ચેસ
ચેસ
કેવી રમત છે આ ચેસની
આઠ ઉભા આઠ આડા
અડધાં કાળા, અડધાં ધોળાં
અડધાં તો હોય કાયમ ખાલી
ચોસંઠ રાખ્યાં ખાના
રાજા હોય રાણી સાથે
કુંવર નહીં એકે સંગાથે
લાવ લશ્કર લઇ મોટું ઘણું
નીકળ્યાં જીતવા બાજી બેઉ
હાથી ઘોડાં ઊંટીયાં બે બે
પ્યાદાં નાના તો યે આઠ
આગળ ચાલે પણ પાછળ છે પાબંધી
ગમે તેને મારી નાખે આડા ચાલી
ભલે રહ્યાં તે નાના નાના
પહોંચી જાય જો સામે છેડે
બઢતી મળતાં બની જાય તે મોટાં મોટાં
પ્યાદાંમાંથી હજુર બની જાય વજીર જેવા
બની જાય તે હાથી ઘોડાં ઊંટડી
અઢી પગલાં આડો ચાલી
આગળ પાછળ ઘોડો કુદે
રસ્તે ભલે ને આડા આવે
ઘોડો એવો પાણીયારો
કે પૂછો નહીં કોઈ વાત
જાડો પાડો હાથી ચાલે સીધો
ઊંટડી દોડે કાયમ આડી
ગમે તેને પછાડી નાખે
વજીરને તો પૂછે કોણ
આડો ચાલે ઊભો ચાલે
પણ બધાંને રસ્તો જોઈએ સાફ
ઘોડો એવો પાણીયારો
કે પૂછો નહીં કોઈ વાત
રાજા કેરી રક્ષા કાજે
સૌ જાન કરે કુરબાન
આમ તો બિચારો પ્યાદાં જેવો
ડગલું ચાલે એક
પ્યાદાં તો શૂરવીર ઘણાં
પૂરી લડાઈમાં આગળ ચાલે
રાજા તો આગળ ચાલે, પાછળ ચાલે
ડરનો માર્યો કેસ્લીંગ કરે
હાથી ભાઈને આગળ લાવે
મહારથી તો સંતાઈ જાય
હારે તો પણ મરે નહીં
આમ તો કોઈને મારે નહીં
પણ ભાઈ ચેસની તો દુનિયા એવી
જરૂર પડે તો મારી નાખે
ઘર મળે નહીં જ્યારે જ્યારે
ખેલાડી બિચારો હારે ત્યારે
નિયમ પ્રમાણે ચાલે સૌ
એ થોડાં કાંઈ માણસ છે
ચેસની એવી છે દુનિયા
થાકે જ્યારે બેઉ ખેલાડી
ડ્રો કરીને ઊભા થાય
માણસની જેમ ના બરબાદ થાય
