આવકાર છે,
આવકાર છે,
ભીની ભીની નજરોનો આવકાર છે,
આછા આછા પ્રેમનો સ્વીકાર છે.
હળવે હળવે આ હૈયું ધડકે રે,
ધીમું ધીમું સંગીત તેમાંથી નીતરે રે,
સંતાડી શું દિલમાં કોઇ સિતાર છે?
ભીની ભીની નજરોનો આવકાર છે.
હોઠ જોને છાનું છાનું ગણગણે રે,
જાણે ઉરમાં સુતા ઘોડા હણહણે રે,
લથડતા લયને મળ્યો હવે આધાર છે.
ભીની ભીની નજરોનો આવકાર છે.
દલડું મીઠી મીઠી કલ્પનામાં રાચે રે,
મન કેવું મયુર બની થૈ થૈ નાચે રે,
એને પણ ખુશી કેટલી પારાવાર છે.
ભીની ભીની નજરોનો આવકાર છે.
મસ્ત મજાનો આવો મોકો મળે રે,
હૈયું પણ ક્યાંથી ઝાલ્યું રહે હવે રે,
લીધો એણે ' જશ' ભ્રમરનો આકાર છે.
ભીની ભીની નજરોનો આવકાર છે.