ચપટીભર પ્રેમ
ચપટીભર પ્રેમ
મેં તો માંગ્યો'તો ચપટીભર પ્રેમ
થોડો દીધો ને પછી મન થયું બ્હાવરું
શાને તું અચકાયો એમ.
તારા એ સંબંધો સાચવતાં સાચવતાં
હાલીતી'તી ધીમી બજારમાં,
રસ્તામાં લોક બધા ભરચક છે
તોયે ઉંચી હું હાલું હજારમાં.
તારાં મનડામાં ચમકારો અટવાયો જેમ
પ્રેમથી ભરેલો તું ઘૂઘવતો દરિયો
ને હલ્લેસે હલ્લેસે ડરવાનું કેમ
મેં તો માંગ્યો'તો ચપટીભર પ્રેમ
ટાંકા ને ટેભામાં જીવન ગુજારીને
ઉજળા આ વસતરને ઓઢું
સુખના છે સપનાઓ શણગારું
હંમેશા દખના હું દાબીને પોઢું.
આકાશી વાદળીઓ વરસે છે તેમ
મતવાલો મેહુલિયો મધરાતે વરસીને
ચંદન તલાવડી ભરતો'તો જેમ
મેં તો માંગ્યો'તો ચપટીભર પ્રેમ
ભીતર ભરેલો ને મંદ મંદ મલકાતો
તારામાં પ્રેમ બધે રણકે
ખાલી આ ઓરડો ને ખાલી આ ઓસરીમાં
અજવાળું તારું જ ઝબકે
હરિ વિશ્વાસી ફુલડાને મઢયાતાં ફ્રેમ
પ્રેમભર્યા શબ્દોની બાંધીને ગાંઠ
નહીં બોલવાની લઈ લીધી નેમ
મેં તો માંગ્યો'તો ચપટીભર પ્રેમ