વરસાદ રિસાઈ ગયો
વરસાદ રિસાઈ ગયો
કાબરબેને સ્વીટી ચકલીને ફોન કર્યો. “ચકીબેન ભર બપોરે મારા બચ્ચાંઓને પાણીની તરસ લાગે છે. એટલામાં કયાંય પાણી મળતું નથી અને વરસાદ પણ વરસતો નથી. અમે તો પાણી વગરના અકળાઈ ગયા છીએ. મેં તો તમને અને તમારા બચ્ચાંને સદા લેરમાં જ જોયા છે વળી તમારા ઘરનો બગીચો પણ લીલોછમ રહે છે.તમે ક્યાંથી પાણી મંગાવો છો ?”
ચકીબેન: “અરે ભલી કાબરબાઈ તમને અને બાળુડાને તો દાળભાત બહુ ભાવે અટેલે તમે તેની શોધમાં જ રહો પણ મારા બચ્ચાંને પાણી વગર જરાય ન ચાલે એટલે હું તેની ફિકર કરતી હોઉં છું. પાણીનો જથ્થો મારી પાસે પુરતો છે. બચ્ચાં માટે જોઈતો હોઈ તો લઇ જશો. આજે સાંજે ફનપાર્કમાં બધા પક્ષીઓ અને પ્રાણીઓ એક મીટીંગ કરવાના છે. સાંજે ફનપાર્કમાં આવવાનું ભૂલશો નહિ.”
કાબરબેન અને તેના બચ્ચાં તો ભાઈ સાંજે ફનપાર્કમાં પહોચ્યાં. ત્યાં તો ચકલી, મેના, પોપટ, કાગડો, મોર જેવા પક્ષીઓ અને હરણ, સાબર, હાથી, સસલું, જિરાફ, રીંછ વગેરે પણ હતા. સાંજનો સમય હતો એટલે ચામાચિડિયા પણ અડધી આંખ મીચીને ફનપાર્કમાં ઝાડવે ઉંધા લટકાયને હોંકારો દેતા હતા. બધાં તો શોરબકોર કરવા લાગ્યાં. આ વખતે સુરજદાદાએ તો બહુ અગ્નિ વરસાવી અકળાઈ ગયા છીએ. ચાલો બધા સાથે મળીને ઇન્દ્રદેવને રીઝવીએ.
હાથી કહે, “આપણે બધા જંગલના રાજા સિંહ પાસે જઈએ. પાણી વગર તો કેમ જીવી શકાય ? બફારો ઘણો છે પણ વરસાદ કેમ નથી વરસતો ? બધા સાથે મળીને રાજા સિંહની પાસે જઈને ફરિયાદ કરીએ કે વરસાદ અમારાથી રિસાઈ ગયો છે.
બીજે દિવસે પ્રાણીઓ અને પક્ષીઓની સવારી સિંહ રાજાને મળવા નીકળી. પક્ષીઓ કલબલાટ કરતાં, પ્રાણીઓ ખળભળાટ કરતાં રાજા સિંહ પાસે પહોચ્યાં. ડાલામથો જંગલનો રાજા તેનાથી સૌ કોઈ ડરે. હાથીભાઈએ સિંહને વિંનતી કરી કે, “વરસાદ અમારાથી રિસાઈ ગયો છે. પાણી વગર અમે અકળાઈ ગયા છીએ. ચાતાક પણ તરસે મરે છે.”
ત્યાં તો સિંહે એવી મોટી ત્રાડ નાખીને ગર્જના કરી કે આકાશમાંથી એક વાદળું થર થર ધ્રુજતું આવ્યું. “મહારાજ ક્ષમાં કરો અમે વાદળા વરસીને સાવ સુકાઈ જઈએ છીએ પણ લોકો પાણી બચાવતા નથી.”
બધા દેકારો –પડકારો કરવા લાગ્યા. સિંહે બધાને પૂછ્યું કે “પાણી બચવવા કેવો ઉપાય કરવો જોઈએ ?”
ચકલી: “વરસાદનું પાણી સ્ટોર કરીએ તો ફાંફાં મારવા ન પડે. હું વરસાદનું પાણી નાની કુઈમાં સ્ટોર કરું છું.”
વરસાદનું પાણી સ્ટોર કરવાનો નિર્ણય થયો. વાદળી રાજી થઇ ગઈ. મેઘ હેલીએ ચડીને વરસ્યો. આનંદ છવાઈ ગયો. મોર, બપૈયા, દાદુર તો નાચવા લાગ્યા. બધા પક્ષી અને પ્રાણીઓને રાહત થઇ સૌ હસી-ખૂશી ઘરે ગયા.
