તારું મારી સાથે હોવું,
તારું મારી સાથે હોવું,
1 min
14.7K
ઈચ્છા જયારે બાંધે માળો,
સપનામાં આવે ગરમાળો!
તારું મારી સાથે હોવું,
દુનિયાનો મોટ્ટો સરવાળો!
ચાલો ઋતુ-ઋતુ રમીએ,
તું ચોમાસું, હું ઊનાળો!
એ ચાલીને આવે છે કે-
ચાંદો નીકળ્યો છે પગપાળો?
ચાને ઊકાળો છો એમજ,
વિચારોને પણ ઊકાળો!
અત્તર-બત્તર ભૂલી જાશો,
કોરી માટી સ્હેજ પલાળો.
વૃક્ષોની ઊંચાઈ બતાવે,
નીચે-નીચે નમતી ડાળો.
એનો એક્કજ દાવ છે કાફી,
તું રહેવાદે તારો ચાળો.
'નિનાદ' એની શેરી આવી,
સ્કૂટર એ બાજુથી વાળો!