કોણ જોઈ શકે
કોણ જોઈ શકે
ખેલ નિયંતાએ,
ખેલ રચ્યો અહીં.
કોણ,ક્યારે આ,
ખેલમાંથી વિરામ લેશે,
એ એનાંથી વધારે કોણ જોઈ શકે ?
આ ખેલનિયંતાના ખેલમાં,
પ્રેમથી સિંચ્યા સૌ કોઈને,
મર્યા પછી એ યાદ કરશે કે કેમ?
એ જીવથી અધિક,
બીજુ કોણ જોઈ શકે?
હુંથી શરૂ કરેલ,
આ હુંની યાત્રામાં,
સારા- ખોટા કર્મો મારા,
ને આ કર્મોની જીવગતિ શી ?
એનાથી વધારે કોણ જોઈ શકે ?
શ્રીગીતા પર હાથ મૂકીને કૉર્ટે,
ખાતા સોગંદ સત્ય વચનના,
પણ આ વચન કેટલું સત્ય?
એનાથી વધારે કોણ જોઈ શકે?
સંતો કરતાં કથાનું ગાન પણ,
અંતરમાં ન હોય રામનું નામ.
પ્રભુના નામે પૈસો કમાવે,
ક્યારે એ દગો દઈ ઠગાવે ?
એ ક્યારે કોણ જોઈ શકે ?
આખી જિંદગી સંતાનો માટે,
શ્વાસ બની રહેતાં મા-બાપ,
પણ આ શ્વાસ દગો દઈ બેઠો,
અંતરમાં મોટો ઘા કરી બેઠો,
એ વેદનાને કોણ જોઈ શકે?
હું સદાયે કર્મો કરતી,
મુજ આત્માની સાક્ષીએ.
મારા મનના તરંગોની,
રગેરગ આત્માથી વધારે,
કોણ જોઈ શકે?
હું સદા સર્વદા,
જેની નિકટ રહેતી,
મારા મનની બધી,
વાતો કહેતી,
કેવો સ્વભાવ છે મારો?
એ પરિવારજનોથી,
અધિક કોણ જોઈ શકે?
જે જેની નિકટ રહેતું,
તેને તે ઓળખી શકતું,
પણ,
હું અંતર ઊંડાણથી,
હસુ કે રોવુ,
મારી આ વેદનાને,
મારા અંતરાત્મા સિવાય,
બીજુ કોણ જોઈ શકે?
એ જોઈ શકે મને,
હું જોઈ શકું એને.
એવી એક જ બ્રહ્માકાર,
વૃત્તિ બને તો પછી,
કોને કોણ જોઈ શકે?