આભાર તમારો
આભાર તમારો
પેલા સૂરજમુખીને જરા તો સમજવો !
કહો એને, ઘૂરી ઘૂરી જોઈ સૂરજને ન અજમાવો !
આખી આંબાવાડીમાં ડોલતાં આંબાને પૂછો,
કેમ આવે છે તને વર્ષમાં એક જ વાર મૂછો...?
ને ઓલા ગરમાળાને શરમ જેવું છે કાંઈ !
ગ્રીષ્મે ગ્રીષ્મે પીઠી ચોળી લગ્ન માટે તૈયાર થઈ !
હા, વ્હાલો મને વગડાનો કેસૂડો નખરાળો,
ફાગને વધાવવા કેવો બની જતો કેસરીયો !
ઘરઆંગણ ઝૂલતી મનીવેલથી ઘણી છું નારાજ,
એકલી ચકલીને જ શાને હીંચકો ખવડાવે આજ !
લીમડાભાઈ સારા છો પણ આટલાં કડવાં છો કેમ ?
શું તમનેય મમ્મીએ રોજ ખીજાવાનો લીધો છે નેમ ?
વડવાઈ ને ટેટાથી શોભતાં વ્હાલા મારાં વડદાદા,
પંખીઓના કલરવ સંગ હસતાં રહેતાં સદા..
કેવી સોહાતી બાગમાં રંગોની ભાતભાત,
હસતાં ખીલતાં ત્યાં ફૂલો જાતજાતનાં...
છોડ, વૃક્ષ, વેલા, ઘાસ ને વનરાજી,
લાગે છે મારી ધરતી, તમારાથી તાજી..
સુંદર ગુલમ્હોર, મીઠો આંબો ને કડવો ભલે લીમડો,
કહેવું છે તમને એટલું જ આભાર તમારો.
