વળતર
વળતર
મા-બાપ વગરની રમલીને શેઠને ત્યાં કામમાં જીવ નહોતો ચોંટતો.
“ઝટ દઇને આ પોતું મારી દઉં પછી નાનકા સાથે પતંગ લૂંટવા જવાય. નાનકો મારી રાહ જોતો હશે. મા-બાપુ તો પતંગ અપાવવા આવવાના નહીં. મને નાનકાનો સહારો અને એને મારો. પણ આ મસમોટા ઘરનું કામેય મસમોટું અને શેઠાણીબા ચીકણાય બહુ તે કોઈ દિવસ સમજે નહીં કે મારેય ઘેર વહેલું જવું હોય. ભાઈલો રાહ જોતો હશે.
હજી તો રમલી પોતું મારતી હતી ત્યાં શેઠાણીએ કહ્યું, “રમલી, અગાશી ચોખ્ખીચણક કરી નાખજે હોં ! ઉત્તરાયણને દિવસે બધા મહેમાન આવવાના છે.”
રમલીને ધ્રાસ્કો પડ્યો, “અરરરર વળી કલાક મોડું થશે.”
અને ઉતાવળે ઉતાવળે કામ પતાવીને ઉપરની સીડી પરથી ઉતરતાં પગ લ
પસ્યો. આંખ આગળ અંધારું છવાતું જતું હતું. માત્ર નાનકો જ દેખાતો હતો.
ઉત્તરાયણના દિવસે નાનકાને પતંગ ચગાવતાં રમલીની બહુ યાદ આવતી હતી,
“આજ રમલી હોત તો પતંગ ચગાવવાની વધુ મજા આવત.”
પછી તરત જ મનમાં થયું, “પણ.. રમલી હોત તો હજી પતંગ લૂંટવાનું જ ચાલતું હોત ને ! શેઠે વળતર આપ્યું તે પહેલી વાર પતંગ ખરીદીને ચગાવવાનો મેળ પડ્યો.”
ફરી તરત મનમાં ગુનાની લાગણી થઈ આવી, “અરે પણ રમલી હોય એની વધુ જરુર નહીં ? એમ કાંઈ મરી જવાની જરુર નહોતી. પતંગ તો લૂંટીનેય ચગાવતાં જ હતા ને !”
રમલીના ફોટા સામે નાનકો હાથમાં પતંગ અને ફિરકી લઈને હજી અસમંજસમાં હતો.
“આ એકલા એકલા કાંઈ મજા નથી આવતી.”