STORYMIRROR

Shobha Mistry

Children Stories Inspirational

4  

Shobha Mistry

Children Stories Inspirational

વિવિધતામાં એકતા

વિવિધતામાં એકતા

2 mins
351

બાલભારતી વિદ્યાકુંજનું સભાગૃહ આજે વાલીઓ અને બાળકોના કલબલાટથી જીવંત થઈ ઊઠ્યો હતો. કેમ ન હોય ? આજે શાળાનો વાર્ષિક કાર્યક્રમ થવાનો હતો. ઉપરાંત આજના કાર્યક્રમની ખાસિયત એ હતી કે શાળાના ૧૨૦૦ વિદ્યાર્થીઓએ કોઈને કોઈ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બાળકો કરતાં તેમના માવતરનો ઉત્સાહ માતો નહોતો. નિયત સમય કરતાં પંદર વીસ મિનિટ મોડો કાર્યક્રમ ચાલુ થયો અને સૌની આતુર નજર પોતાનું સંતાન જે કાર્યક્રમમાં હોય તેના પર કેન્દ્રિત થઈ ગયું. જેમ જેમ કૃતિઓ રજૂ થતી ગઈ તેમ તેમ વાતાવરણ વધુ આનંદિત થતું ગયું. વચમાં અડધો કલાકના મધ્યાંતરમાં પણ સૌ હવે પછી આવનારી રચનાઓ વિશે જ વાત કરી રહ્યાં હતાં. સાધારણ રીતે મધ્યાંતર પછી પ્રેક્ષકોને સભાગૃહમાં આવવા માટે વારંવાર જાહેરાત કરવી પડતી હોય છે પણ અહીં તો સૌ સમયસર હાજર જ થઈ ગયા હતાં. 

પડદો ખુલ્યો અને બાકીની રચનાઓ એક પછી એક રજૂ થવા લાગી. લોકો તાળીઓના ગડગડાટથી કૃતિઓને વધાવતાં રહ્યાં. ત્યાં જ જાહેરાત થઈ, હવે ધોરણ સાતના બાળકો આપણી સમક્ષ એક નવતર કૃતિ લઈને હાજર થઈ રહ્યાં છે. કૃતિનું નામ આપ સૌએ જોઈને નક્કી કરવાનું છે. ફરી તાળીઓનો અવાજ સભાગૃહમાં ગૂંજી રહ્યો. 

થોડી વારમાં સ્ટેજના જુદા જુદા ખૂણામાંથી, જુદા જુદા રાજ્યોની ઓળખ જેવા પહેરવેશમાં બાળકોએ પ્રવેશ કર્યો. સૌએ પોતાની ઓળખ આપી. હું પંજાબી, હું મરાઠી, હું ગુજરાતી, હું મદ્રાસી, હું તમીલ, હું બંગાળી, હું મલયાલમી, હું રાજસ્થાની. એમ એક પછી એક બાળકો આવીને ઊભાં રહી ગયાં. પોતપોતાના રાજ્યોની વિશેષતા બતાવી પોતે જ શ્રેષ્ઠ છે એમ સાબિત કરવા ઝગડવા લાગ્યાં. ત્યાં તો થોડી વાર માટે આખા સભાગૃહમાં અંધકાર છવાઈ ગયો. લોકો હજી કંઈ સમજે એ પહેલાં એક લાઈટ સ્ટેજ પર ભારતનો નકશો હતો એના પર પડી. એમાંથી જાણે ભારતમાતા બહાર આવ્યાં અને ગુસ્સે થઈને બોલ્યાં, "સૌથી પહેલાં તમે ઝગડવાનું બંધ કરો અને મને એ કહો કે તમારા બધામાંથી ભારતીય કોણ છે ?" પછી એ પોતાના બે હાથમાં મોઢું છુપાવી રડવા લાગ્યાં.

ભારતમાતાને રડતાં જોઈ સ્ટેજ પર હાજર રહેલાં જુદાજુદા રાજ્યોના પાત્રો એકબીજા સામે જોઈ રહ્યાં. પછી બધાંએ એકબીજાનાં હાથ પકડી લીધા અને ભારતમાતાની આજુબાજુ ગોળ કુંડાળું બનાવી ઊભાં રહી ગયાં. તેમણે ભારતમાતાના આંસુ લૂછ્યાં અને કહ્યું, "મા, તમે રડો નહીં. અમે સમજી ગયાં કે તમે શું કહેવા માંગો છો. મા, અમે સૌથી પહેલાં ભારતીય છીએ. આ પહેરવેશ તો ફક્ત અમારા રાજ્યની ઓળખ પૂરતાં જ છે. હવેથી અમે કોઈ દિવસ ઝગડીશું નહીં અને મળીસંપીને ભારત દેશની તથા ભારતમાતાની રક્ષા કરીશું." 

બાળકોની વાત સાંભળીને ભારતમાતાએ બધાં બાળકોને પોતાના બે હાથમાં વીંટાળી દીધાં. "બાળકો, આ પહેરવેશ તો એ બતાવે છે કે આપણાં દેશમાં 'વિવિધતામાં એકતા' છે." બધાં બાળકોએ એક સાથે "ભારતમાતા કી જય, ભારતમાતા કી જય" નો જયઘોષ કર્યો. એ સાથે જ સભાગૃહમાં હાજર સૌએ પણ ઊભાં થઈ ભારતમાતા કી જય બોલાવી. તાળીઓના ગડગડાટથી આખો હોલ ગૂંજી ઊઠ્યો. 


Rate this content
Log in