STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

કક્કા કરને કેંક વિચાર

કક્કા કરને કેંક વિચાર

2 mins
437


કક્કા કરને કેંક વિચાર, શાને આવ્યો તું ભવમાંહ્ય,

કોઇ કારજ વ્યર્થ ન થાય, કક્કા કરને કેંક વિચાર.

ખખ્ખા ખાવા પીવા માંહ્ય જીવન તારું એળે જાય,

ખર ને માનવમાં એ વાત, માનવની શી મોટી જાત!

ગગ્ગા ગુરુની પાસે જા, મારગ જ્ઞાન તણો તું પા,

જેથી સાચે મારગ જા, ગગ્ગા ગુરુની પાસે જા.

ઘઘ્ઘા ઘણો વિચાર કરી, લેજે પ્રભુનો પંથ લઇ,

બીજું રે’શે સર્વ પડી, ઘઘ્ઘા ઘણા ગયા અહીંથી.

ચચ્ચા ચેત મુસાફર તું, ભટક્યો ભવને પંથ બહુ,

અવસર આવો ઉચ્ચ મળ્યો, ચચ્ચા ચેત મુસાફર તું !

છછ્છા છત્તર ને પંખા, લક્ષ્મી નારી ને સુત આ,

તેમાં કો’દી ના લપટા, છછ્છા છિદ્ર ને જો કોનાં.

જજ્જા જાણી સાચો પંથ, મેળવવાને મથ તું કંથ,

જેથી મટે બધાયે ફંદ, જજ્જા જાણી સાચો પંથ.

ઝઝ્ઝા ઝાઝું તે શું કહું, પ્રભુમાં રમી રહ્યું છે સહુ,

સૌને પ્રેમ કરી લે બહુ, ઝઝ્ઝા ઝાઝું તે શું કહું.

ટટ્ટા ટળી જશે સૌ તાપ, એવો છે પ્રભુનો પરતાપ,

તેને મેળવવાને ચાહ, ટટ્ટા ટળી જશે સૌ તાપ.

ઠઠ્ઠા ઠીક જ છે આ વાત, પ્રભુના નામતણો જે જાપ

તેથી મળે પ્રભુ સાક્ષાત, ઠઠ્ઠા ઠીક જ છે આ વાત.

ડડ્ડા ડા’પણ ના કર તું, ડા’પણ તારું શું કરવું,

હરિના હાથ મહીં છે તું, ડડ્ડા ડા’પણ ના કર તું.

ઢઢ્ઢા ઢોલ વગાડી કહ્યું, સંતમહંતે સત્ય લહ્યું,

તેને પ્રાપ્ત કરી લે તું, ઢઢ્ઢા ઢોલ વગાડી કહ્યું.

તત્તા તાપ બધા મનના પ્રભુના નામ થકી મટતા,

પ્રભુને જે પ્રેમે જપતા તેના તાપ બધા મટતા.

થથ્થા થાક ને જો લાગે, જ્યાં લગ કારજ ના સાધે,

હિંમતથી ધપ હરિ પાસે, થથ્થા થાક ને જો લાગે.

દદ્ દા દિવસ રાત આ જાય, કાંઇ કરને જીવનમાંહ્ય,

નારાયણનો કર વેપાર, દદ્દા દિવસ રાત આ જાય.

ધધ્ધા ધૂનમાં મસ્ત બની કર તું જીવન સાર્થ અહીં,

અંતરમાં જ જગાવ ધૂન, ધધ્ધા ધૂનમાં મસ્ત બની.

નન્ના નથી અવર કો’ પંથ, નામસ્મરણથી મળશે કંથ,

ના પડ બીજે કોઇ ફંદ, નન્ના નથી અવર કો’ પંથ.

પપ્પા પહોંચ પ્રભુની પાસ, સ્વારથ આવો મોટો સાધ,

સર્વે સંકટ તારાં જાય, પપ્પા પહોંચ પ્રભુની પાસ.

ફફ્ફા ફિકર કરીશ નહીં, બનશે બનવાની તે સહી,

ફોગટ જલીશ કો’દી નહીં, ફફ્ફા ફિકર કરીશ નહીં.

બબ્બા બંધનને તું તોડ, વ્હેશે શાંતિકેરું સ્ત્રોત,

અંગેઅંગ થશે અણમોલ, બબ્બા બંધનને તું તોડ.

ભભ્ભા ભાવ બધામાં રાખ, સૌમાં ઇશ્વર છે સાક્ષાત,

સૌનું સુખ હંમેશાં ચાહ, ભભ્ભા ભાવ બધામાં રાખ.

મમ્મા મોહે ના બંધા, પ્રભુમાં કેવલ તું સંધા,

માયાસ્વામી જેવો થા, મમ્મા મોહે ના બંધા.

યય્યા યાદ કરી લે તું, તારામાં તે છે ત્રુટિ શું,

ત્રુટિને દૂર કરી દે તું, યય્યા યાદ કરી લે તું.

રરરા રામ બધામાં જો, તારાં કર્મ બધાંયે ધો,

તારી સુધાર સઘળી રીત, રરરા રામ બધામાં જો.

લલ્લા લાખ ઉપાય કરી, લેજે અમૂલખ લાભ લઇ,

જાયે જીવન ધન્ય બની, લલ્લા લેજે લ્હાવ લઇ.

વવ્વા વળગી રે’ સતને, આવે આફત સંકટ કે,

સતને કાજે તું ખોવા, વવ્વા વળગી રે’ સતને.

શશ્શા શું વધું તે કે’વું, આને જીવનમાં લેવું,

એથી મળશે સુખ કેવું, શશ્શા શું વધું તે કે’વું!

સસ્સા સ્વારથ તારો સાધ, ખાયે જેથી ના તું ખાધ,

સતમાં સ્નેહ સદાયે રાખ, સસ્સા સ્વારથ તારો સાધ.

હહ્હા હરિની સાથે હેત, ના કર બીજો કોઇ ભેખ,

જાશે પરમાત્માને દેશ, હહ્હા હરિની સાથે હેત.

 


Rate this content
Log in