યોગેશ પંડયા
યોગેશ પંડયા
"શબ્દ ન હોત તો કદાચ આજે હું જે છું એ ન હોત,બલ્કે તૂટી ગયો હોત. લખવું -મારુ જીવન છે. લખ્યા વગર હું તરફડું છું. લખ્યા વગર મને કરાર વળતો નથી. અને મા શારદાની કૃપા મારી ઉપર પૂરેપૂરી ઊતરી છે, કે એકવાર હું લખવા બેસું પછી મારે શબ્દો ને શોધવા જવા પડતા નથી. લખ્યા પછી મને વિચાર આવે છે કે શું ખરેખર મેં જ લખ્યું ?"
ઉપરોક્ત શબ્દો છે સર્જક શ્રી યોગેશ પંડયાના. યોગેશભાઈ એક એવા સર્જક છે જેમણે જીવનમાં ખૂબ ઝંઝાવાતોનો સામનો કર્યો છે. પેલું કહેવાય છેને કે 'ચારે દશ્યના વાયરા વાયા' એમ જીવનના તમામ રંગો જોનાર આ સર્જકે જીવનને ખૂબ નજીકથી જોયું જાણ્યું છે. તેમના જીવનનમાં ખાલીપાને અને અભાવોને સભર કરવા માટે સાહિત્ય ખૂબ જ ઉપકારક નીવડયું છે. જેમના માટે સાહિત્ય ટેકણલાકડી બની હોય અરે સ્થિરતા આપી હોય અને ગતિમાન રાખ્યા હોય એમને સાહિત્યનું મૂલ્ય સારી રીતે સમજાઈ ગયું હોય છે.
સર્જક શ્રી યોગેશ પંડ્યાનો જન્મ પિતા રમણિકલાલ અને માતા સુશીલાબહેનના ઘરે 18 સપ્ટેમ્બર 1969ના રોજ થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ ગઢડિયા ગામેથી અને માધ્યમિક શિક્ષણ ભાવનગર જિલ્લામાં આવેલા સોનગઢની ગુરુકુલ વિવિધલક્ષી હાઈસ્કૂલમાંથી લીધું. બી. કોમ, અને બી. એ. નો અભયાસ કવિશ્રી બોટાદકર કોલેજ, બોટાદમાંથી કર્યો છે. અને ગુજરાતી વિષયમાં એક્સટર્નલ એમ. એ. ની ડીગ્રી મેળવી હાલમાં ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે તાલુકા પંચાયતમાં નાયબ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે.
તેમની સાહિત્યિક સફર તરફ એક નજર કરીએ તો તેમણે
ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં કલમ ચલાવી છે. તેમની લેખનની શરૂઆતમાં 1982 માં 'ફૂલવાડી'માં નાનકડા બે જોક્સ પ્રગટ થયેલા, એ પ્રગટ થયેલી પ્રથમ કૃતિ. પછી એક બાળવાર્તા પ્રગટ થઈ, જોકે સાહિત્યિક રીતે 1987 માં પ્રથમ કૃતિ (લઘુકથા) 'અપૂર્ણ તૃષા' ઉમિયા દર્શન"માં પ્રગટ થઈ હતી. એ પછી તેમના સાહિત્ય સર્જનને વેગ મળ્યો અને વાર્તા ક્ષેત્રે સર્જન થયું. તેમનાં પ્રકાશિત થયેલાં પુસ્તકો આ મુજબ છે (1)તિરાડ'-1999( ગુજરાત સાહિત્ય અકાદમીનાં અનુદાનથી) (2)ચોપાટ'-2005( ગુર્જર પ્રકાશન)(3)'મન ગોકુળ,મન વૃંદાવન'. 2016( દર્શીતા પ્રકાશન)4. 'લગ્નસૂત્ર'-2018(ગુર્જર પ્રકાશન)નવલકથા: (1)જીવતર તો પંખીની જાત- 2018-19 (દર્શીતા પ્રકાશન)(2)પતિ,પત્ની ઔર વોહ. . . (પ્રેસમાં)(3)તમે રે ચંપો ને અમે કેળ. . (પ્રેસમાં) (4)શમણાં કોરોન્ટાઈન છે(પ્રકાશ્ય)(5)મૃગતૃષ્ણા -2001-02 માં 'સમભાવ''દૈનિક માં પ્રકાશિત. હાસ્ય:(1)વાતનું વતેસર-2017(દર્શીતા પ્રકાશન)
(2)પરણ્યા ત્યારથી સવાર-2019(દર્શીતા પ્રકાશન)
નિબંધ:(1)પ્રિય સખી(પત્ર નિબંધો) 2005-( પ્રવીણ પ્રકાશન)(2)સખીરી,મોસમ છલકે. -2007(ડિવાઈન પ્રકાશન)
દામ્પત્ય: (1)એક તારી હથેળી,એક મારી હથેળી. આ ઉપરાંત કોલમ લેખન અને નવલકથા ક્ષેત્રે તેમણે 1998 થી 2009 સુધી વાર્તાલેખન 'સૌરાષ્ટ્ર સમાચાર'દૈનિક-રવિ પૂર્તિમાં, 'ધૂપછાવ''કોલમ, આરપાર-વાર્તાકોલમ -''જયહિંદ ''દૈનિક. બુધવાર પૂર્તિ. 2001-થી 2002,વાર્તાવિશ્વ-વાર્તા કોલમ ગુજરાત ગાર્ડિયન ''દૈનિક સુરત માંથી 2012 થી 2018. ફૂલછાબ દૈનિક-શુક્રવારપૂર્તિ માં 2004 થી 2008 સુધી 'પત્ર નિબંધો' તથા કચ્છમિત્ર-ભુજમાં 'પ્રિય સખી' નામે કોલમ 2005-06-07-08, 14,15 ,ફૂલછાબમાં રવિપૂર્તિમાં સમયાંતરે કોલમ 'મનસાગર' 2008-2009. 'ફૂલછાબ'માં તેમની હાસ્ય કોલમ 'ભગલાએ ભારે કરી', 'ધકકેલ પંચા દોઢસો' અને ''હળવે હૈયે'. '-2009 થી 2015. તથા 2018,2019. આમાં 5 થી 10 જેટલી હાસ્ય લઘુનવલ કથા પણ છે. આ કોલમ બહુ જ હીટ ગયેલી. (ભગલાએ ભારે કરી')'જનસત્તા' માં 2012 ના વર્ષમાં ચૂંટણી વિષય ઉપર રોજની એક વાર્તા લેખે 'વાતનું વતેસર' કોલમનું લેખન કરેલ છે.
તેમણે આકાશવાણી-રાજકોટ/આહવા ઉપર 20 જેટલા કાવ્યપઠન ના કાર્યક્રમો દૂરદર્શન -અમદાવાદ ઉપર કવિસંમેલનમાં કાવ્યપાઠતથા સર્જક વિશેષ મુલાકાત કરી છે. તેમની વાર્તાઓ અને કાવ્ય રચનાઓ શબ્દસૃષ્ટિ, ઉદ્દેશ, અખંડ આનંદ, આકાશવાણી-રાજકોટ, તથા જુદા જુદા દીપોત્સવી અંકો-ચિત્રલેખા, અભિયાન, મુંબઇ સમાચાર, ઉત્સવ, ફૂલછાબ, જનશાહી, કચ્છમિત્ર, ગુજરાત(માહિતીખાતું), નોબત, સમય વગેરેમાં 1997-98 થી નિયમિત પ્રસિદ્ધ થઈ છે.
તેમને વાર્તા- ' તિરાડ'-1998 માં '' સૌરાષ્ટ્ર સમાચાર'' વાર્તા સ્પર્ધામાં 472 વાર્તામાંથી દ્વિતીય પારિતોષિક.
વાર્તા- "ખાન અંકલ''- 1996 "ફૂલછાબ'' દૈનિક વાર્તા સ્પર્ધામાં બહોળી સંખ્યામાં આવેલી વાર્તાઓમાંથી પાંચમું પારિતોષિક. ચાહના-સામયિક 1997-98 માં વાર્તા સ્પર્ધામાં આશ્વાસન પારિતોષિક.
રાજપૂત સમાજ-કોસંબા દ્વારા યોજાયેલ વાર્તા સ્પર્ધામાં 1999 થી 2002 સુધીમાં તૃતીય અને પ્રથમ. નાની બચત ખાતું, ગાંધીનગર દ્વારા 1989-90 માં યોજાયેલી વાર્તાસ્પર્ધામાં આશ્વાસન પારિતોષિક. કોરોના -મહામારી વિષય ને સ્પર્શતી 2020 માં વી. આર. ટી. આઈ. માંડવી દ્વારા યોજાયેલ લઘુનવલ સ્પર્ધામાં પાંચમું આશ્વાસન પુરસ્કાર વગેરે સન્માન પ્રાપ્ત થયાં છે.
