Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others Comedy

2  

Pravina Avinash

Others Comedy

નસીબદાર

નસીબદાર

5 mins
7.2K


તમને કમ્પ્યુટર ચલવતાં નથી આવડતું ? ખરું કહું હું. “ગીતા” પર હાથ મૂકી કહું. તમારા જેવો કોઈ સુખી આ જગમાં નહી મળે! તમને થશે આ લેખિકા દિવસના ઓછામાં ઓછા ત્રણ કલાક તેની સાથે પ્રેમ કરે છે અને આવું કેમ લખે છે ? મેં નશો નથી કર્યો! હોશ હવાસ નથી ગુમાવ્યા. મારું દર્દ તમે શું જાણો?

મારે માટે તો બધા દુઃખોની એક દવા છે, ‘કમપ્યુટર’ ! તમે શામાટે પરેશાન થાવ ? દુઃખડાના ગાણા ક્યાંથી ગાવાના શરૂ કરૂં. કમપ્યુટરનો વાયર સૉકેટમાં નાખવાથી જો ચાલુ થઈ જતું હોય તો ગંગા નાહ્યા. પછી સ્વિચ ચાલુ કરવી એ તો સહેલી વાત છે. મુસિબત તો હવે ચાલુ થશે. તમારા મોડમની સ્વિચ ઓન છે? હવે એ શોધતાં માત્ર દસ મિનિટ, જુઓ પસીનો છૂટી ગયો ને ? તો હવે તૈયાર થઈ જાવ. ’ક્રોમ’ ઉપર બે વાર દબાવી ખોલો. યાદ છે, તમે ‘શમ્મી કપૂરનું યાહુ’ વાપરો છો કે પછી ક્રિકેટનો ‘ગુગલી બૉલ, માફ કરશો ગુગલ’. જો દાઝી ન જવાય તો ‘હૉટ મેઈલ’ પણ બૂરો નથી.

જો તમને ૬૦ યા ૬૫ વર્ષ થયા હોય તો એમ ન માનશો કે કમપ્યુટર પર ઈમેઈલ ચેક કરતાં ન આવડે તો ચાલશે? યા ફેસ બુક અને વૉટ્સ અપ પર ગપસપ મારતા ન આવડે તો કાંઈ વાંધો નહી. અરે, યાદ રાખો આ ૨૧મી સદી છે. પહેલાના જમાનામાં વાંચતા કે લખતાં ન આવડે તે અભણ ગણાતા. આ ૨૧મી સદીમાં કમપ્યુટર, આઈ ફૉન કે આઈ પેડ ન આવડે તો ‘અભણ ‘ કહેવાઈએ. આળસ ખંખેરો અને કામે વાળગો.

ચાલો ત્યારે હવે કમર કસો અને ભણવાનું ચાલુ કરો. યાદ રાખજો શિક્ષક કોને રાખશો. જો તમારા પોતાના બાળકો હશે તો એવી રીતે જોશે કે, ‘આટલું સરળ’ તમને કેમ નથી આવડ્તું ? તેમને માટે તમે ડફોળ માબાપ છો. પૌત્ર અને પૌત્રી એવી રીતે જોશે કે તમે આ ધરતી પર વસનાર કયા પ્રાણી છો ?’ જો પૌત્ર કે પૌત્રી હસી ખુશીથી  શીખવાડે તેમની ધીરજ ન ખૂટે તેની સાવચેતી રાખજો ! તેમનો મિત્રો સાથે બહાર જવાનો સમય તમે વેડફો છો. જે તેમને નાપસંદ પણ હોય. છતાંય મને કે કમને સાથે બેસશે પણ અડધો વખત ‘ટેક્સ્ટ મેસેજ ‘પર ટાઈમ ગાળશે. કમપ્યુટરને જોઈ તમને ચક્કર ન આવે તો સારું. આપણે તો ભાઈ ટાઈપરાઈટર જોયેલાં. થોડું ઘણું આવડતું  પણ હતું. બસ તો હવે એ દિવસો યાદ કરો. એ, બી, સી, ડી અક્ષરઓ તો ત્યાં ના ત્યાંજ જે. થોડો મહાવરો હશે તો સહેલું લાગશે. ખરી મજા તો ત્યારે આવશે. જ્યારે ઈ મેઈલ માટે ઈ મેઈલ આઈ ડી અને પાસવર્ડ નક્કી કરવાના. બધું ક્રમવાર યાદ રાખજો નહિતર તમે કમપ્યુટર શીખી રહ્યા. હા, એક વાર આદત પડી જશે પછી આ કાર્ય મુશ્કેલ નહી લાગે. કંટાળવું નહી એ પહેલી શરત. તમે તો હજુ માંડ ૬૦ના છો. અમેરિકામાં મારા પાડોશી ૭૫ વર્ષે શિખ્યા અને આજે તેમના મિત્રોને શિખવાડે છે. મન મૂકીને શિખશો તો જરૂર આવડશે. બાકી ‘પાકા ઘડે કાંઠા ન ચડે ‘એવા મનમાં ભાવ હશે તો તમે શીખી રહ્યા. મને પૂછો તો તેના જેવો કોઈ મિત્ર નથી.

ખરી મઝા તો હવે આવશે. કમપ્યુટર ચલાવતાં શરૂ કરતાં અને બંધ કરતાં શિખવામાં દસ દિવસ થઈ ગયા. હવે પોતાનું ખાતું ખોલો. તેમાં રોજ કેટલી આવી, કેટલી મોકલી તેનો હિસાબ રાખો. નવી ભાઈબંધી કોની જોડે બાંધી તેને માટે સજાગ રહેવું. ગમે ત્યારે કોઈ પણ કામ કરતાં હોઈએ ત્યાં આવન જાવનની નોંધ રાખવી. બાળકો ભણે નહી અને કમપ્યુટર પર રમતો રમે યા ‘ચેટ’ કરે તેના પર ચાંપતી નજર રાખવી. બીવી રસોઈ કરતાં વઘાર ચૂલે મૂકી કમપ્યુટર પર “કેન્ડી ક્રશ” રમવા બેસી જાય તે વિષે સજાગ રહેવું આ બધાનો ખ્યાલ ન રાખો તો તમારી જોવા જેવી દશા થાય !

હવે થોડું આગળ જાણવાનો પ્રયત્ન કરીએ. ઈ મેઈલથી અટકવું હોય તો બસ. તેમાં એક લાલાબત્તી છે. ગમે તેની ઈ મેઈલ ખોલવાની નહી. ચેપી રોગની જેમ ‘વાઈરસ' આવે. તેને ‘સ્પેમ’માં નાખવાની. હવે સ્પેમ એટલે શું ? પ્રશ્ન દેખાય છે તેટલો જટિલ નથી ! ન ઓળખતાં હોઈએ તેને ‘નાખો વખારમાં’. ફરી સતાવે તો નહી.

કામચલાઉ કમપ્યુટરનો ઉપયોગ આપણને આવડે એટલે ગંગા નાહ્યા. બાકી કોઈ કમપ્યુટરના નિષ્ણાત કે “આઈ ટી” વાળા પાસે જઈને એક પણ અક્ષર ન બોલવાની પ્રતિજ્ઞા હમણા ને હમણા જ લો! તેમને મન આમ પણ આપણે ગઈ ગુજરી છીએ શામાટે હવાથી પણ હલકાં થવું ! આપણે ક્યાં હવે કાઢ્યા એટલાં કાઢવા છે ? ક્યાં નોકરી કરવા જવું છે. આ તો આપણો નવરાશની પળનો સાથી છે. કોઈને નડવું યા માથું ખાવું એના કરતાં તો સારું !

તમે હતાં ખૂબ નસીબદાર. આ બેલ મને માર જેવા હાલ થયા ને? આ તો લોઢાના ચણા ખાય તે પણ પસ્તાય ન ખાય તે પણ પસ્તાય. થોડું ઘણું કમપ્યુટર શીખી શું કાંદો કાઢ્યો? હવે યાદ રાખજો આંખો ખરાબ ન કરશો. આ તો બકરું કાઢતા ઉંટ પેઠું એવા હાલ છે! થોડી થોડી વાર ઉઠી આંખો ધોઈ આવવી. કમપ્યુટરની બાજુમાં એક જોડી ચશ્મા જરૂર રાખવા. કારણ ઉડીને આંખે વળગે તેવું છે. ચશ્મા સાથે જો વાંચવાની તકલીફ પડતી હો તો ચશ્મા વગર શું થાય ? કલ્પનાના ઘોડા દોડાવજો જવાબ આપોઆપ મળી જશે ! કમપ્યુટરની કરામત જાણો છો ? ગમતું હોય તો “સેવ” કરવાનું. ના ગમે તો “ડીલીટ”. ખૂબ વાંચવા ગમતી વેબ સાઈટ “ફેવરિટ”માં મૂકી દેવાની. “સાઈન ઓણ અને સાઈન ઓફ” કરવાનું ભુલવું નહી. ઘરમાં ઉહાપોહ થઈ જશે. બધો જશ આપણી “વધતી જતી ઉમર અને ઘટતી જતી યાદ શક્તિને” મળશે.

હવે તમારે નક્કી કરવાનું કમપ્યુટર ન શિખવાની પ્રતિજ્ઞા પાળવી છે કે કમપ્યુટર શીખી બદનસીબી વહોરવી છે. નિર્ણય તમારા પર છોડ્યો. બાકી મારી સલાહ માનો તો શીખી લો. કામચલાઉ મગજને કસરત મળશે. બુદ્ધિ સતેજ રહેશે. ફાયદા અને ગેરફાયદા બરાબર તોલી જોજો. કંઈક કર્યા નો સંતોષ મળશે. ગામ આખાની ફિઝુલ ખટપટ કરવાનું પાપ તમારા શિરે નહી આવે. ગુગલ દ્વારા દુનિયામાં ચાલી રહેલાં તોફાનોની ખબર પડશે ! મને લાગે છે આટલું પૂરતું છે. બાકી વિષય એવો છે કે ‘આ ગાડી ઉપડે પછી અટકવાનું નામ ન લે?' સિગ્નલની તો પરવા જ ન કરે. કોઈ સિગ્નલ લાલ હોય. સમજી શકવાને બદલે તેને તોડીને આગળ વધે. હળવે હળવે ચાલો, ઉતાવળ ન કરશો. સમજીને કામ કરશો તો પ્રગતિના સોપાન ચડવા આસાન બની જશે.

કમપ્યુટર સાથે સંબંધ બાંધ્યો.

જગનો સંગ હળવે છૂટ્યો.


Rate this content
Log in