આવ્યો ફાગણિયો
આવ્યો ફાગણિયો
આવ્યો રે આવ્યો રે ફાગણિયો રંગ લાગ્યો રે,
ઊડ્યો રે ઊડ્યો રે કેસૂડાનો રંગ આજ ઊડ્યો રે,
રુમઝુમ રુમઝુમ આવી છે હોળી,
આનંદ ઉલ્લાસ ને ખુશીઓની ઝોળી,
ઘેરૈયાની ટોળી આવી રે. આવ્યો આવ્યો ફાગણિયો આવ્યો રે..
શેરીએ શેરીએથી ભેગાં રે કરતાં,
છાણાં ને લાકડાં બાળકો લઈ આવતાં,
ભાગોળે હોળી પ્રગટાવતાં રે. આવ્યો આવ્યો ફાગણિયો આવ્યો રે..
ધાણી ચણા ને ખજૂર લઈ આવતાં
હોળીને તેનાથી જ વધાવતાં,
રંગોની રમઝટ કરતાં રે. આવ્યો આવ્યો ફાગણિયો આવ્યો રે...
પૌરાણિક ગાથાને જાગૃત કરતો,
વ્હાલા પ્રહલાદની યાદ અપાવતો,
ભક્તિની શક્તિ દેખાડતો રે. આવ્યો આવ્યો ફાગણિયો આવ્યો રે..
રંગોથી રમતું માનવમહેરામણ,
પિચકારી લઈ દોડતું આ બાળપણ,
ખુશીઓ મજાની વહેચતું રે. આવ્યો આવ્યો ફાગણીયો આવ્યો રે..
નાતજાતનાં એ ભેદ ભૂલવતો,
ભીતરનાં વેરની કાઢીને ફેંકતો,
પ્રેમ ભાવ લઈને આવ્યો રે. આવ્યો આવ્યો ફાગણિયો આવ્યો રે.
