જે ઘરમાંહી પ્રભુનું કીર્તન થાય
જે ઘરમાંહી પ્રભુનું કીર્તન થાય
જે ઘરમાંહી પ્રભુનું કીર્તન થાય છે,
સ્વર્ગ થકી મહિમા તેનો વખણાય છે.
પ્રભુનું નામ સ્મરણ ને ધ્યાન કરાય છે,
સુખ આપે છે, દુઃખ બધાંયે જાય છે.
જન્મ ભક્તનો જે ઘરમાંહી થાય છે,
વૈકુંઠ સમું મંગલ તે થઇ જાય છે,
તીર્થ બધાં ટોળે મળતાં તે આંગણે,
નીર નદીનાં સર્વે ભેળાં થાય છે.
માતપિતા ઇશ્વર પ્રેમીનાં ધન્ય છે.
સારાયે સંસાર મહીં છે વંદ્ય એ,
ઉપકાર કર્યો તેણે આ જગનો ઘણો,
ભક્ત પ્રકટતા તે કુલને પણ ધન્ય છે.
પૃથ્વી પાવન પ્રેમીનાં પગલાં થકી,
મંગલ લાગે ઇશ્વર-પ્રેમીથી ઘણી;
તીર્થ પ્રકટતાં જાયે જ્યાં જ્યાં ભક્ત ત્યાં,
વાણી એની વેદ સમી જાણો નકી.
જે સેવે છે પ્રભુ-ભક્તોને પ્રેમથી,
સફલ મનોરથ તેના સઘળા થાય છે;
‘પાગલ’ જેમ જ કૃતાર્થ તે પણ થાય છે,
ભાવ ધરીને પ્રભુના જે ગુણ ગાય છે.
