Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishnu Bhaliya

Others

3  

Vishnu Bhaliya

Others

કાંઈ વાંધો નહીં

કાંઈ વાંધો નહીં

7 mins
7.8K


પોતાની મસ્તીમાં મશગૂલ રામજી મુખમાં બીડી મૂકી, ખુલ્લા રોડ પરથી એકલો પસાર થતો હતો. એટલામાં કાબૂ ગુમાવેલ છકડો રિક્ષાએ રામજીને પાછળથી હવામાં ફંગોળી દીધો. હાથમાં રહેલી લાકડી ઝટકા સાથે ઘા થઈ ગઈ. તીણી ચીસ સાથે તે જમીન પર પટકાયો. જોતજોતામાં હાહાકાર અને ભાગાદોડીથી સડક ઊભરાય ગઈ.

“અરે, રામજી ગાંડાનું એકસીડન થયું...” ટોળે વળેલાં લોકોમાંથી કેટલાય બૂમો પાડી ઊઠ્યા.

“ભાઈ કોઈ એકસો આઠને તો ફોન કરો!” ગળગળા અવાજે ટોળામાંથી બીજા એકે સલાહ આપી.

માથે ધગધગતા સૂર્યના કિરણોથી, તેમજ અણધાર્યા જોરદાર ઘાવથી રામજીનું મગજ બહેર મારી ગયું. પળભરમાં વિચારશક્તિ હણાઈ ગઈ અને તે બેભાન બની ગયો. પગમાં ગંભીર ઈજા થવાથી લોહીના રેલા, જ્યાં ત્યાં ચાલી નીકળ્યા.

“કોઈ એની બેનને તો ખબર આપો, જાવ ભાઈ કો’ક જલ્દી જાવ.” હચમચી ગયેલા લોકોમાંથી કોઈ બોલી ઊઠ્યું. બે-ચાર છોકરા દોડી ગયા ગંગાનાં ઘર તરફ, ખબર આપવા.

આમેય રામજીના પોતાના કહી સકાય તેવા સંબંધીમાં માત્ર એક બહેન જ હતી. માતા-પિતાના અવસાન પછી, માનસિક રીતે વિકલાંગ રામજીની બધી જ જવાબદારી બહેન ગંગા પર આવી ગઈ હતી. ગંગાની આર્થિક દશા પણ સાવ થિગડેહાલ કહી સકાય તેવી જ હતી. સસરાનું નાનું એવું મકાન પતિના ભાગે આવેલું. મિલકતના નામે બસ એ જ હતું! મા-બાપ જીવતા ત્યારે મુઠી ધાનનાં પણ ફાફા પડતાં એટલે તેમની મિલકતનું તો કાંઈ નામ નિશાન હતું જ નહિ. સિવાય કે એક ગાંડોધેલો ભાઈ રામજી! ગંગા તેને પોતના ઘરે જ રાખતી. નાની ઘોલકીમાં બધાને એક સાથે રેહવું પણ અઘરું, બીજી રીતે વિવાહિત ગંગાનું અંગત જીવન પણ હોય એટલે બીજી મર્યાદાઓ પણ નડે. આ બધા કારણોસર ગંગાએ ભાઈને બહાર જ નાની ઝૂંપડી નાખી આપેલી. આમેય રામજી ક્યાં ઘરમાં રેહતો! તેનું તો જીવન જ બસ, રખડવું અને ભટકવું. આખો આખો દિવસ બસ, જ્યાં ત્યાં રખડ્યા કરે. જ્યાં દેખાય ત્યાં છોકરાઓ તેની પાછળ પડે અને “રામજી ગાંડા.. રામજી ગાંડા..” કહીને તેની હાલત ખરાબ કરી નાખે. રામજી પણ પછી ક્રોધમાં આવી જતો. જેવી તેવી ગાળો આપવા માંડે, પથ્થરના છુટા ઘા કરે અને ક્યારેક તો ક્રોધ એટલો હાવી થઈ જતો કે, પોતાની જ હથેળીને મુખમાં લઈ કચડી નાખે અને મનફાવે ત્યાં દોડાદોડી કરી મૂકે. દિવસભરની રઝળપાટ દરમિયાન જેવું તેવું અધકચરું જે મળે તે ખાઈ લે. મેલાદાટ અને થીંગડા મારેલ કપડા, સતત રખડપાટથી કાળો પડી ગયેલો ગોળ ચહેરો અને અને હાથમાં આત્મરક્ષા માટે રાખેલી લાકડી જ હાલ રામજીની પહેચાન.

કોઈ કોઈ તો વળી હેરાન કરવાની ઉદેશ્યથી કેહતાં: “રામજી લે, બીડી. આલે લે.. કૂકડો બોલાવ તો.” રામજી બીડીની લાલચે મોઢામાં હથેળી નાખી: ‘કૂકડે કૂક્ક્ક્ક..’ જેવો ઊંચો અવાજ કરે. બદલામાં કોઈ ક્યારેક બીડી આપે બાકી તો જેવી તેવી મસ્તી જ સહન કરવાનો વારો આવે બીચારાને ! પછી તો રામજી પણ બગડે અને ઘમાચકડી મચી જાય.

ગંગાને પણ આદત પડી ગઈ હતી, અવારનવાર આવતી તેની ફરીયાદ સાંભળવાની. દિવસભરમાં કોઈને કોઈ અચૂક આવે રામજીની ફરીયાદ લઈને. કોઈનાં છોકરાનું માથું ફોડી નાખ્યું હોય, કોઈને જોરદાર ધક્કાથી ઘાયલ કરી નાખ્યો હોય અથવા કોઈને અભદ્ર ગાળો દીધી હોય. બીચારી ગંગા; બધાને સમજાવે, હાથે પગે લાગે, કરગરે અને મામલો શાંત પાડે. જો કે, રામજી તો માનસિક રીતે વિકલાંગ હતો. તેને તો મનમાં કાંઈ ન હોય!

ક્યારેક તો રામજી રાતે પણ ઘરે ન આવે. ગંગા ત્યારે હાંફળીફાંફળી બની જતી. દસ વર્ષની તેની નાનકડી દીકરીની લઈ આસપાસ બધે, બેબાકળી બની ફળી વળતી. પતિ તો ખલાસી તરીખે વહાણમાં જતો રહેતો. તે પણ બીચારો મનનો ભોળો એટલે રામજીની ઉપાધિમાં બને એટલો સાથ સહકાર આપતો.ગંગા ક્યારેક પતિને કેહતી: “મારા ભાઈ હાટુ તમારે પણ બઉ હેરાન થાવું પડે છે.” અને સંકોચથી તેની નજર ઢળી જતી.

“ગમે એમ તોય ઈ પણ એક માણહ છે, બીચારો જીવે તાં લગી તો એનું કરવું જ પડે. તું ચિંતા કરમાં, આપણાથી થાય એટલું કરશું.” તેનો પતિ કેહતો, ને પછી ગંગાને દિલમાં ટાઢક વળતી.

આજે રાતે પણ તે ઘરે નહોતો આવેલો. ઘણી શોધખોળ છતાં તે ન જડ્યો. ગંગાના દિલમાં ફાળ પડ્યો. “આવી જાસે હવે, એની રીતે.” એવી ધરપત રાખી તેણે જમવાની થાળી તેની ઝૂંપડીમાં રાખી દીધેલી. આમેય આવું કેટલીય વાર બનતું. જ્યારે પણ રામજી આ રીતે ગૂમ રેહતો ત્યારે ગંગા હતાશ ચહરે જમવાની થાળી તેની ઝૂંપડીમાં રાખી દેતી. અડધી રાતે તે રખડતો, ભટકતો આવતો અને ભૂખ્યો વરુ શિકાર પર તુટી પડે તેમ રામજી થાળી પર ત્રાટકતો! પાણી પીધું ન પીધું ને તે ત્યાં જ જમીન પર આળોટી જતો.

આજે સવારે ગંગાએ જોયું તો જમવાની થાળી જેમની તેમ પડી હતી. તેને ચિંતા તો હતી જ, પણ કરવું શું ? તે બેબાકળી બની ફરી આજુબાજુ ફળી વળી પણ અફસોસ કે રામજીનો પતો ન લાગ્યો ! તેનીથી એક નિસાસો નખાય ગયો.

જોતજોતામાં, મોટા સાયરનના અવાજ સાથે ‘એકસો આઠ’ આવી પોહચી. ટોળે વળેલાં લોકોમાંથી રસ્તો કરતાં ઈજાગ્રસ્ત રામજીની ગાડીમાં ચઢાવવામાં આવ્યો. હવે સાથે દવાખાને કોણ જાય ? બધા જ એક બીજાના મોં તાક્તા રહ્યાં.. ગંગા હજી આવી નહોતી. આવી કટોકટીના સમય પર રાહ જોવી પણ મુર્ખાય ગણાય. પહેલી નજરે ઈજા ખૂબ ગંભીર લાગતી હતી, લોહી પણ ખૂબ વહી ગયું હતું માટે દર્દીને સમયસર દવાખાને પહોચતો કરવો ખૂબ જરૂરી હતું. થોડી મસલત પછી ત્રણ-ચાર સેવાભાવી યુવાનો તૈયાર થયા. સડસડાટ ગાડી હોસ્પિટલ ભણી રવાના થઈ. ગંગાના ઘરે પણ લોકોના ટોળા ઊમટ્યાં. છોકરાને ધવરાવતી ગંગા હેબતાઈ ગઈ. તેના મનમાં ફાળ પડી, વાત સાંભળતા જ તેના ગુડા ભાંગી ગયા. હ્રદય જોતજોતામાં એક ધબકાર ચૂકી ગયુ અને તે બેભાન જેવી થઈ ગઈ. આર્થિક રીતે તો પરિસ્થિતિ ખૂબ જ નાજુક. થોડીવાર તો તેને લાગ્યું કે વિઘ્નનો બધો વરસાદ તેના પર જ વરસી રહ્યો છે કે શું! ક્ષણભર તે શુન્યહ્રદયે બેસી રહી.

“ટંડેલ પાંહેથી રૂપિયા લઈ આવ પેલા. જા. જલ્દી કર, રામજીને બારગામ લઈ ગયા સે. ઝપટ કર.” ટોળામાંથી આગળ આવી રમાકાકી એ કહ્યું.

ગંગાની આંખો છલકાઈ ગઈ. તે લથરપથર પગલે દોડી સીધી ટંડેલને ઘર તરફ. અસહ્ય કરગરાટ પછી મહા મુશ્કેલીએ તેને માંડ પાંચ હજાર રૂપિય મળ્યા. વહાણ આવે તો તેના પતિને આ ખબર આપવાનું કહી તેણે ઝડપથી રિક્ષા પકડી મહુવા જવા. ખબર તો ઉડતા આવી જ ગયા હતા કે રામજીને મહુવાની એક ખાનગી હોસ્પિટલમાં રાખ્યો છે. તેની બન્ને દીકરીને તેણે સાથે લીધી.

“મા, શું થયું છે મામાને ?” દસ વર્ષની વૈશાલીએ માનો છેડો ખેંચ્યો. તેને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે રામજીમામાને કાંઈક થયું છે, પરિસ્થિતિ હાલ ખૂબ નાજુક છે.

દવાખાનાનાં પગથિયાં ચઢતા ગંગાની છાતી ચિરાતી હતી. ધબકારા અસ્તવ્યસ્ત થવા લાગ્યા. હોસ્પિટલમાં આવતાવેંત તેણે “રામજી... રામજી....”ના નામનો ચીસકાર કરી મુક્યો. પેલા યુવાનોએ તેને શાંત પાડી, સાંત્વના આપી ત્યારે તેને થોડી શાંતી વળી. તેને થોડી હિમ્મત પણ મળી કે, અહિં મારી મદદે બીજું પણ કોઈ છે !

સામેથી આવતી નર્સ એ ઈસારાથી કહ્યું: “અવાજ ન કરો...”

ગંગાનાં અંતરપટમાં સવાલોનું તોફાન ફુંકાયું હતું; “કેટલું લાગ્યું હસે મારા ભાઈને ? તે બચી તો જાહે ને ?” કેટલાક અમંગળ વિચારોથી તેનું મગજ બહેર મારી જતું તો પોતે મનોમન પોતાને હિમ્મત આપતી: “મારી મા, અંબા રખોપા કરશે મારા વીરાના..”

“તમને ડૉકટર સાહેબ અંદર બોલાવે છે.” નર્સ શાંત સ્વરે કહીને જતી રહી.

સાથે આવેલા યુવકો ગંગાને લઈને ડૉકટરની ચેમ્બરમાં પહોચ્યાં. ગંગાના ધબકારા વધી ગયા, સતત વરસી રહેલી આંખો થોડી બહાર ઉપસી આવી હોય તેમ લાગ્યું !

“જુઓ ભાઈઓ, બહેન. પેસન્ટની હાલત અત્યારે ખૂબ નાજુક છે. પગમાં જે ઈજા છે તે અતિ ગંભીર છે, ઑપરેશન પછી પણ તે સારી રીતે ચાલી શકશે કે કેમ તે પણ હું અત્યારે નહિ કહી શકું. તેમ છતાં મારાથી બનતી ભરપુર કોશિશ કરીશ, બાકી બધુ ઈશ્વરનાં હાથની વાત છે. આ માટે કાઉન્ટર પર આપે ત્રીસ હજાર ઍડ્વાન્સમાં જમાં કરવાના રેહશે.” થોડીવાર થોભી ડૉકટર સાહેબે આગળ કહ્યું: “બહાર થોડીવાર શાંતીથી વિચારી, મને તરત જાણ કરો એટલે અમે ટીટમેંટ ચાલુ કર્યે”  અને ઉતાવરે પગલે તેઓ: “એક્સક્યુજઝ્મી ...” કેહતા ચેમ્બરની બહાર નીકળી ગયા.

ત્રીસ હજારની રકમ સંભળતા જ ગંગાના હાંજા ગગડી ગયા. કમર પર ટાઈટ ભરાવેલ પાકીટમાં માંડ પાંચ હજાર રૂપિયા હતા અને તે પણ માંડ માંડ મળ્યા હતા. ધર્મસંકટ ઊભું થયું ગંગાના જીવનમાં. શું કરવું ? ત્રીસ હજાર જેવડી મોટી રકમ કોણ આપે ? તે પણ આ અજાણ્યા શહેરમાં ? કોની પાસે હાથ લાંબો કરવો ! સવાલ પણ ભાઈની જિંદગીનો હતો. તેણે સાથે આવેલા સેવાભાવી યુવાનો તરફ નજર કરી. તેમની આંખો ઢળી ગઈ. ગંગાની આંખો સામે શૂન્યાવકાશ છવાઈ ગયો. દિમાગની નસો જાણે હમણાં ફાટી જસે એવી રીતે ઉપસી આવી. તે લથડપથડ પગલે બહાર નીકળી. ત્રીસ હજાર તો હાલ રોકડા જમાં કરવાના હતા, પૂરું બીલ કેટલું બનશે એ તો હજી સવાલ જ ઊભો હતો ! હતાશ ચહેરે તે બાકડા પર ઢસડાઈ પડી. દૂર દૂર સુધી કોઈ ઉમીદ ન દેખાઈ. સમય પણ તેની પાસે વધું ક્યાં હતો ? તેનાંથી એક નિઃસાસો નખાઈ ગયો. ક્ષણભર તેણે આંખો મીંચી અને ચોતરફ અંધારાં વ્યાપી ગયાં. ગરમ ગરમ આંસુ ટપોટપ જમીન પર વરસી રહ્યાં. અચાનક એક જોરદાર આંચકા સાથે તેણે આંખો ખોલી. એક વિચાર વાયુવેગે તેના મનમાં ઉપસી આવ્યો. એક પળનો પણ વિચાર કર્યા સિવાય તેનો હાથ ગળામાં લટકતા સોનાના મંગળસૂત્ર પર પહોંચ્યો. સાસુ-સસરાની તેમજ પતિની એકમાત્રે નિશાની રૂપ તે મંગળસૂત્રને તેણે એક જ ઝટકા સાથે ગળામાંથી ખેંચી કાઢ્યું.

પેલા યુવાનો તરફ ધરતા તે ધ્રુજતા અવાજે માંડ બોલી: “વેંચી આવો આને.... જલ્દી કરો મારા વીરા...”

“પણ બહેન...” પેલા યુવાનો હજી કાંઈ આનાકાની કરે તે પહેલા જ ગંગાએ ફરી કહ્યુંઃ

“જા, મારા ભાઈ... તને મારા હમ છે. મારા ભાઈ રામજીને હું કાંઈ નહિ થાવા દઉં.. જટ જા ભાઈ..” અને એક જોરદાર ડસકાથી તેનો અવાજ દબાઈ ગયો. તેણે ઉતાવળે બધાને રવાના કર્યા. ફરી તે ત્યાં જ બાંકડા પર ઢળી પડી. ખાલીખમ પડેલા ગળામાં તેણે હાથ ફેરવ્યો અને મનોમન પતિની પરવાનગી માંગી. દૂર ઘૂઘવતા દરિયામાં હિલોળા લેતા તેનાં ખલાસી પતિએ જાણે કહ્યું: “કાંઈ વાંધો નહિ..” અને તે કાઉન્ટર તરફ દોડી.


Rate this content
Log in