ચૂલો
ચૂલો


સળગતો ચૂલો ઠારતો પેટની આગ,
રસોડે એકલો અટૂલો અંગારા બાગ,
ઘડી ઈંટ માટીની ગાર લીપેલી પાટ,
ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ.
ચૂલામાંથી લ્યો કે લો આગમણમાંથી,
કાષ્ટ છાણાં સળગાવી ફૂંક્યા મોમાંથી,
અડાયું ને લાકડા આરોગી ઓકી રાખ,
તાવડી સંગ તપીને ભૂખ ભાંગી લાખ.
ફુલ્યા ગલોફાં જનેતાના નયન લાલ,
સહ્યું ચૂલા સમ બા કરવા રાજી બાલ,
ઘેરઘેર ચૂલા માટીના કહે સળગાવ્યો,
વળી સળગાવો તોય દીવો પ્રગટાવ્યો.
ચૂલે મૂકવું એટલે છે રસોઈની તૈયારી,
ચૂલે નાખ્યું તે મેલ્યું પડ્યું વાત ન્યારી,
ચૂલે પડ્યું કહેવાય કે ભાઈ છે ઉપેક્ષિત,
ભારેલા દેવતાને સાચવવા અપેક્ષિત.
ક્યાં હતી બાક્સ કે દીવાસળીની માંગ,
સળગતો ચૂલો ઠારતો પેટની એ આગ.