ખરો છે એજ ગુજરાતી
ખરો છે એજ ગુજરાતી
ભરે જે વ્યાજના હપ્તા, કરી લે કયાંય પણ રસ્તા,
મજામાં છું છતાં બોલે, ખરો છે એજ ગુજરાતી...
મામાને માસીને ફોઈને, ઘરેથી નીકળે કહીને,
થેલીમાં થેપલાં લઈને, ખરો છે એજ ગુજરાતી...
કહો તો ધૂળ વેચી દે, પોતાને પણ જે 'ભાઈ' કયે,
મળે હપ્તે તો હાથી લ્યે, ખરો છે એજ ગુજરાતી...
અરથ વિણ અંગ્રેજી બોલે, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને ખોલે,
ને ફોટા જોઈ જે ડોલે, ખરો છે એજ ગુજરાતી...
મુંબઈ કે મોમ્બાસાવાસી, યુકે. કે યુએસ. નો રહેવાસી,
વતનનો હોય સદા પ્યાસી, ખરો છે એજ ગુજરાતી...
પીએ જે વાતે વાતે ચા, પાડે નૈ ગાંઠિયાંમાં ના,
ગમે ત્યારે ભજીયાંની હા, ખરો છે એજ ગુજરાતી...
ગમે ત્યાં ગોઠવણ કરતો, ન તો પૂરા વરસ કહેતો,
ટિકિટ અડધી જ એ લેતો, ખરો છે એજ ગુજરાતી...
