કરતાં વિવેક કૈંક વિચાર
કરતાં વિવેક કૈંક વિચાર
કરતાં વિવેક કૈંક વિચાર, સાચો સ્વારથ આ જગમાં,
મનવા મનને મથીને વિચાર, શો પરમારથ જગમાં.
જન્મ ધરીને શાને આવ્યો જગમાં, માનવતન કાં પાયો,
ધન અવિનાશી કૈંક કમાયો, ક્ષણભંગુર એવા જગમાં?
સ્ત્રીધન સંતાને સપડાયો, માન અને મદમાં લપટાયો,
પામ્યો પ્રાણ નહીં પડછાયો ક્ષણભંગુર એવા જગમાં ?... કરતાં.
ફૂડકપટ કરતાં ના થાક્યો, સત ને ન્યાય મહીં ના રાચ્યો,
તોયે કેમ કરી તું નાચ્યો, ક્ષણભંગુર એવા જગમાં ?
તારું કોણ ખરું છે આંહી, મેળવવાનું તારે કાંઇ ?
એનું ચિતન કર તું ભાઇ, ક્ષણભંગુર એવા જગમાં ?... કરતાં.
બાંધી પુણ્ય પાપનું ભાથું આ જગમાંથી સૌયે નાઠું,
લેજે આજ થકી ચેતી તું, ક્ષણભંગુર એવા જગમાં ?
‘પાગલ’ પરમાત્માની પાછળ બનતો શાંતિ રહેશે આગળ,
નિશ્ચિંત થઇ ના ત્યાં લગ ફર, ક્ષણભંગુર એવા જગમાં ?... કરતાં.
