ભવાઈ
ભવાઈ


તા થૈયા થૈયા થૈ કરતા આવ્યા રંગલો અને રંગલી
લય, તાલ ને ઠેકા લેતા જોઈને કોઈની ખુલ્લી ગલી
ભવની વહી કરી જીવનની કથાઓ ભજવતા ભવાઈ
ગુજરાતને ગામે ગરબા અને ભવાઈ ઓળખ છવાઈ
ભવની આઈ કે જગત માતા સ્મૃતિથી સંસ્કૃતિ ભવાઈ
લોકઘડતર કાજ સામાજિક, પુરાણ સ્વરૂપે એ ગવાઈ
પાંડુ કે ભવાઈનો આત્મા ગાયન, વાદન અને નર્તન
ભાવપ્રધાન નાટકો કરે છે સુધારવા સમાજનું વર્તન
જ્ઞાન, શિક્ષણ, મનોરંજન દ્વારા સૂતેલો સમાજ જાગે
કુરૂઢિ, વહેમ, અંધશ્રદ્ધા નામે તબલાં ને ભૂંગળ વાગે
તરગાળા સજે પારંપરિક વસ્ત્ર ભાષાશૈલી ભાતીગળ
દૂષણો ઉઘાડા પાડવા સ્થાનિક કથાવસ્તુ કરે આગળ
તા થૈયા થૈયા થૈ કરતા આવ્યા રંગલો અને રંગલી
પહેરી શીર પર ઊંધી ત્રિભુજ ટોપી ડગલો ને ડગલી.