અમને દર્શન દો શંકર,
અમને દર્શન દો શંકર,
અમને દર્શન દો શંકર, અમને દર્શન દો.
પૂર્ણ સત્ય છે રૂપ તમારું, તેનું દર્શન દો.
મંગલતાના સ્વામી, અમને મંગલ સઘળું દો ... શંકર.
દુષ્ટ વિચારો અડે ન અમને, વાસના અને વિકાર નાસે;
કામ ક્રોધ ને લોભ રહે ના, ગર્વ અમારી પાસે.
મનમાં મંગલ ભાવ હમેશાં જીવનમાં ઊઠજો.
કર્મ કરીએ શ્રેષ્ઠ હમેશાં શંભુ સદાશિવ ઓ ! ... અમને.
સર્પદંશ ના લાગે તમને, અમને નિંદા તેમ અડે ના,
વેરઝેર ના સ્પર્શે અમને, પ્રેમની સુધા કદી ખૂટે ના.
સૌના હિતકાજે તનમન આ, અમારું અર્પિત હો ... શંકર.
ભોગ ન બાંધે કદી અમોને માયા ને મમતા;
આત્મજ્ઞાનમાં મસ્ત રહીએ, તૂટે બંધ બધા.
બુધ્ધિ ભાવના હિંમત વ્યાપે રગરગમાં પ્રભુ ઓ ! ... શંકર.
ચરાચર મહીં રૂપ તમારું શાંત સદાશિવ મંગલ વ્યાપ્યું,
તેને જુએ નયન હંમેશાં, મટી જાય સઘળું અંધારું.
પ્રેમે વંદન હો; શંકર અમને દર્શન દો ... અમને.
