દુબળી પાતળી ડીક્ષનરી
દુબળી પાતળી ડીક્ષનરી
અક્ષર હતાં આડત્રીસ
શબ્દ બન્યાં અપરંપાર
એક દિ વળી સૂઝ્યો વિચાર
ભાષાશાસ્ત્રી મળ્યાં સભા મંડપે
વાદવિવાદનું જ્યાં થયું મૂરત
બગડી બાબત તો બન્યું બદસૂરત
એક કહે આ અક્ષર અમારી જ્ઞાતિના
બીજો કહે પેલાં તો છે અમારી જાતિના
સ્વર બધાં શુદ્ધ અમારા ધરમનાં
વિના પૂછ્યે વાપરો કેમ તમે આ બધાં
કોઈ કહે ફલાણું બિન સંસદીય ગણાય
ઢીંકળો કહે અમારી જ્ઞાતિનું અપમાન
પ્રબુદ્ધ કહે વ્યંજન તો વ્યંજન કહેવાય
ખવાય જરૂર પણ બોલાય નહીં
કુબુદ્ધિ મતિનાં ત્યાં માનવી ઘણાં
આટલી મોટી તો કંઈ ડીક્ષનરી હોય
કાઢી નાખો ભાઈ આ સહુ મૂળાક્ષર
અપમાન જનક કાઢીને રાખો નિર્દોષ નવ
અડધાં અક્ષર,
મીંડા વાળા મિંદડાનાં
એમ કરતાં ગહન વિચાર વધ્યા અક્ષર આઠ
જેમ તેમ કરતાં શબ્દો બચ્યાં બાંસઠ
ડીક્ષનરી બની ગઈ બે પાનાની
લખવાની આપી ગમે તે છૂટ
લખનાર આમ તો મળે નહીં
લખે તો કાંઈ સમજાય નહીં
વાંચવાં વાળા તો મળે નહીં
છૂમંતર થયાં છાપવા વાળા
વિચાર વિનિમય બંધ થયો
આંખ ને કાન પહેલાં ગયાં
જીભ ને જીવ પછી ગયાં
મારું તારું કરતાં કરતાં
વાદવિવાદ વકરતા રહ્યાં
અક્ષર કોઈની જાગીર નથી
શબ્દ સથવારે દુનિયા ચાલે
શબ્દ કોઈના ઓશિયાળા નથી
શબ્દના કોઈ માલિક નથી
દુબળી પાતળી જો બની ડીક્ષનરી
ખેર નથી રહેવાની કોઈની
દુબળી પાતળી બની ડીક્ષનરી