STORYMIRROR

Rahul Makwana

Children Stories Fantasy Inspirational

4  

Rahul Makwana

Children Stories Fantasy Inspirational

વૃદ્ધ અને યુવાન સિંહનો મતભેદ

વૃદ્ધ અને યુવાન સિંહનો મતભેદ

4 mins
766

  લીલાવન એ કુદરતનાં ખોળે આવેલ એક રમણીય અને અદભુત જંગલ હતું. બધાં પ્રાણીઓ હળીમળીને ખુશખુશાલ જિંદગી જીવી રહ્યાં હતાં. આ જંગલમાં એક સિંહ રહેતો હતો, જેની ધાક પુરેપુરા જંગલમાં વર્તાઈ રહી હતી. એ જ્યારે પણ જંગલમાંથી પસાર થાય, ત્યારે બધાં જ પ્રાણીઓ ડરને લીધે ફફડી રહ્યાં હતાં. તે જંગલનો રાજા હોવાથી તેનો રુઆબ અને ઠાઠમાઠ જોરદાર હતો. 

  ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યાં, એ સાથોસાથ સિંહનો રુઆબ પણ વધી રહ્યો હતો. દિવસો વીતતાની સાથે આ સિંહમાં અભિમાન આવી ગયું. તે એવું અનુભવી રહ્યો હતો કે પુરેપુરા જંગલમાં પોતાનાં જેટલું બહાદુર, શક્તિશાળી અને હિંમતવાન કોઈ જ નથી. સમય જતાંની સાથે એ સિંહ ઘરડો થવાં લાગ્યો, તે માંડ માંડ શિકાર કરીને પોતાનું પેટ ભરતો હતો. બરાબર એ જ સમયે આ જંગલમાં એક નવો યુવાન સિંહ આવ્યો. આ યુવાન સિંહ અને પેલાં ઘરડા સિંહ વચ્ચે ખૂબ જ લડાઈ ચાલી. અંતે પેલાં યુવાન સિંહનો વિજય થયો. આથી વૃદ્ધ સિંહ દુઃખ સાથે એ જંગલ છોડીને કાયમિક માટે જતો રહ્યો.

   ત્યારબાદ ખુબ જ થોડાં સમયમાં આ જંગલ પર યુવાન સિંહે જંગલમાં રહેતાં તમામ પશુ પક્ષીઓ પર પોતાની ઘાક જમાવી દીધી, બધાં જ પ્રાણીઓ આ સિંહથી ડરવા લાગ્યાં. એને તેમની સેવા ચાકરી કરવાં લાગ્યાં. બધાં પ્રાણીઓ દરરોજ સિંહ પાસે આવીને પોતાની તકલીફો અને વ્યથા જણાવવા માટે આવવા લાગ્યાં. સિંહ પણ એ બધાં પ્રાણીઓની તકલીફો કે વ્યથાઓ સાંભળીને તેનો ઉચિત નિકાલ કરતો હતો.

  એક દિવસ આ સિંહ જંગલમાં આંટો મારી રહ્યો હતો, એવામાં બરાબર તેને એક શિયાળ મળે છે.

"મહારાજા ! આમ એકલાં એકલાં જંગલમાં કયાં આંટા મારી રહ્યાં છો.?" - શિયાળે સિંહની સામે જોઇને પૂછ્યું.

"બસ એમ જ, હું આજે કોઈ કામ વગર મારી ગુફામાં બેસેલ હતો, તો મને થયું કે લાવને આ જંગલમાં એક આંટો મારી આવું…! આ જંગલમાં કોઈને કાંઈ તકલીફ કે અગવડતા તો નથી ને..? - આવો પ્રશ્ન થવાથી હું જંગલમાં લટાર મારવા નીકળી પડ્યો..!" શિયાળને જણાવતાં સિંહ બોલે છે.

"મહારાજ ! જે જંગલમાં તમારી જેવાં રાજા હોય, તે જંગલમાં કોઈને શું તકલીફ હોય શકે!" - શિયાળ સિંહનાં વખાણ કરતાં કરતાં બોલે છે.

"છતાંપણ, આ જંગલનાં રાજા હોવાને નાતે, આ બાબતની ચકાસણી કરવી એ મારી ફરજ છે..!" - સિંહ પોતાની જાત પર ગર્વ અનુભવતાં બોલે છે.

"તો...રાજાજી ! તમને કોઈ તકલીફ કે વાંધો ના હોય તો હું પણ આવું તમારી સાથે..?" શિયાળ સિંહની પરવાનગી મેળવવા માટે પૂછે છે.

"એમાં મને શું વાંધો કે તકલીફ હોવાનો…ચાલો ત્યારે…મારી સાથે…!" સિંહ જંગલ તરફ પોતાનાં પગલાં ઉપાડતાં ઉપાડતાં બોલે છે.

   ત્યારબાદ સિંહ અને શિયાળ જંગલમાં જવાં માટે આગળ વધવા માંડે છે, સિંહ ધપ ધપ કરતાં પોતાનાં પગ ચલાવી રહ્યો હતો, જ્યારે આ બાજુ પોતે જંગલનાં રાજા સિંહ સાથે ચાલી રહ્યો હોવાથી શિયાળ પોતે પણ પહોળું પહોળું થઈને ચાલવાં માંડે છે. સિંહ અને શિયાળ વાતો કરતાં કરતાં જંગલમાં આગળ ધપવા માંડે છે, વાતો વાતોમાં તે બંને ચાલીને જંગલમાં ઘણાં જ આગળ નીકળી ગયાં હતાં, જેનો તેઓને ખ્યાલ જ ના રહ્યો.

"મહારાજ ! આપણે જંગલમાં ઘણાં જ આગળ નીકળી ગયાં છીએ, હવે આપણે પાછા ફરવું જોઈએ." - શિયાળ પોતાનું મંતવ્ય આપતાં જણાવે છે.

"હા..તારી વાત એકદમ સાચી છે, આમેય તે આપણો વિસ્તાર અહીં પૂરો થાય છે, અહીંથી આગળ બીજા સિંહનું રાજ છે." - સિંહ શિયાળની વાત સાથે સહમત થતાં બોલે છે.

  બરાબર એ જ સમયે સિંહ અને શિયાળનાં કાને કોઈ વૃદ્ધ સિંહની દર્દ ભરેલ ચીસ સંભળાય છે, સાથોસાથ ઘણાં બધાં જંગલી કૂતરાઓનો ભસવાનો પણ અવાજ આવે છે. આથી સિંહ અને શિયાળ પેલાં અવાજની દિશામાં દોડવા માંડે છે.

  ત્યાં જઈને સિંહ અને શિયાળ જોવે છે કે એક વૃદ્ધ સિંહ જમીન પર જખમી હાલતમાં પડેલ હતો, તેને સાત આઠ જંગલી કૂતરાઓએ ચારેબાજુએથી ઘેરી લીધેલ હતો. સિંહનાં પગ અને પીઠમાંથી લોહી વહી રહ્યું હતું.

   આ જોઈ સિંહને ખ્યાલ આવી ગયો કે હાલ જે વૃદ્ધ સિંહને જંગલી કૂતરાઓએ ઘેરી લીધેલ છે, એ જ સિંહ વર્ષો પહેલાં પોતે હાલ જે જંગલનો રાજા છે, એ જંગલનો રાજા હતો.

   આથી શિયાળ પાસે ઉભેલ યુવાન સિંહ એકપણ ક્ષણનો વિચાર કર્યા વગર પેલાં જંગલી શિકારી કૂતરાઓ પર વાવાઝોડાની માફક તૂટી પડે છે. થોડીવારમાં પેલાં શિકારી જંગલી કૂતરાઓ પૂંછડી દબાવી નાસી છૂટે છે.

હાલ સિંહની નજીક ઉભેલ શિયાળ આ બધું અચરજ અને વિસ્મયતા સાથે નિહાળી રહ્યું હતું.

"મહારાજા ! પેલો વૃદ્ધ સિંહ તો એક સમયે તમારો દુશ્મન હતો…તો તમે હાલ તેને શાં માટે પેલાં શિકારી કૂતરાઓથી બચાવ્યો..?" - શિયાળ હેરાનીભર્યા અવાજે સિંહને પૂછે છે.

"જી ! એ વર્ષો પહેલાં કદાચ મારો દુશ્મન હતો, પરંતુ હાલ મને તે વૃદ્ધ સિંહ સાથે કોઈ જ દુશ્મની નથી...અમારા બંને વચ્ચે મનભેદ કે મતભેદ હોવાં સ્વાભાવિક પણ છે...પરંતુ મનદુઃખ કે મતભેદ એવો પણ ના રાખવો કે જેનો લાભ જંગલી કૂતરાઓ ઉઠાવી જાય.!" 

"મહારાજા ! તમે ખરેખર મહાન છો..!" - શિયાળ સિંહને સલામી ભરતાં ભરતાં બોલે છે.

"જયાં સુધી અમારા બંને વચ્ચે મનભેદ કે મતભેદ હોય ત્યાં સુધી અમે લોકો ચોક્કસ એકબીજાનાં દુશ્મનો છીએ, પરંતુ જયારે અમારા પર કોઈ અન્ય દુશ્મનો હુમલો કરી બેસે, ત્યારે અમે અલગ અલગ નહીં પરંતુ એક જ છીએ..!" - સિંહ શિયાળને ઉપદેશ આપીને સમજાવતા બોલે છે.

   ત્યારબાદ પેલો વૃદ્ધ સિંહ યુવાન સિંહનો બે હાથ જોડીને સહૃદય આભાર માને છે. પછી પેલો યુવાન સિંહ અને શિયાળ વૃદ્ધ સિંહને પોતાની સાથે હાલ તેઓ જે જંગલમાં રહેતાં હતાં ત્યાં લઈ આવે છે.હાલ તે ત્રણેય ખૂબ જ ખુશખુશાલ થઈને જંગલમાં પરત ફરી રહ્યાં હતાં.

બોધ..

  "ભાઈઓ કે સંબંધીઓ વચ્ચે ભલે મતભેદ કે મનભેદ હોય, પરંતુ એ બાબતનો પણ ખ્યાલ રાખવો કે તમારા મતભેદ કે મનભેદનો લાભ (જંગલી કૂતરાઓ) કપટી માણસો ના ઉઠાવી જાય.


Rate this content
Log in