થઈ શકે
થઈ શકે
1 min
13.5K
હોડી થઈ શકે કે વિમાન થઈ શકે,
સામે જરા જુઓ, તો નિદાન થઈ શકે !
એવા વળાંક પર હું ઊભો છું આજકાલ,
ના તીર થઈ શકે, ના કમાન થઈ શકે.
દુઃખી થઈ શકે જો બીજાનું દુઃખ જોઈ,
તો આંખ પણ તમારી કુરાન થઈ શકે.
તું કહે અને ગઝલ કઉં એ વાજબી નથી,
વક્ત-એ-નમાઝ હો તો અઝાન થઈ શકે.
એક બેવફા મળી તો એ જાણવા મળ્યું,
નિશાનની ઉપર પણ નિશાન થઈ શકે.
એ ગામ, ચોક, ફળિયું, એ બારી જો મળે,
મારી ગઝલ ફરીથી જુવાન થઈ શકે.
કોઈ કસબની એમાં જરૂર ક્યાં 'નિનાદ'?
ઈમાનદાર છો? તો ઈમાન થઈ શકે !