End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

વર્ષા પ્રજાપતિ

Children Stories Drama


3  

વર્ષા પ્રજાપતિ

Children Stories Drama


દેવલોકની ચિંતા

દેવલોકની ચિંતા

2 mins 11.8K 2 mins 11.8K

કોરોના એવી વૈશ્વિક મહામારીના લીધે લોકડાઉનના દિવસો ચાલી રહ્યા હતા. સૌ પોતાના ઘરમંદિરમાં બિરાજમાન થયાં હતાં. વેપાર-ધંધા,શાળા-કોલેજો,જાહેર કે ખાનગી સ્થળ, મંદિર, મસ્જિદ કે ચર્ચ જેવાં ધાર્મિક સ્થળ,વાહનવ્યવહાર બધું જ જાણે સ્થગિત થઇ ગયું હતું.

     આ વાતની ચર્ચા એક દિવસ સ્વર્ગલોકમાં થઈ. બ્રહ્માજીના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી. ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો કે નારદજી પૃથ્વી પર જઈને આ સમગ્ર બાબતની જાણકારી મેળવી અહીં સૌને અવગત કરશે. બ્રહ્માજીના આદેશ અનુસાર નારદજી પૃથ્વી પર આવ્યા. એક અઠવાડિયા સુધી રોકાયા. સમગ્ર પરિસ્થિતિનું અવલોકન કર્યા બાદ સ્વર્ગમાં પરત ફર્યા. સ્વર્ગની દેવોની સભામાં પૃથ્વીલોકનો ચિતાર રજૂ કર્યો. નારદજીએ કહ્યું,"પ્રભુ,પૃથ્વીલોકમાં કોરોના નામનો મહા ભયાનક વાયરસ ફેલાયો છે. એકબીજાને સ્પર્શ કરવાથી આ ફેલાતો હોવાથી લોકો એકબીજાથી ખૂબ દૂર રહે છે. લોકોને પોતાના વેપાર,ધંધા,નોકરી કે અન્ય સ્થળોએ આવશ્યક જરૂરિયાત સિવાય જવાની મનાઈ છે. પ્રભુ,ગામ હોય કે શહેર, ગલી હોય કે રસ્તો સર્વત્ર ખાખી કપડાંધારી માણસો ખડે પગે ઊભા છે. ડોકટર અને તેમના વ્યવસાયમાં જોડાયેલ અન્ય માણસો લોકોની સેવા કરી રહ્યા છે. અગત્યની બાબત એ છે કે આપણે જે નદીઓ, પર્વતો, પશુ-પક્ષી અને પ્રકૃતિની ચિંતા કરતા હતા એ કરવાની જરૂર નથી. પૃથ્વી પરનું વાતાવરણ શુદ્ધ થઈ રહ્યું છે. " નારદજીને અટકાવતાં યમરાજા બોલ્યા,"જો આવી કોઈ બીમારી આવી હોય તો અમારી આવક-જાવકમાં કેમ કંઈ ફરક પડ્યો નહીં?"નારદજીએ કહ્યું, "યમદેવ,પહેલાં જે અકસ્માત અને હૃદયરોગથી મૃત્યુ થતાં હતાં એ મહદ અંશે બંધ થયાં છે અને રહી વાત આવકની તો સરકારી દવાખાનામાં સરળતાથી પ્રસૂતિ થઈ રહી છે."

        થોડું અટકીને નારદજી બોલ્યા,"પ્રભુ, મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું. એકબાજુ આપની સર્જેલી વૃક્ષોથી સજજ લીલીછમ વનરાજી હતી તો એની પડખે જ ક્યારેય નાશ ના થાય એવા પ્લાસ્ટિક અને અન્ય પ્રકૃતિને હાનિકારક પદાર્થોની ચાદરમાં ઢંકાયેલી પૃથ્વી હતી. આ લોકડાઉનના સમયગાળામાં સફાઈ કામદાર કચરાના એકત્રીકરણ માટે ઘેર ઘેર જતા પણ એમની પાસે એના નિકાલની કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી. લોકોને મેં એવી વાતો કરતા સાંભળ્યા કે આ લોકડાઉનમાં પ્રદૂષણ ઓછું થયું છે. પણ મને તો ચિંતા આ પ્લાસ્ટિકના કચરાની છે. કારણકે મનુષ્ય પાસે એનો કોઈ વિકલ્પ નથી. બસ પ્રભુ,બાકી આપણા મંદિરો બંધ છે પણ ઘરમંદિરમાં લોકોની શ્રદ્ધા વધી છે. સામાજિક અંતર વધ્યું છે પણ મનનું અંતર ઘટયું છે, શાળા- કોલેજો બંધ છે પણ અનુભવનું શિક્ષણ વધ્યું છે. આ છે મારી પૃથ્વીની મુલાકાતનો સંક્ષિપ્ત સાર. "જ્યાં નારદજી અટક્યા ત્યાં જ યમરાજા બોલ્યા,"તો શું તમારે એવું કહેવું છે અમારે કંઈ કામ જ કરવાનું નથી?" યમરાજાને શાંત પાડતાં બ્રહ્માજી બોલ્યા, "એમ કંઈ કોઈનુંયે કામ બંધ નહીં થાય. નારદજીએ જોયેલું દૃશ્ય પણ ધીમે ધીમે લુપ્ત થશે એવું મને દેખાઈ રહ્યું છે, કારણકે માણસ હવે એની જીવનશૈલી બદલવાનું વિચારી રહ્યો છે."


Rate this content
Log in