ન્યાય
ન્યાય


માહી અને રિયા પાંચમા ધોરણમાં ભણતા હતાંં, બંને એક જ સોસાયટીમાં રહેતા હોવાથી એકબીજાના સારા મિત્ર બની ગયા હતાં... સાથે સ્કુલે જવું, સાથે રમવું, સાથે હોમવર્ક કરવું, બંનેને એકબીજા વિના ફાવતું જ નહી.
એક દિવસ માહીના જન્મદિવસના દિવસે બધા જ મહેમાનો આવી ગયા હતાં, રિયાના મમ્મી પપ્પા પણ આવી ગયા હતાં, પરંતુ રિયા ક્યાંય દેખાતી ન હતી, માહીએ રિયાની મમ્મી રીમાને રિયા વિશે પૂછ્યું, ત્યારે એમને કહ્યુ કે...- " રિયાને ઘણા સમયથી જોઈ નથી, મને એમ કે એ તારી સાથે હશે..." ત્યારે માહીએ કહ્યું...- " આંટી રિયાને મેં બપોર પછી જોઈ જ નથી..." આ સાંભળી રીમા અને રિયાના પપ્પા મહેશભાઈ ચિંતાતુર થઈ ગયા, બધાએ એમને ધીરજ આપી અને રિયાની શોધખોળ ચાલુ કરી, કોઈને ક્યાંય રિયા દેખાતી ન હતી, કે તેનો હોવાનો પૂરાવો પણ મળતો ન હતો, રિયાને શોધતા શોધતા તે ટેરેસ પર પહોંચી, ને ત્યા ખુણામાં રિયાને બેભાન અવસ્થામાં લોહીથી ખરડાયેલી જોવા મળી, એને જોઈ રીમાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, અને તે ત્યાંજ બેભાન થઈ પડી ગઈ...
થોડીક જ વારમાં સોસાયટીના બધા લોકો ત્યાં આવી ગયા... મહેશભાઈ પોતાની દીકરીની આવી હાલત જોઈ, એક પળનો વિલંબ કર્યા વગર તેને ઉઠાવી હોસ્પિટલ લઈ ગયા... ડોક્ટરોએ તેને તપાસીને કહ્યું કે રિયાએ 3 કલાક પહેલા જ આ દુનિયાથી વિદાય લઈ લીધી છે.
સમય જતા બધા આ ઘટનાને ભૂલવા લાગ્યા, પરંતુ રીમા અને મહેશભાઈ પોતાની દીકરી ખોયાનો દુઃખ ભૂલી ન શક્યા, એની સૌથી વધારે અસર માહી પર થઈ... માહીના વર્તનમાં અજુગતું દેખાવા લાગ્યુ, નેહા ( માહીની મમ્મી ) એ બે ત્રણ દિવસ તેના વર્તનનું નિરિક્ષણ કર્યુ, એમને એમ હતું કે માહી પોતાની રીતે રમતી હશે કંઈક, પણ ધ્યાનથી જોયુ તો ખ્યાલ આવ્યો કે માહીની હરકત તેની મિત્ર રિયા જેવી હતી જે થોડાક સમય પહેલા જ દુનિયામાંથી વિદાય લઈ ચૂકી હતી.
નેહાએ તરત જ સોમેસને ફોન કરી ઓફિસથી ઘરે આવવાનું કહ્યું, સોમેસે માહીને ધ્યાનથી જોતા નેહાની વાત સાચી લાગી,
સોમેસે આ વાત રિયાના મમ્મી પપ્પાને જણાવી આ સાંભળતા જ તેઓ તરત જ માહીના ઘરે આવ્યા, તેમને આવેલા જોઈ માહીના ચહેરા પર એક ચમક આવી ગઈ, અને તે દોડીને એમની પાસે ગઈ.
બધા જ થોડીવાર માટે તો ડરી જ ગયા... શું કરવુ શું ન કરવુ કોઈને ખબર પડતી ન હતી, ત્યા જ માહીએ કહ્યું...- " મમ્મી તું મને શોધવા કેમ ન આવી, ખબર છે આપણે સંતાકૂકડી રમતા હતાં, હું ધાબા પર છૂપાઈ ગઈ હતી, મને એમ કે તું મને અહી નહી શોધી શકે, પણ ત્યા એક અંકલ આવ્યા, અને મને હેરાન કરવા લાગ્યા, હું ખુબ જ ડરી ગઈ હતી, એમણે મારો મોં દબાવ્યુ હતું, હું શ્વાસ પણ લઈ શકતી ન હતી,
આ સાંભળી બધાજ સ્તબ્ધ થઈ ગયા હતાં, રીમાની આંખોમાંથી આંસુ રોકાતા જ ન હતાં, એ ખુદને કસુરવાર માનવા લાગી હતી, મહેશભાઈએ માહીને પૂછ્યું કે...- " એ અંકલ કોણ હતાં બેટા..." ત્યારે માહી ત્યાંથી ઊઠીને પોતાના રૂમમાં ચાલી ગઈ, સોમેસે ફરી પોલીસને જાણ કરવાનુ કહ્યું, મહેશે તેની વાત માની લીધી.
બીજા દિવસે સોમેસ માહીને લઈને સોસાયટીના ગાર્ડનમાં રમવા લઈ ગયા... ત્યાં એક માણસને જોઈને માહી ડરી ગઈ, અને પૂરી તાકાતથી સોમેસનો હાથ પકડી રાખ્યો, સોમેસને એ માણસ પર શક ગયો, તેને આ વાત રિયાના મમ્મી પપ્પાને જણાવી, અને પોલીસને પણ જાણ કરી, એ વ્યક્તિ રિયાના ઘરની બાજુના બિલ્ડીંગમાં જ રહેતો હતો, તેથી પોલીસે તેને સહેલાઈથી પકડી લીધો...
પોલીસે માહીને પણ પોલીસ સ્ટેશન લાવવાનું કહ્યું, ત્યાં પોલીસે માહીને કહ્યું...- "બેટા હવે આનાથી ડરવાની જરૂર નથી, આ વ્યક્તિને હવે સજા થશે એ બચી નહી શકે, તું આનાથી ડરીશ નહી..." ત્યારે માહીએ હા માં ગરદન હલાવી.
મહેશભાઈ ગુસ્સામાં આવીને તે વ્યકિતનો કોલર પકડી તેને મારવા લાગ્યો, પોલીસે તેમને અલગ કરી અને તે વ્યક્તિને સજા આપવાનું કહી મહેશને શાંત રહેવાનું કહ્યું...
માહીનું વર્તન પણ હવે પહેલા જેવો થઈ ગયો હતો, આ ઘટના પણ તે ભૂલી ગઈ હતી !
ભગવાન કોઈપણ સ્વરૂપે આવી ન્યાય કરે જ છે.
***