કોણ પ્રીતની રીત જાણે
કોણ પ્રીતની રીત જાણે
કોણ પ્રીતની રીત જાણે, કોણ પ્રીતની રીત !
કઠિન ક્લેશમય કહેવાયે એ સહજ નથી જ ખચિત .. જાણે કોણ.
બડભાગી કોઇ જન જાણે, માણે બનતાં મીત,
માથા પર મોત ભમે નિશદિન, કદિક થાય છે જીત .. જાણે કોણ.
પંડિત શું પરમાણે તેને, ઊલટી યતિની રીત,
વૈરાગી યોગી શું જાણે ઘાયલ ઉરનું ગીત ? .. જાણે કોણ.
ભોગીને ભરમાવી નાખે, ના સમજાયે હિત,
રોગી જનને રસ લાગે ના, ધરો ભલે નવનીત .. જાણે કોણ.
દર્દ દેખતાં દૂર જ નાસે, કેમ કરે તે પ્રીત ?
આંસુ આહથી ગભરાયે તે ક્યાંથી પામે જીત ? .. જાણે કોણ.
કોઇ વિરલા જાણે માણે, પામે અમૃત અમિત;
‘પાગલ’ બાલક બોલી જાણે, કૃપા વરસજો નીત ! .. જાણે કોણ.
