બાલમંદિર
બાલમંદિર
બાલમંદિરનું શિક્ષણ તો બા એ મને આપ્યું હતું,
શાળાના પ્રથમ દિવસ વિશે એણેજ મને કહ્યું હતું.
કાકાની મોટી દીકરી સાથે રોજ નિશાળે જતી હતી,
એટલે જ ખોટી જન્મતારીખ દાખલ થઈ હતી.
ના વૉટરબેગ કે ના આઈ કાર્ડની માથાકૂટ હતી,
પાટી-પેન અને થેલીમાં જ અમારી દુનિયા હતી.
સાહેબના વર્ગમાં નહીં બેસું એવું હું રોજ કહેતી,
બેનના વર્ગમાં બેસતાંજ હું હરખઘેલી થતી.
લીમડા નીચે ખુરશી નાખી બેન મારાં બેસે,
મેલાં ઘેલાં બાળ સૌ એમને ટગર ટગર જુએ.
પ્રાર્થનામાં આંખો બંધ રાખવાની એવું એ સમજાવે,
ખુલ્લી રાખીએ તો શું થાય એવું ના કોઈ સમજાવે.
એકડી અને કક્કો એ જ અમારા સાથી.
બારક્ષરીના અક્ષરો તો જાણે પરલોકવાસી.
વાર્તા તો બા પણ કહેતી તો નિશાળમાં કેમ જવાનું ?
આખો દિવસ બેઠા પછી મને ના સમજાયું.
મારી વાતો સાંભળી પછી બાનું આવું કહેવું,
હું નિશાળમાં નહોતી જઈ શકી એટલે તારે જવાનું.