરતી રહે છે નિ:શબ્દતા
ક્યારેક ઝરણાં સરીખી ખળખળ, તો
ક્યારેક ધોધ સરીખી ધોધમાર
કેટલાય શબ્દો ઉમડતા રહે, એ નિ:શબ્દતામાં !
હું સાંભળું એને.. દિલ દઈએ,
માણું એનાં અર્થને !
ક્યારેક થાય એ શબ્દાયમાન, અડધું-પડધું કવિતામય !
કયારેક, હું નિ:શબ્દ બની
પીયા કરું એને ઘૂંટડે-ઘૂંટડે !
તો ક્યારેક એને, ઢોળાવ મળે છે આંખોનાં ઝરણાનો
આ નિ:શબ્દ ઝરણું સદાય
મુજ ભીતરે ઉમડતું રહે છે !
એ મને ધડકતી-ધબકતી રાખે છે સદાય !
એ નિ:શબ્દતામાં ક્યારેક
હું આકાશ જેવી વિસ્તરતી, ક્યારેક સાગર જેવી ગર્જનશીલ,
તો ક્યારેક શાંત, શૂન્યમય !
હા, આ નિ:શબ્દતા મારી ભીતરે ઈશ્વર જેવી જ
નિરાકાર, નિરામય છતાંય ધડકતી, મહેકતી
મૉજ અસ્તિત્વમય !
