STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

જય જય રઘુવીર સમર્થ

જય જય રઘુવીર સમર્થ

2 mins
399


જય જય રઘુવીર સમર્થ ! જય જય રઘુવીર સમર્થ !

ગોદાવરી તટેથી કોઇ યોગી પ્રભુવાણી ધારી,

કરમાં માળા લઇ નીકળે, તપનું તેજ મહાભારી.

શીતલ આંખો અમી ભરેલી, મુખ જાણે સોનાથાળી,

ડગલાં માંડે ધીરે ધીરે, કહે ભૂમિમાતા મારી.

સુડોલ એનું શરીર કેવું, રૂપરૂપ અંબાર સમું,

સંયમ ને ભક્તિથી મંડિત, પ્રકટ ત્યાગ ને પ્રેમ સમું !

સમર્થ એનું નામ ટૂંકમાં રામદાસ વખણાયે એ,

સ્ત્રી ધન તેમજ માન-મોહને બંધન ના સપડાયે એ.

રિદ્ધિસિદ્ધિ દાસી એની, કૃપા રામની એ પામ્યા,

સમર્થ તેથી થઇ ગયા એ, દુઃખદૈન્ય એનાં વામ્યાં ...

મંગલવાણી બોલીને એ સિંહગઢ મહીં રહ્યા ઊભા,

‘ભિક્ષાં દેહિ’ પુકાર કરતાં કિલ્લામાં સ્મિતસાથ ઊભા.

વાત સાંભળી રાજ શિવાજી આવ્યા ત્યાં તરત જ દોડી,

મહાન ગુરુવર, કૃપા કરી છે, બોલ્યા બે કરને જોડી.

પાવન આજે કર્યું આંગણું, બહુ દિવસે ગુરુવર આવ્યા !

એમ કહીને વીર શિવાજી આસન આપે ગુરુવરને,

સમર્થ બોલ્યા કરું આજ શું કહેને તારા આસનને.

શાંતિની શય્યા પર પોઢ્યો અંતરના આસનમાં હું,

સચરાચર છું વ્યાપક, ખાલી મારા વીણ ના સ્થાન કશું.

આજે તો ભિક્ષાની આશા, તેથી અહીં પધાર્યો છું,

ભોજન શ્રદ્ધા મુજબ દઇ દે, મધ્યાહ્નસમે આવ્યો છું.

શિવાજી ઊઠી તરત ગયા ત્યાં પત્ર લખીને કો’ લાવ્યા,

સમર્થની ઝોળીમાં નાખ્યો, એક નિમીષ મહીં આવ્યા.

ભિક્ષા આ મેં દીધી આજે, પ્રસન્નતાથી સ્વીકૃત હો,

મારું બધું તમારું માનું પડદો રહ્યો ન ઉરમાં કો’ ...

સમર્થ બોલ્યા, કાગળને શું કરું, મને છે ક્ષુધા તૃષા,

રાત જ જેને રુચે તેને બતાવવી શું કહે ઉષા ?

એમ કહીને કાગળ વાંચ્યો, રાજ બધું અર્પણ મારું

ભિક્ષામાં હું આજ કરું છું લખ્યું હતું એમાં સારું !

ત્યાગ થઇ અમે તો વનમાં મુક્ત થઇને વસનારા,

ભોગ વિલાસ વિભવને તજતાં આત્મરાજયને કરનારા,

સ્થૂલ રાજ્ય શું કરવાં મારે, રોટી સાથે મારે કામ,

ભૂખ્યો તે શું કરે રાજને, નથી અન્નનું લેતો નામ !

અન્નતણી ભિક્ષા આપું છું, તુર્ત શિવાજી ત્યાં બોલ્યા,

રાજ હવે તો થયું તમારું, હું તો ક્ષુદ્ર જ સેવક છું,

સિંહાસન પર તમે વિરાજો, પ્રભો, તમારો સેવક છું.

રાજ મને તેં આપી દીધું, થઇ ગયું તે તો મારું,

હવે તને તે પાછું આપું, પ્રસાદ રૂપ કરી સારું,

નિર્મમ બનતાં ચલાવ તેને મારી આજ્ઞાને માની,

સમર્થ બોલ્યા, સેવા કર તું પુત્ર પ્રજા સૌને જાણી.

ગુરુવરની આજ્ઞાને માની નિરાશ બનતાં કૈં એણે,

કયો ત્યાગ એનાથી મોટો, તજી રાજશ્રીને જેણે ?

તે દિનથી ગેરુવા ધ્વજને રાજચિહ્ન રાજે રાખ્યું,

થાપણ માણી, રાજ ચલાવ્યું ઇતિહાસે એવું ભાખ્યું.

ત્યાગ તણી ગૌરવગાથાનાં ગીત ઘણાં લોકે ગાયાં;

‘પાગલ’ બની મહા કવિએ અમૃત પીધાં ને પાયાં ...


Rate this content
Log in